World

સાઉદી અરેબિયામાં વિવાદાસ્પદ ટ્વીટ કરવા બદલ અમેરિકી નાગરિકને 16 વર્ષની સજા

સાઉદી અરેબિયામાં (Saudi Arabia) એક અમેરિકી નાગરિકને (US Citizen) વિવાદાસ્પદ ટ્વિટ કરવા બદલ 16 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અમેરિકી નાગરિકના પુત્રએ આ માહિતી આપી હતી. અમેરિકન નાગરિક સાદ ઇબ્રાહિમ અલમાદી (72)એ આ ટ્વીટ લગભગ સાત વર્ષ પહેલા અમેરિકામાં (America) રહેતા સમયે કરી હતી. વોશિંગ્ટન પોસ્ટના સમાચારને સમર્થન આપતા, ઇબ્રાહિમના પુત્રએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે તેના પિતા નિવૃત્ત “પ્રોજેક્ટ મેનેજર” હતા અને ફ્લોરિડામાં રહેતા હતા. તે ગયા વર્ષે નવેમ્બરમાં પરિવારને મળવા માટે સાઉદી અરેબિયાની મુલાકાતે હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. અલ્માદી યુએસ અને સાઉદી અરેબિયા બંનેના નાગરિક છે. સાઉદી અધિકારીઓએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.

  • વિવાદાસ્પદ ટ્વીટ અમેરિકામાં કરી અને સાઉદી અરેબિયા સરકારે દબોચી લીધો
  • સાઉદી અરેબિયા સરકારે એક ટ્વીટ બદલ 16 વર્ષની સજા કરી
  • વ્યકિત અમેરિકામાં રહેતો હતો અને પરિવારને મળવા સાઉદી અરેબિયા ગયો હતો

7 વર્ષ પહેલા ટ્વિટ કર્યું હતું
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે વોશિંગ્ટનમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન અલ્માદીની અટકાયતની પુષ્ટિ કરી હતી. પટેલે કહ્યું, “અમે સતત સાઉદી સરકારના ઉચ્ચ કમાન્ડ સમક્ષ અમારી ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે અને અમે ભવિષ્યમાં પણ તેમ કરવાનું ચાલુ રાખીશું.” અમે ગઈકાલે સાઉદી સરકારના સભ્યો સાથે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.” ઈબ્રાહિમના પુત્રએ કહ્યું કે તેના પિતા સાત વર્ષ પહેલા કરવામાં આવેલી “કેટલીક નાની ટ્વીટ્સ” માટે પકડાયા હતા. તેમાં તેમણે સરકારની નીતિઓની ટીકા કરી હતી અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો.

આતંકવાદને સમર્થન આપવાનો આરોપ
તેણે કહ્યું કે તેના પિતા એક કાર્યકર્તા નથી પરંતુ એક સામાન્ય નાગરિક છે જે અમેરિકામાં રહીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હતા જ્યાં અભિવ્યક્તિની સ્વતંત્રતા બંધારણીય અધિકાર છે. ઈબ્રાહિમના પુત્રએ કહ્યું કે તેના પિતાને આતંકવાદને સમર્થન આપવા બદલ 3 ઓક્ટોબરે 16 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેમના પર આતંકવાદી કૃત્યોની જાણ કરવામાં નિષ્ફળ રહેવાનો પણ આરોપ હતો. તેના પર 16 વર્ષનો પ્રવાસ પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સાઉદી અધિકારીઓએ તેમને આ મામલે ચૂપ રહેવાની ધમકી આપી અને અમેરિકી સરકારને તેમાં સામેલ ન થવાની ચેતવણી આપી.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ બાબતની અવગણના કરી
જેઓની ધરપકડ થઈ છે તેઓ અત્યારે 72 વર્ષના છે. 12 વર્ષ પછી તેઓની જેલથી રિલીઝ વખતે તેઓ 87 વર્ષના હશે અને ટ્રાવેલ પ્રતિબંધને કારણે 104 વર્ષની ઉંમરે ફરીથી યુએસ આવી શકશે. તેણે દાવો કર્યો હતો કે માર્ચમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યા બાદ તેના પિતાને ભારે ત્રાસ આપવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના પિતાની અટકાયતને અમાન્ય જાહેર ન કરીને આ બાબતની અવગણના કરી. આ અઠવાડિયે આ બાબતને જાહેરમાં લાવવાના તેમના નિર્ણય પર ઇબ્રાહિમના પુત્રએ કહ્યું, “તેઓએ મારી સાથે છેતરપિંડી કરી. તેઓએ મને ચૂપ રહેવા કહ્યું જેથી તેઓ તેમને ત્યાંથી બહાર કાઢી શકે. હું હવે વિદેશ મંત્રાલય પર વિશ્વાસ નહીં કરૂં.”

Most Popular

To Top