વડોદરા : નવા બજારમાં આવેલા તૈયાર કપડાના ચાર માળના શો-રૂમના ત્રીજા અને ચોથા માળે આજે આગ ફાટી અચનાક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. દીવાળીની ખરીદી કરવા માટે નવા બજારમાં આવેલા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જોકે, આગ વધુ પ્રસરે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ગણતરીના કલાકોમાં આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આગ ઉપર કાબૂ મેળવાતા નવા બજારના વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. નવાબજાર વિસ્તારમાં વડોદરા બહારથી પણ લોક ખરીદવા કરવા માટે આવતા હોય છે હવે જોવું રહ્યું કે પાલિકા દ્વારા આવા દુકાનદારો પર શું એક્શન લેવામાં આવશે. કેમ કે નવાબજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. અને હવે તો દિવાળીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે.
વડોદરા શહેરના ભરચક ગણાતા એવા નવા બજારમાં આવેલા 210 નંબરની ખંડેલવાલ કપડાનો શો-રૂમ આવેલો છે. આ શો-રૂમના માલિક અમિતભાઇ ખંડેલવાલ છે. આજે બપોરે શો-રૂમના ત્રીજા અને ચોથા માળે આગે દેખા દીધી હતી. આગના ધૂમાડા નીકળવાનું શરૂ થતાં શો-રૂમના કર્મચારીઓ શો-રૂમની બહાર દોડી આવ્યા હતા. તે સાથે આજુ-બાજુમાં આવેલી દુકાનોના સંચાલકો અને કર્મચારીઓ પણ દુકાનની બહાર દોડી આવ્યા હતા. જોત જોતામાં શો-રૂમના ત્રીજા માળેથી આગની જ્વાળાઓ બહાર આવવાનું શરૂ થતાં નવા બજારમાં હાહાકાર મચી ગયો હતો. અને લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી.
નવાબજાર વિસ્તારમાં લાગેલી આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પાણી મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આગ કાબૂમાં આવતા નવા બજારના વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. બીજી બાજુ આ બનાવની જાણ જીબીને કરવામાં આવતા જીઇબીની ટીમ પણ દોડી આવી હતી અને સમગ્ર નવા બજારનો વીજ પુરવઠો સાવચેતીના ભાગરૂપે બંધ કરી દીધો હતો. તે સાથે સિટી પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા.
જ્યાં કપડાંનું સ્ટોરેજ કરતા હતા ત્યાં જ આગ લાગી
દાંડિયા બજાર ફાયર સ્ટેશન ઉપર અંદાજિત પોણા ચારની આસપાસ ફાયર કંટ્રોલ રૂમ તરફથી કોલ મળતા એક ફાયર ટેન્કર સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને બાદમાં કે ટાંકી મંગાવી હતી.કપડાની દુકાન છે ગ્રાઉન્ડ ફ્લોર થી લઈને ચાર માળ સુધીની એમાં ત્રીજા માળ ઉપર કપડાનું નાનું ગોડાઉન જેવું હતું.જ્યાં કપડાનું સ્ટોરેજ કરતા હતા. ત્યાં આગ લાગી હતી.માલિક દ્વારા એવું જણાવ્યું છે કે વાયરીંગમાં પહેલે આગ લાગી અને બીજી તરફ પ્રસરી હતી તેમ કહેવું છે. પ્રાથમિક તપાસમાં ફાયર સેફટી ના સાધનો જણાઈ આવ્યા નથી. અડધો કલાકથી 45 મિનિટ જેટલી મહેનત કરવી પડી. – હર્ષવર્ધન પુવાર, ફાયર ઓફિસર દાંડિયા બજાર ફાયર સ્ટેશન
આગ શોર્ટ સર્કિટથી લાગી : કોઈ જાનહાનિ થઈ નથી
વિસ્તારના લોકો અને વેપારીઓ દ્વારા જાણ થતાં સાથી કાઉન્સિલર સાથે સ્થળ પર આવ્યા હતા.દુકાન માલિક સાથે વાત કરી છે એમનું કહેવું છે કે હજુ કઈ ખ્યાલ નથી કે શાના કારણે આગ લાગી પણ બની શકે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય.કોઈ જાનહાનિ થઈ નથી પણ દુકાનને નુકસાન થયું છે.જે માલ હતો એ સળગી ગયો છે. – જેલમબેન ચોકસી, કાઉન્સિલર