જો મુસ્લિમ મહિલાઓ સ્કૂલોમાં અને કોલેજોમાં હિજાબ પહેરવાનો આગ્રહ રાખતી હોય તો તેમ કરવાનો તેમનો મૂળભૂત ધાર્મિક અધિકાર છે? શું સ્કૂલોને અને કોલેજોને યુનિફોર્મના બહાને હિજાબ ઉપર પ્રતિબંધ મૂકવાનો અધિકાર છે? શું રાજ્ય સરકારને હિજાબ ઉપરના પ્રતિબંધને વાજબી ઠરાવતા કાયદા ઘડવાનો અધિકાર છે? કર્ણાટકમાં પેદા થયેલા આ કાનૂની વિવાદ બાબતમાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં સુપ્રિમ કોર્ટના બે જજોની બેન્ચ નિષ્ફળ ગઈ છે. કર્ણાટક હાઈ કોર્ટે અગાઉના ચુકાદામાં હિજાબ ઉપર પ્રતિબંધ મૂકવાના નિયમને કાયદેસરનો ગણાવ્યો હતો.
તેની સામે મુસ્લિમ સંસ્થાઓ સુપ્રિમ કોર્ટમાં ગઈ હતી. સુપ્રિમ કોર્ટના બે જજોની બેન્ચે પરસ્પર વિરોધી ચુકાદો આપ્યો છે. જસ્ટિસ હેમંત ગુપ્તાએ કર્ણાટક હાઈ કોર્ટના ચુકાદાને ન્યાયી ગણાવ્યો છે, જ્યારે જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ મુસ્લિમ મહિલાઓના હિજાબ પહેરવાના અધિકારને માન્ય રાખીને કર્ણાટક હાઈ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં ચુકાદો લખ્યો છે. આ કાનૂની ગૂંચવાડો પેદા થતાં હવે આખો કેસ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ યુ.યુ. લલિત સમક્ષ લાવવામાં આવશે. આ બાબતમાં ચીફ જસ્ટિસ દ્વારા કોઈ અંતિમ નિર્ણય ન થાય ત્યાં સુધી કર્ણાટક સરકારે હિજાબ પર મૂકેલો પ્રતિબંધ ચાલુ જ રહેશે.
કર્ણાટક હાઈ કોર્ટના ચુકાદાને ન્યાયી ઠરાવતા જસ્ટિસ હેમંત ગુપ્તા દ્વારા જે દલીલો આપવામાં આવી છે, તેનો અને તેને અન્યાયી ઠરાવતા જસ્ટિસ સુધાંશુ ધુલિયા દ્વારા જે દલીલો આપવામાં આવી છે, તેનો પણ અભ્યાસ કરતાં આ મામલો કેટલો પેચીદો છે, તેનો ખ્યાલ આવે છે. જસ્ટિસ હેમંત ગુપ્તા દ્વારા હિજાબના કેસમાં કુલ ૧૧ મુદ્દાઓ તારવવામાં આવ્યા હતા. તેમાંનો પહેલો મુદ્દો એ હતો કે શું કોલેજનું મેનેજમેન્ટ વિદ્યાર્થીના યુનિફોર્મ બાબતમાં નિર્ણય કરી શકે? તેનો જવાબ જસ્ટિસ હેમંત ગુપ્તા દ્વારા હકારમાં આપવામાં આવ્યો હતો. બીજો મુદ્દો એ હતો કે શું હિજાબ પરનો પ્રતિબંધ ધાર્મિક અધિકારનો ભંગ કરે છે? તેનો જવાબ નકારમાં આપવામાં આવ્યો હતો.
ભારતના બંધારણની ૨૫મી કલમ મુજબ દેશનાં તમામ નાગરિકને પોતાની માન્યતા મુજબની જરૂરી ધાર્મિક વિધિઓ કરવાનો અધિકાર છે, જે બાબતમાં કોઈ મતભેદ નથી, પણ મતભેદ કઈ પ્રવૃત્તિને જરૂરી ધાર્મિક વિધિ ગણવી? તે બાબતમાં છે. સુપ્રિમ કોર્ટના અગાઉના ચુકાદાઓ કહે છે કે જો એવું નક્કી થઈ જાય કે ચોક્કસ પ્રવૃત્તિ તે ધર્મની જરૂરી ધાર્મિક વિધિ છે, તો પછી તેમાં કાયદાની કોર્ટ માથું મારી શકતી નથી, પણ કઈ પ્રવૃત્તિ જરૂરી ધાર્મિક વિધિ છે? તે કોણ નક્કી કરે? સ્વાભાવિક છે કે તે નક્કી કરવાનો અધિકાર તે ધર્મના ધર્મગુરુને હોવો જોઈએ અને આ બાબતમાં તેમનો અધિકાર આખરી ગણાવો જોઈએ, પણ આપણે ત્યાં પરિસ્થિતિ અલગ છે.
આપણે ત્યાં જેમને ધર્મનું કોઈ જ્ઞાન નથી તેવા હાઈ કોર્ટના અને સુપ્રિમ કોર્ટના જજ સાહેબો જ નક્કી કરે છે કે કઈ પ્રવૃત્તિને જરૂરી ધાર્મિક વિધિ ગણવી અને કોને બિનજરૂરી ગણવી? આ બાબતમાં તે ધર્મના વડાના મંતવ્યને કોઈ વજૂદ આપવામાં આવતું નથી. હિજાબના કેસમાં જસ્ટિસ હેમંત ગુપ્તાએ જ નક્કી કરી લીધું કે હિજાબ પહેરવો તે ઇસ્લામની જરૂરી ધાર્મિક વિધિ નથી, માટે તેને કાયદા વડે નિયંત્રિત કરી શકાય છે. જો હિજાબ પહેરવો તે જરૂરી ધાર્મિક વિધિ પુરવાર થઈ હોત તો દરેક વિદ્યાર્થીને તે પહેરવાનો અધિકાર મળત, પણ જસ્ટિસ હેમંત ગુપ્તાના મત મુજબ તે જરૂરી ધાર્મિક વિધિ ન હોવાથી વિદ્યાર્થીનો હિજાબ પહેરવાનો મૂળભૂત ધાર્મિક અધિકાર પુરવાર થતો નથી.
જસ્ટિસ હેમંત ગુપ્તા દ્વારા એ મુદ્દાની પણ વિચારણા કરવામાં આવી હતી કે બંધારણની કલમ ૧૯ (૧) (એ) દ્વારા જે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર માન્ય રાખવામાં આવ્યો છે, તેનો અને ૨૧મી કલમ મુજબના પ્રાઇવસીના અધિકારનો હિજાબ ઉપરના પ્રતિબંધ દ્વારા ભંગ નથી થતો ને? વળી બંધારણની ૧૪મી કલમ દ્વારા સમાનતાનો જે અધિકાર માન્ય રાખવામાં આવ્યો છે, તેનો ભંગ તો નથી થતો ને? હિજાબ પર પ્રતિબંધ મૂકવા દ્વારા કર્ણાટક સરકારે મુસ્લિમ વિદ્યાર્થીઓના સ્વમાન પર તો આક્રમણ નથી થતું ને?
વળી સરકારની ફરજ શિક્ષણનો વ્યાપ વધારવાની છે. હિજાબના નિયમ દ્વારા સરકાર મુસ્લિમ વિદ્યાર્થીના શિક્ષણ પ્રાપ્ત કરવાના અધિકાર પર તરાપ તો નથી મારી રહી ને? જસ્ટિસ ગુપ્તાના મત મુજબ જો કોઈ વાજબી કારણ હોય તો આ મૂળભૂત અધિકારો ઉપર પણ મર્યાદિત નિયંત્રણો મૂકી શકાય છે. તેમના મતે હિજાબ પર પ્રતિબંધ મૂકતા કાયદા દ્વારા કર્ણાટક સરકારે વાજબી કારણો હોવાથી મૂળભૂત અધિકારો પર નિયંત્રણો મૂક્યાં છે. તેમના મતે હિજાબ પરના પ્રતિબંધથી કોઈ મૂળભૂત બંધારણીય અધિકારોનો ભંગ થતો નથી.
સુપ્રિમ કોર્ટમાં જ્યારે કાયદાના અને બંધારણના અર્થઘટનનો સવાલ આવે ત્યારે જજ સાહેબોના મગજ કેવી રીતે કામ કરે છે? તેના આધારે જ ચુકાદાઓ અપાતા હોય છે. તેનું ઉદાહરણ સુપ્રિમ કોર્ટના હિજાબ બાબતના વિરોધાભાસી ચુકાદામાં જોવા મળે છે. જસ્ટિસ હેમંત ગુપ્તાને હિજાબ પરના પ્રતિબંધને ન્યાયી ઠરાવતા કર્ણાટક હાઈ કોર્ટના ચુકાદામાં કાંઈ ખોટું ન દેખાયું ત્યારે તેમની જ બેન્ચના બીજા સભ્ય જસ્ટિસ સુધાંશુ ધુલિયાને લાગ્યું કે કર્ણાટક હાઈ કોર્ટનો ચુકાદો રદ કરવાને લાયક છે. તેમના મતે આ કેસમાં નિર્ણય કરવા માટે જરૂરી ધાર્મિક વિધિના મુદ્દાને સ્પર્શ કરવાની જરૂર જ નહોતી. આ મુદ્દો છેડીને સુપ્રિમ કોર્ટે ખોટો રસ્તો પસંદ કર્યો હતો. આ કેસનો નિર્ણય બંધારણની કલમ ૧૯ (૧) (એ) ના આધારે જ કરવાની જરૂર હતી, જેમાં દેશના દરેક નાગરિકને પોતાની જાતની અભિવ્યક્તિ કરવાનો અધિકાર માન્ય કરવામાં આવ્યો છે. જસ્ટિસ સુધાંશુ ધુલિયાના મતે જો કોઈ મુસ્લિમ મહિલા હિજાબ પહેરીને ભણવા આવતી હોય તો તેનો પસંદગીનો અધિકાર છે. શૈક્ષણિક સંસ્થાએ, સરકારે કે કોર્ટે તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી.
જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ પોતાનો ભિન્ન મતનો ચુકાદો આપતાં સુપ્રિમ કોર્ટના બિજોઇ ઇમ્મેન્યુઅલ કેસના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ કેસમાં કેરળની એક સ્કૂલમાં ભણતાં કેટલાંક વિદ્યાર્થીઓ રાષ્ટ્રગીત વખતે ઊભાં થતાં હતાં, પણ રાષ્ટ્રગીત ગાવાનો ઇનકાર કરતાં હતાં. તેમના કહેવા મુજબ તેઓ જેહોવાસ વિટનેસ નામના સંપ્રદાયના અનુયાયી છે અને તેમના નિયમ મુજબ તેઓ રાષ્ટ્રગીત ગાઈ શકતાં નહોતાં. સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેઓ પોતાના ધાર્મિક અધિકારની રક્ષા માટે કેરળ હાઈ કોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી લડ્યા હતા. સુપ્રિમ કોર્ટે ૧૯૮૬માં ચુકાદો આપતાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓનો શિક્ષણ મેળવવાનો અધિકાર સર્વોપરી છે.
સુપ્રિમ કોર્ટે પણ તેમના રાષ્ટ્રગીત ન ગાવાના અધિકારની રક્ષા કરી હતી. જસ્ટિસ સુધાંશુ ધુલિયા પોતાના ચુકાદામાં લખે છે કે જ્યારે દેશનાં ગામડાંઓમાં શિક્ષણ મેળવવું અતિ કઠિન બની ગયું છે અને તેમાં પણ કન્યાઓને શિક્ષણ મેળવવામાં વધુ મુસીબતોનો સામનો કરવો પડતો હોય ત્યારે તેમના શિક્ષણ મેળવવાના અધિકાર પર અતિક્રમણ કરવું જોઈએ નહીં. આ બંને અભિપ્રાયો સુપ્રિમ કોર્ટના માનનીય વિદ્વાન ન્યાયમૂર્તિઓ દ્વારા આપવામાં આવ્યા હોવાથી તેમનું મહત્ત્વ જરાય ઓછું આંકી શકાય તેમ નથી. આ વિરોધાભાસી ચુકાદાઓ પરથી લાગે છે કે છેવટે આ મુદ્દો વધુ મોટી બંધારણીય બેન્ચ સમક્ષ મોકલવાનો નિર્ણય કરવામાં આવશે.