અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) નેશનલ હાઇવે (Highway) પર નિલેશ ચોકડી પાસે મહાકાય (Giant) મશીનરી (Machinery) લઇને જતું ટ્રેલર (Trailer) નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લગાવવામાં આવેલી એંગલમાં ફસાઈ ગયું હતું. જેના કારણે વજનદાર એંગલ તૂટીને હાઇવે પર પડ્યું હતું. ડીપીએમસી ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી એંગલને માર્ગ પરથી દૂર કર્યું હતું. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
એંગલ સાથે જોઈન્ટ લોખંડના પિલર તોડી પાડ્યા
સુરત તરફથી મહાકાય ઔદ્યોગિક ટેન્ક લઇ-ટ્રેલર અંકલેશ્વર નેશનલ હાઇવે નં.૪૮ પરથી પસાર થઇ રહ્યું હતું. દરમિયાન ટ્રેલર વાલિયા ચોકડી ઓવરબ્રિજ ઊતરતા જ નિલેશ ચોકડી પર આવેલા જીઆઇડીસી ઓવરબ્રિજના 30 મીટરના અંતરે આવેલી લોખંડની એંગલ નીચેથી નીકળવા જતાં અંદર ફસાઈ ગયું હતું. અને એંગલ સાથે જોઈન્ટ લોખંડના પિલર તોડી પાડ્યા હતા. જો કે, ત્યાં કોઈ વાહન ન હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. પણ ટ્રેલર ફસાઈ જવાના કારણે હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો.
હાઇવે ઓથોરિટીને જાણ થતાં ઓથોરિટીની ટીમ પણ ઘટના સ્થળે
ઘટના અંગે જીઆઇડીસી નોટિફાઈડના ડીપીએમસી સેન્ટર ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ટેક્નિકલ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેઇનની મદદથી રોડ ઉપર પડેલી લોખંડની એંગલને દૂર કરી હતી. ત્યારબાદ ટ્રેલરમાં ફસાયેલી એંગલને દૂર કરી હતી. ઘટના અંગે હાઇવે ઓથોરિટીને જાણ થતાં ઓથોરિટીની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ટ્રેલરચાલક સામે મિલકતને નુકસાન કરવા બદલ કાયદાકીય પગલાં ભરવાની તજવીજ આરંભી હતી.
જવાબદાર ટ્રાન્સપોર્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમાંગ
અંકલેશ્વર: અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેના નિલેશ ચોકડી ફ્લાયઓવર, નેશનલ હાઇવે 48 પર આજરોજ મોટી કદની ટેન્ક લઈ જતા વાહને, ઉપર લગાવેલ સેફ્ટી એન્ગલો તોડી નાખી. સદનસીબે કોઈને નુકશાન નહીં. સર્વિસ રોડ પર એન્ગલો તૂટીને નીચે પડતા રાહદારીની મદદ થી એન્ગલો હટાવાય. જવાબદાર ટ્રાન્સપોર્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમાંગ.