એટનબરોએ ‘ગાંધી’ ફિલ્મ બનાવી પણ તેમાં ઘણી ઐતિહાસિક ઘટનાઓની ખામી હતી. 9મી જાન્યુઆરી 1915માં મુંબઇના બારામાં ગાંધી ઉતર્યા ત્યારે સૂરતના વિશિષ્ટ આગેવાન સૈનિકો કે જેઓએ ગાંધીજીને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં (1908-14) મદદ કરી હતી, દલુ-કલુ અને કુંવરજી હતા. ગોખલે અને તેમના સાથીદારો અને દક્ષિણ આફ્રિકા ગયેલા કેટલાક પારસીઓ હતા. એટનબરો ‘ગાંધી’ પીકચરમાં વલ્લભભાઇને સ્વાગત કરતા બતાવે છે તે બીનઐતિહાસિક ઘટના હતી. છેક 1917માં વલ્લભભાઇ ગાંધીજીને અમદાવાદમા ગુજરાત કલબમાં મળે છે. 2જી જાન્યુઆરી 1916માં ગાંધીજી સૂરત ‘આર્યસમાજ મંદિર’ના ઉદ્ઘાટન નિમિત્તે પધારે છે.
આર્ય સમાજ મહોત્સવનું તે સમયે નિર્માણ થયું હતું, પણ ગાંધીજી ઉતર્યા કયાં? ‘અનાવિલ આશ્રમ’ના મકાનમાં ઉતર્યા હતા. આ આશ્રમ પાટીદાર આશ્રમના મકાનમાં હતો અને પાટીદાર આશ્રમ અરદેશર કોટવાલની શેરીમાં આવેલા ‘મોગલ બાગ’માં 16 ફેબ્રુઆરી 1915 એ ખસેડાયો હતો. ‘પટેલ બન્ધુ’ના જાન્યુઆરી 1915ના અંકમાં ગાંધીજીને અપાયેલુ નિમંત્રણ પત્ર પહેલેથી છપાયેલું હતું.3જી જાન્યુઆરી 1919ના રોજ સવારે દસ વાગે ગાંધીજી પાટીદાર આશ્રમમાં પધાર્યા. મોગલબાગ નાળિયેરી, આસોપાલવ અને શાકભાજીના તોરણોથી શણગારવામાં આવ્યો હતો. આશ્રમના ઉપલા માળે સભાખંડમાં વિદ્યાર્થીઓ, દ.આફ્રિકાના ગાંધીજીના સાથીદારો જેઓ સૂરતમાં હાજર હતા તેઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું.ગાંધીજીના હૃદયોદગાર ટાંકણી પડે તો ય સંભળાય તેવી શાંતિ વચ્ચે વાતાવરણમાં ગૂંજયા.
‘આ બે સંસ્થા અનાવિલ અને પાટીદાર આશ્રમોમાં આવતા હું મારા ઘેર આવ્યો છું એવી અનુભૂતિ થાય છે. મારા કુટુંબીજનોની વચ્ચમાં છું કારણ આશ્રમનું સાદગીભર્યું અને દેશદાઝથી ધબકતું વાતાવરણ અને આ વિદ્યાર્થીઓના ઘણાં મા-બાપો સગા સંબંધીઓ દક્ષિણ આફ્રિકામાં મારી પડખે ઉભા રહ્યા હતા. ઘણાએ જેલ પણ સહન કરેલી.’ આગળ ચાલતા તેમણે કહ્યું, ‘હું આફ્રિકામાં હતો ત્યારે મને ‘પાટીદાર યુવક મંડળ’ની પ્રવૃત્તિઓ હું ખૂબ સન્માનથી જોતો. મને આફ્રિકામાં જ કહેવામાં આવ્યું હતું કે બીજી કોઇ સંસ્થાઓ કે વ્યકિતઓ તમને મદદ નહીં કરે,પણ આ બે સંસ્થાઓ પાટીદાર અને અનાવિલ આશ્રમ જરૂરથી મદદ કરશે. ખરેખર હું બતાવીશ કે તમે મને કેટલી મદદ કરો છો.’
આશ્રમના તે સમયના વિદ્યાર્થીઓ નથુભાઇ પટેલ પાછળથી ડોકટર બન્યા અને રણછોડભાઇ માધવભાઇ પટેલ જેઓ ‘શિશુ મંડળ’ ચલાવતા તેઓ નોંધે છે.‘ગાંધીજીએ મર્દાનગીભર્યો વીરત્વનો પડઘો પાડતા ઉચ્ચાર્યું, હું આ બ્રિટિશ સલ્તનતની જડ ઉખેડવા માંગું છું. હું આ વાત ધંધાકીય વર્ગો ડોકટરો, વકીલો સમક્ષ કરું છું ત્યારે તેઓ તેમનું પેટ બતાવે છે. નિસ્વાર્થ ભાવનાવાળા કંઇક કરી છૂટવાની તમન્નાવાળા, દેશદાઝથી ભરપૂર એવા વિદ્યાર્થી યુવાનો જ મારા સાચા સૈનિકો છે. આ જુલમગાર સંસ્થાનિક બ્રિટિશ હકુમતનો નાશ કરવા મને સાથ આપો.’ આ હૃદયગમ ઉદ્ગારથી નાથુભાઇ લખે છે ‘અમે બધા સામી છાતીએ ગાંધી’ ઝીલવા તત્પર થયા. આશ્રમના વિદ્યાર્થીઓ સાચા અર્થમાં લડતના રંગે રંગાયા.’
‘લોર્ડ મોરલી’ની સેવા
નવી પેઢીના યુવાન નેતાઓને ગ્રહણ કરી શકાય તેવું વલણ ગાંધીજીએ બીજે દિવસે દાખવ્યું. ગાંધી આશ્રમની ગી જેને મહાદેવ દેસાઇએ હિંદના સેક્રેટરી ઓફ સ્ટેટ લોર્ડ મોર્લેની મશ્કરી કરતુ ઉપનામ ‘લોર્ડ મોરલી’ આપ્યું હતું. તેમાં બેસી સૂરત જીલ્લાના નાનામાં નાના કાર્યકરો જેઓએ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં ભૂમિકા ભજવેલી તેઓને મળવા નીકળ્યા. કુંવરજી, કલ્યાણજી, દયાળજી અડીખમ યોદ્ધા સંરક્ષણ કરતા સતત ગાંધીજીના પ્રવાસ દરમિયાન સાથે રહ્યા. આ નજરે જોનારા નોંધે છે કે દયાળજી ગાંધીજીની આસપાસ ચમ્મર નાંખતા રહેતા. ગાંધીજીએ કઠોર તાડકેશ્વર, કાલાકચ્છાની મુલાકાત લીધી. એક પારસી યુગલ સોરાબજી અડાજણાએ ગાંધીજીને આફ્રિકામાં ખૂબ મદદ કરેલી તેને મળવા અડાજણ ગયા. ગાંધીજી કેટલા વિનમ્ર હતા કે નવસારીમાં એક ધોબી જેમણે ગાંધીજીને ખૂબ ટેકો આપ્યો હતો તેને મળવા ગાંધીજી નવસારી ફર્યા. ઠેર ઠેર ગાંધીજી સ્વદેશી, બ્રિટિશ માલના બહિષ્કારનો સંદેશ આપતા રહ્યા.
ગાંધીજીનું ગણિત અને તર્ક
ગાંધીજીના આલફ્રેડ હાઇસ્કુલ, રાજકોટના રીઝલ્ટના હેવાલો જોતા લાગે કે ગાંધીજીને સૌથી ઓછા માર્કસ ગણિતમાં આવતા. પરંતુ જીવનના વાસ્તિવક ગણિતમાં ગાંધીજી ખૂબ ચડિયાતા હતા.બ્રિટિશરોએ વસ્તી ગણતરીની પ્રથા શરૂ કરેલી, ગાંધીજી વસ્તીશાસ્ત્રમાં પારંગત નીવડયા. તેમણે તર્ક કર્યો કે હિંદુસ્તાનની ખરી વસ્તી 7 લાખ ગામડામાં વસે છે. વળી દેશની 85 ટકા વસ્તી ખેતી પર નભે છે. વસ્તીના 5 ટકા સરકારી નોકરીઓમાં છે. બાકીના 10 ટકા ધંધાકીય વ્યવસાયવાળા છે. હિંદુસ્તાનની વસ્તી ‘ખેડૂત વર્ગ’ની મુખ્યત્વે છે. ખેડૂત જગતનો તાત છે.
‘ધાન હું પકવું છું. થાન ભૂખો કાં મરૂં’એ સૂત્ર ગાંધીજીએ પચાવ્યું. ‘ખેડૂતો’ની સમસ્યાઓ, પ્રશ્નો તેમના રાજકારણનો મુખ્ય મુદ્દો બન્યો. અંગ્રેજી શાષકોએ ખેડૂત, ખેતીને પ્રાધાન્ય આપી કેમ કરીને સૌથી વધારે તિજોરી ભરાય તે હતી. અંગ્રેજોને આવકના મૂળ ત્રણ સાધન હતા. સૌ પ્રથમ સૌથી વધારે ખેતીની આવક હતી તેથી જમીન મહેસૂલની ઉઘરાણી બેસુમાર સખતાઇથી કરતા.
બીજા નંબરની આવક,દારૂ ઉપરની જકાત (એકસાઇઝ ડયુટી) અને ત્રીજી આવક પોસ્ટ ઓફિસની હતી. ગાંધીજીએ બ્રિટિશ હકુમત સામેની સત્યાગ્રહની લડતમાં ખેડૂતોના પ્રશ્નો અને જમીન મહેસૂલની સમસ્યા મુખ્ય ઢાલરૂપ છેડયા. 1917માં બિહારના ગળીનું વાવેતર કરતા ખેડૂતોના દુ:ખ, દર્દ, અંગ્રેજ અમલદારની સોટીઓની દુ:ખદ ઘટનાઓ ઉભી થતા ગાંધીજીએ સત્યાગ્રહ આંદોલન ઉપાડવા બિહારના ખેડૂત નેતાઓએ આમંત્રણ આપ્યું. ગાંધીજીએ દેશના સૌ પ્રથમ‘નાકર’ની લડત ઉપાડી. 1917માં દેશમાન ‘ચંપારણ સત્યાગ્રહ’ મોટી ઐતિહાસિક ઘટના બની.
ગાંધી ગુજરાતના રાજકારના સમ્રાટ અને તેમના જમણા હાથ વલ્લભભાઇ (1917-1946)
ગાંધીજીએ 1915-16માં પોરબંદર નહિ પણ અમદાવાદને તેમની કર્મભૂમિ બનાવી. અર્જૂનની માફક ગાંધીજીનો એક જ ધ્યેય હતો. ‘બ્રિટિશ સલ્તનતની જડ ઉખેડી નાંખવી’ તેમના બધા જ પગલા અને પ્રવૃત્તિ એ દિશામાં રહી. અમદવાદમાં તેઓ બુધ્ધિજીવીઓ, ભણેલા ગણેલા વકીલો, ડોકટરોના માનસનું પરીક્ષણ કરવા પ્રતિષ્ઠિત ગુજરાત કલબમાં જતા. ત્યાં જઇ સત્ય, અહિંસા, મૂલ્યનિષ્ઠ જીવન વિષે બોલતા.
બરાબર આ જ સમયે ખેડા જીલ્લાના કરમસદમાં જન્મેલા વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ (31 ઓકટોબર 1875) તાજા બેરીસ્ટર થઇ ઇંગ્લેન્ડથી આવીને અમદાવાદમાં રહેવાનું પસંદ કર્યું. કડક ચહેરો, વિદેશી લિબાશમાં વકીલોમાં ફાંકડેફુ થઇ ફરતા. કોઇની હિંમત ના હતી કે એમની સામે આંખમાં આખ મેળવી વાત કરે. ખૂબ જ સ્વમાની, જમીની વાસ્તવિકતાથી ભરપૂર આજીવન ‘ખેડૂત’ જમીનમાં જ પગ ખૂંચેલા રાખ્યા. વિચિત્રતા એ હતી કે ગાંધીજી ગજરાત કલબમાં આવતા,ભાષણ કરતા અને વલ્લભભાઇ બ્રીજના ખૂબ શોખીન, રમવાનું ચાલુ રાખતા. ખૂબ જ પ્રખ્યાત વકીલ ગણેશ વાસુદેવ માવલંકર ગાંધીજીને સાંભળવાની ચેષ્ટા કરતા તો તેમને પાના રમવા બેસાડી દેતા. વલ્લભભાઇ કહેતા ‘આ ગાંધી શા માટે અહીં આવી વકીલો સમક્ષ અહિંસા, નીતીમત્તા વગેરે આદર્શોની વાતો કરે છે. શું વળી અહિંસાથી તે સ્વરાજ આવતુ હશે? વલ્લભભાઇને ગાંધીજીની વ્યવહારૂતામાં સહેજ પણ વિશ્વાસ નહિ.
એક દિવસ વલ્લભભાઇ ગુજરાત કલબ સામે આવેલા તેમના લાલ દરવાજાના મકાનમાં ચા પી રહ્યા હતા,તેમની નજર સવારના છાપા ઉપર પડી. ગાંધીજીએ બિહારના મેજીસ્ટ્રેટને કડક જવાબ આપ્યો હતો. બિહારના મેજીસ્ટ્રેટે ગાંધીજીને કહ્યું, ‘ખબરદાર, તમે જો ચંપારણમાં પ્રવેશ કર્યો તો! You are an outsider. તમને trespessની કલમ લગાડી જેલ ભેગા કરીશું.’ ગાંધીજીએ વળતો કડક લેખીત જવાબ આપ્યો, ‘હું આ દેશનો વતની છું. તમે બહારથી આવેલા વિદેશીઓ છે. થાય તે કરી લો, હું ચંપારણ નહિં છોડું.’
આ જવાબ વલ્લભભાઇ પટેલે વાંચ્યો એટલા ખુશ થયા. ગાંધીજી સામેનો પૂર્વગ્રહ પરપોટાની માફક ફુટી ગયો. ‘હવે દેશમાં ખરું કામ થશે’. વલ્લભભાઇ મન મૂકી ગાંધીજીના સૈનિક બન્યા. અમદાવાદમાં વકીલાત સાથે વલ્લભભાઇ શહેર નાગર રોહીયાઓ, ઉદ્યોગપતિઓએ વલ્લભભાઇનું નૂર જોઇ અમદાવાદની મ્યુનિસિપાલીટીની સેનેટરી કમીટીના ચેરમેન તરીકે આમંત્ર્યા (1919-22). 1919 મ્યુનિસિપાલીટીના સભ્ય બન્યા. 1924થી 1927 મ્યુનિસિપાલીટીના પ્રમુખ રહ્યા. નાગરિકો માટે મ્યુનિસિપાલીટી સ્થાનિક સ્વરાજ સંસ્થાની તાલીમ આપતી સંસ્થા બનાવી. કલેકટરો અને કમિશનરો જેઓ અંગ્રેજો હતા તેમને પ્રજા પ્રત્યેની ફરજો અદા કરતા કર્યા. (– ક્રમશ:)