કોરોનામાં પણ ઘણાં લોકોનાં અકાળ મૃત્યુ થયાં છે…. પોતાનું અને કુટુંબનું જીવન બચાવવા એક દીવો પ્રગટાવજો!
પ્રકાશ અને ઉલ્લાસનું મહાપર્વ દીપાવલી આવે છે. દીપાવલીનો તહેવાર આપણા જીવનમાં નવી ખુશીઓ લઇને આવે છે. આ પર્વ પર ચારે તરફ પ્રકાશ જ પ્રકાશ જોવા મળે છે. દીપાવલીનું પર્વ ‘ધન – પ્રાપ્તિ’ – અનુષ્ઠાન માટે સર્વોત્તમ માનવામાં આવે છે. પરંતુ દીપાવલીનું આ મહાન પર્વ એકલું જ નથી આવતું… તેની સાથે સાથે જ આવે છે પાંચ મહાન પર્વ – જેને આપણે પંચપર્વના રૂપમાં ઉજવીએ છીએ. આ પંચ પર્વોનું આપણા હિન્દુ ધર્મમાં વધારે મહત્ત્વ છે.
તેમાં સર્વ પ્રથમ આવે છે – ‘ધનતેરસ’. આ દિવસે ભગવાન ધન્વન્તરીનો ઉદ્ભવ થયો હતો. આ દિવસે સોનું-ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. આ જ કારણે ધનતેરસના દિવસે બજાર લોકોની ભીડથી ભરેલું હોય છે. કારતક વદ તેરસને ધનતેરસ કહે છે. વ્યાપારી લોકો પોતાના હિસાબ-કિતાબ સમાપ્ત કરે છે અને ખાતા-વહી તથા રોકડ એકત્ર કરી તેમની પૂજા કરે છે. દીવાઓ આ દિવસથી પ્રગટાવવામાં આવે છે અને પાંચ દિવસ સુધી બરાબર પ્રગટાવાય છે. ભગવાન ધન્વન્તરીની આ દિવસે જયંતી આમ જનતામાં ખૂબ ધામધૂમથી ઊજવે છે અને જનતાને દેશી ઔષધિઓ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરવાની પ્રેરણા આપવામાં આવે છે. આ દિવસે ‘પ્રદોષ કાળ’માં યમ માટે દીપદાન તેમજ નૈવેદ્ય સમર્પિત કરવાથી અકાળ મૃત્યુમાં પણ રક્ષણ થાય છે એવું સ્વયં યમરાજાએ કહ્યું છે. ઘરની બહાર પ્રદોષના સમયમાં યમના નિમિત્તે દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે… નિર્ણયસિન્ધુમાં નિર્ણયામૃત અને સ્કન્ધ પુરાણમાં આ વિશે વર્ણન છે.
યમ દીપદાન કેવી રીતે કરવું?
યમ દીપદાન જેમ કે આગળ કહ્યું છે તેમ પ્રદોષ કાળમાં કરવું જોઇએ. તેના માટે માટીનું એક મોટું કોડિયું લો અને તેને સ્વચ્છ પાણીથી ધોઇ લો. ત્યાર બાદ સ્વચ્છ રૂ લઇને બે લાંબી વાટ બનાવી લો. તેને દીવામાં એક-બીજા પર એવી રીતે રાખો કે દીવાની બહાર વાટના ચાર મુખ દેખાય અથવા આજકાલ બજારમાં ચારમુખી દીવા પણ માટીના મળે છે. તે પણ ઉપયોગમાં લઇ શકાય. હવે તેમાં ‘તલના તેલ’થી ભરી દો. અને સાથે જ તેમાં થોડાક ‘કાળા તલ’પર દીવામાં રાખો. પ્રદોષ કાળમાં આ પ્રકારે તૈયાર કરેલા દીવાને કંકુ, ચોખા તેમજ ફૂલથી પૂજન કરવું. ત્યાર બાદ ઘરના મુખ્ય દરવાજાની બહાર ઘઉંની ઢગલી કરીને તેના ઉપર દીવાને રાખવો. દીવો રાખતાં પહેલાં પ્રગટાવી દો અને દક્ષિણ દિશા તરફ જોતાં નીચે લખેલા મંત્રનું ઉચ્ચારણ કરીને ઘઉંની ઢગલી ઉપર રાખી દો.
મંત્ર:-
મૃત્યુના પાશહસ્તેન કાલેન ભાર્યયા સહ I
ત્રયોદશ્યાં દીપદાનાત્ સૂર્યજહ પ્રીયતામિતિ II
અથવા
મૃત્યુના પાશ દંડાભ્યાં કાલેન શ્યામયા સહ I
ત્રયોદશ્યાં દીપદાનાત્ સૂર્યજહ પ્રીયતામ્ મમ II
ઉપરોકત મંત્રના ઉચ્ચારણ પછી હાથમાં ફૂલ લઇને નીચે લખેલા મંત્ર બોલતાં બોલતાં યમદેવને દક્ષિણ દિશામાં નમસ્કાર કરવા:-
ૐ યમદેવાય નમ: I નમસ્કારમ્ સમર્પયામિ II
હવે ફૂલ દીવા પાસે મૂકી દો અને ફરીથી હાથમાં એક પતાસું લેવું તથા નીચે લખેલો મંત્ર બોલવો.
અને તેને દીવા પાસે છોડી દો.
ૐ યમદેવાય નમ: I નૈવેદ્યં નિવેદયામિ II
હવે હાથમાં થોડુંક પાણી લઇને આચમન માટે નીચેનો મંત્ર બોલતાં બોલતાં દીવા પાસે મૂકી દો.
ૐ યમદેવાય નમ: I આચમનાર્થે જલં સમર્પયામિ II
હવે ફરીથી યમદેવને ‘ૐ યમદેવાય નમ:’ બોલતાં બોલતાં દક્ષિણ દિશામાં નમસ્કાર કરવા.
– યજ્ઞેશ ત્રિવેદી