સુરત : મેટ્રો પોલીટર શહેર બની ગયેલા સુરતમાં (Surat) પાંડેસરા-ભેસ્તાન-લિંબાયત જેવા વિસ્તારોમાં હવસખોરો દ્વારા માસુમ બાળકીઓને શિકાર બનાવવાના બનાવો એકથી વધુ વખત બન્યા છે. પરંતુ કોટ વિસ્તારના ગોપીપુરા વિસ્તારમાં 13 વર્ષીય દિવ્યાંગ (Handicapped) મૂકબધિર બાળકી (Girl) સાથે શારીરિક અડપલા (Sexual Harassments ) થયા હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી જેવા પામી છે. એક 28 વર્ષીય યુવક દ્વારા દિવ્યાંગ બાળકી સાથે અડપલા કરાયા હોવાના સીસીટીવી ફુટેજ સાથે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હોય પોલીસે પોક્સો એક્ટ (Pocso Act) હેઠળ બાળકી સાથેની શારીરિક છેડતીની ફરિયાદ નોંધી નરાધમ યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિસ્તૃત વિગતો મુજબ, ગોપીપુરાના કાઝીના મેદાન વિસ્તારમાં એક બિલ્ડિંગમાં રહેતા પરિવારની 13 વર્ષીય દિવ્યાંગ બાળકી જે પગે અને હાથેથી પણ થોડી દિવ્યાંગ છે. તે 8 તારીખના રોજ બિલ્ડીંગમાં અન્ય બાળકો સાથે રમી રહી હતી. દરમિયાન બાળકીની દિવ્યાંગતાનો લાભ ઉઠાવી અહી રહેતા વિરલ શાહ નામના યુવક દ્વારા શારીરિક છેડતી કરી હતી. તેથી બાળકી ગભરાઈ ગઈ હતી અને કંઇ બોલી શકતી નહી હોવાથી ગુમસુમ થઇ ગઇ હતી. દરમિયાન બિલ્ડીંગના એક સભ્ય દ્વારા બાળકીના પિતાને જણાવવામાં આવ્યું હતું કે આપણા બિલ્ડિંગમાં રહેતો વિરલ શાહ નામનો યુવક તમારી દીકરી સાથે ચોથા માળે શંકાસ્પદ હરકતો કરતો હતો.જેને લઈ પરિવાર દ્વારા બિલ્ડીંગના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા.
જેમાં વિરલ શાહની શંકાસ્પદ હરકતો કેદ થઈ હતી. બાળકીની આજુબાજુ તે ફરી રહ્યો હતો. બાળકીને તે બિલ્ડીંગના પેસેજમાં જ શારીરિક અડપલા પણ કરતો હતો. જેનો બાળકી પ્રતિકાર પણ કરતી હતી.બાદમાં બાળકી ચોથા માળની એક રૂમમાં ગઈ તો તેની સાથે તે પણ અંદર જતો રહ્યો હતો. દિવ્યાંગ બાળકીના પરિવારને આ ઘટનાની જાણ થતા જ નરાધમ સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. અને સીસીટીવીના ફુટેજ લઈને અઠવા પોલીસ મથક પહોંચ્યા હતા. જ્યાં પોલીસે મૂકબધિરબાળકી સાથે પણ જુદી જુદી ટ્રીકનો ઉપયોગ કરી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને આધારે પોલીસને ખાતરી થઈ ગઈ કે આ બાળકીની ખામીનો ગેરલાભ ઉઠાવી નરાધમે દુષ્કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો છે. તેથી પોલીસે વિરલ શાહની સામે પોક્સો એક્ટ હેઠળ અને શારીરિક અડપલા અંગેની છેડતીની ફરિયાદ નોંધી નરાધમ વિરલ શાહની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.