દિવાળી આવે એટ્લે લોકોને તો ઘરસજાવટ માટે ગૃહિણીઓ કમર કસી લેતી હોય છે, તેમાં દિવાળીમાં ઘરનો ખૂણે ખૂણો ચમકાવવાની સાથે જ ડેકોરેટિવ દીવા, તોરણ, ટેબલ મેટ,ચાદર તથા કુશન કવરથી લઈને ડોરમેટ પણ નવા જ જોઈએ. જો કે દર વર્ષે ટ્રેન્ડ બદલાતો રહે છે અને દિવાળીની સજાવટમાં કોઈ કસર બાકી રાખવા ન માંગતી ગૃહિણીઓ જે નવી વસ્તુઓ માર્કેટમાં આવે તેને હોંસે હોંસે ખરીદી રહી છે. તો આવો જાણીએ આ વર્ષે ડેકોરેશનના માર્કેટમાં કઈ વસ્તુઓનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે
ડેકોરેટિવ હેંગિંગ
કલરફૂલ હેંગિંગ સાદડીના મટિરિયલમાથી બનાવવામાં આવ્યું છે અને તેની અંદર તમે લાઇટ પણ મૂકી શકો છો જે રાત્રે ખૂબ જ સરસ લાગે છે. એકસરખી લાઇટિંગથી કંટાળેલા સુરતીઓ કઈક ડિફ્રંટ લાઇટિંગ માટે આવા હેંગિંગ પર ખાસ પસંદગી ઉતારી રહ્યા છે જે અવનવા કલરોમાં તમારી પસંદ મુજબ મળી રહેશે.
ડેકોરેટિવ ડ્રાયફુટ-મીઠાઈ બોક્સ
દિવાળીમાં થતી પુજા દરમિયાન મહેમાનો તો ઘરે આવતા જ હોય અને જેથી તેઓને દિવાળી દરમિયાન પ્રસાદ આપવા માટે સ્ટીલના ડેકોરેટિવ ડ્રાયફુટ કે મીઠાઈના બોક્સની પણ ખાસ્સી ડિમાન્ડ વધી છે કારણ કે આવા બોક્સમાં પ્રસાદ આપવાથી કઈક અલગ પણ લાગે અને રિટર્ન ગિફ્ટની ગરજ પણ સારે છે. માટે આ દિવાળીમાં પ્રસાદ સાથે તમને રિટર્ન ગિફ્ટ પણ મળી જાય તો કહેવાય નહીં.
દિવાળીમાં તો કઈક નવું જ જોઈએ: પિન્કી કાપડિયા
શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા અને ડેકોરેટિવ વસ્તુઓના વ્યવસાય સાથે સંકળાયેલા પિન્કી કાપડિયા જણાવે છે કે, આમ પણ સુરતીઓ ઉજવણીને શાનદાર બનાવવાના બહાના જ શોધતા હોય ત્યારે આ તો દિવાળી છે એટલે તેઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ કઈક નવી જ વસ્તુઓના ડેકોરેશન પર પસંદગી ઉતારી રહયા છે જેમાં સેન્સર દીવાથી માંડીને તોરણ, ટેબલ મેટ, હેંગિંગ તથા પ્રસાદ બોક્સ વગેરેનો સામાવેશ થાય છે. જે સુરતમાં ખાસ જોવા નથી મળતી, અને એટલે જ આ વસ્તુઓની ડિમાન્ડ પણ ખાસ વધી છે.
લટકણિયા તોરણ
આજકાલ કપડાની શોભા વધારવા માટે અવનવા લટકણ લગાડવાની ફેશન છે ત્યારે તોરણમાં પણ લટકણ જેવા તોરણની ડિમાન્ડ વધી છે. વાધેલા કાપડમાથી બનાવવામાં આવતા આ તોરણ કઈક અલગ લાગે એ માટે લોકો ખરીદી રહ્યા છે. કારણ કે દર વર્ષે નવા તોરણ લગાડવામાં આવે પરંતુ તેમ છ્તા તેમાં કઈ નવું જોવા મળતું ન હોવાથી, આવા યુનિક તોરણે આ વર્ષે ધ્યાન ખેંચ્યું છે.
સેન્સર દીવા
સેન્સર દીવા એટલે જાણે જાદુ જ જોઈ લો. આ સેન્સર દીવાને પાણીમાં મુક્તાની સાથે જ તે ઝ્બુકી ઊઠે છે અને જેવા તમે એને પાણીમાથી બહાર કાઢો તો તરત જ બંધ થઈ જાય છે. બેટરીથી ચાલતા આ દીવામાં તેલ કે ઘીનો ઉપયોગ નથી થતો જેથી સરવાળે સસ્તા પડે છે અને આશરે 50 ક્લાક સુધી તેની બેટરી ચાલે છે, બાદમાં તેને ચેન્જ પણ કરી શકાય છે. આ ઉપરાંત આ દીવાની ડિમાન્ડ એટલે પણ વધી છે કે તે પવનમાં બંધ થઈ જવાનો ડર નથી રહેતો અને દિવાળી બાદ અન્ય કોઈ પ્રસંગે ડેકોરેશન માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.