Columns

છુપાયેલો પ્રેમ

પત્ની રીનાની તબિયત રાતથી ખરાબ હતી. અડધી રાત્રે શરીર ગરમ હતું.સવારે તેનાથી ઉઠાયું નહિ અને ટીફીન બનાવવાનું રહી ગયું.રાજે ઊઠીને દૂધ પી લીધું. રીનાને દવા આપી દૂધ આપી, રાજ ઓફીસ જવા નીકળ્યો. તેને કહ્યું, ‘કંઈ પણ વધારે તકલીફ થાય તો ફોન કરજે. આજે ઈમ્પોર્ટન્ટ મીટીંગ છે નહિ તો હું ઓફીસમાંથી રજા લઇ લેત.’ રીના તરત બોલી, ‘ના, ના, હવે મને થોડું સારું લાગે છે ચિંતા નહિ કર.’આખો દિવસ લગભગ રીના સૂતી જ રહી.દવા લીધી હતી પણ બહુ ફર્ક જણાતો ન હતો.રાજના બે ફોન આવ્યા. રીનાએ કહ્યું, ‘ચિંતા નહિ કર. મને સારું છે.’ સાંજે રાજ આવ્યો. રીનાએ ધીમે ધીમે ચા બનાવી, રાજે ચા પીતાં કહ્યું, ‘સાંજે બહારથી પાઉભાજી મંગાવી લઈશ. તું આરામ કરજે સમજી…’રીના બોલી, ‘અરે હું એક વસ્તુ બનાવી લઈશ.’રાજે ના પાડી; પરાણે રીનાને સુવડાવી દીધી.

રાજે રાત્રે બધું કામ પતાવી દવા આપતાં પૂછ્યું, ‘હવે કેમ લાગે છે? કંઈ વધારે તકલીફ નથી ને?’રીનાને માથું ભારે લાગતું હતું પણ બોલી, ‘ના હવે ઘણું સારું લાગે છે.સૂઈ જઈશ એટલે સવાર સુધી તો એકદમ ફીટ થઈ જઈશ. તું કહે કાલે સવારે નાસ્તામાં શું બનાવું અને ટીફીનમાં શું લઇ જઈશ?’રાજ બોલ્યો, ‘અરે હું તને કહેતાં જ ભૂલી ગયો. કાલે ઓફિસમાં એક મિત્રની બર્થ ડે છે એટલે લંચમાં પાર્ટી છે એટલે કાલે ટીફીન બનાવતી જ નહિ અને નાસ્તામાં બિસ્કીટ છે અને થોડી પાવભાજી પણ છે તે ચાલશે.તારે કંઈ વહેલા ઊઠવાની જરૂર નથી સમજી. તું આરામ કર.’

આવા પ્રસંગો લગભગ બધા દંપતીના જીવનમાં બને જ છે અને જયાં છુપાયેલો પ્રેમ હોય છે ત્યાં ભરપૂર દરકાર હોય છે. રાજ બીમાર પત્નીનું ધ્યાન રાખે છે તેમાં તેનો પ્રેમ છુપાયેલો છે ….પત્ની રીના તબિયત ખરાબ હોવા છતાં સારું છે કહે, કારણ રાજને ચિંતા ન થાય તેમાં તેનો પ્રેમ છુપાયેલો છે.રીના ખોટું બોલે છે કે સારું છે. સવાર સુધી તો એકદમ ઠીક થઈ જઈશ અને રાજ પણ ખોટું બોલે છે કે ઓફિસમાં પાર્ટી છે કાલે ટીફીન નહિ બનાવતી.રાજ અને રીના અહીં બંને ખોટું બોલનારા પણ સાચા પ્રેમનાં પ્રતીક છે.જીવનમાં ડગલે ને પગલે આવો છુપાયેલો પ્રેમ છલકાતો હોય છે.           
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top