વેરાવળ: દીકરી વ્હાલનો દરિયો કહેવાય પરંતુ ગીર સોમનાથના તાલાલાના ઘાવા ગીર ગામમાં એવી ચોંકાવનારી ઘટના બની કે સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય. અહીં એક પિતા અને મોટાબાપાએ 14 વર્ષની માસૂમ દીકરીને અંધશ્રદ્ધામાં આવી જઈ મોતને ઘાટ ઉતારી છે. દીકરીને વળગાડ થયો હોવાનો વહેમ રાખી સાત દિવસ સુધી ખેતરમાં ભૂખી તરસી બાંધી રાખીને તડપાવી તડપાવીને મારી નાંખી હતી. ત્યાર બાદ તેની લાશનો રાતોરાત નિકાલ કરી દીધો હતો. સગી માતાને પણ જાણ કરી નહોતી. ચેપી રોગના લીધે મોત થયાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. આ કેસમાં મૃતક બાળકીના નાનાએ જમાઈ અને તેના મોટા ભાઈ વિરુદ્ધ ફરિયાદ આપી છે.
આ કેસની મળતી વિગત અનુસાર ભાવેશ અકબરી પત્ની અને 14 વર્ષીય દીકરી ધૈર્યા સાથે સુરત ખાતે રહેતા હતા. તેમનું મૂળ વતન ઘાવા ગીર ગામ હતું. અહીં તેમની 20 વિંઘા ખેતીની જમીન પણ હતી. થોડા મહિના પહેલાં ભાવેશ અકબરી પોતાની દીકરી ધૈર્યાને અભ્યાસ અર્થે ઘાવા ગામ નજીકની શાળામાં એડમિશન કરાવી મોટા ભાઈ પાસે રહેવા મુકી ગયા હતા. દરમિયાન ચારેક દિવસ પહેલાં તા. 8મી ઓક્ટોબરના રોજ ઘાવા ગામથી ભાવેશના મોટા ભાઈ દિલીપ અકબરીએ ધૈર્યાના નાના વાલજી ડોબરીયાને જાણ કરી હતી કે ચેપીરોગના લીધે ધૈર્યાનું મોત થયું છે. તેથી વાલજી ડોબરીયા પરિવાર સાથે ઘાવા પહોંચ્યા હતા. ત્યારે જાણવા મળ્યું કે ધૈર્યાની માતા કપિલાની રાહ જોયા વિના ધૈર્યાના મૃતદેહના અંતિમસંસ્કાર કરી દેવાયા છે, તેથી વાલજીભાઈને શંકા ગઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, ધૈર્યાનું મૃત્યુ ચેપી બિમારીના લીધે નહીં પરંતુ તાંત્રિક વિધિના બહાને તેના પિતા જમાઈ ભાવેશ અને મોટા બાપા દિલીપ દ્વારા વાડીમાં આચરવામાં આવેલા અત્ચાચારને લીધે થયું છે.
વાલજીભાઈએ જમાઈના મોટા ભાઈ દિલીપને પૂછતા દિલીપે કહ્યું કે 14 વર્ષની ધૈર્યાને વળગાડ થયો હતો. તેથી ભાવેશના કહેવાથી ધૈર્યાના જૂના કપડાં સાથે વળગાડ કાઢવા માટે 1 ઓક્ટોબરના રોજ તેને વાડીએ લઈ ગયા હતા. ભાવેશે વળગાડ કાઢવા માટે ધૈર્યાના કપડા તથા અન્ય સામાનને વાડીના મકાનની સામે પથ્થર પર સળગાવ્યા હતા. બે કલાક સુધી આ આગ પાસે ધૈર્યાને ઉભી રાખી હતી, જેના લીધે ધૈર્યાને શરીરે ફોલા પડવા લાગ્યા હતા તેથી તે રડવા લાગી હતી. ત્યારે ભાવેશે ધૈર્યાને ધમકાવી શાંત કરી હતી. તે રાત્રે ધૈર્યાનો વળગાડ કાઢવા માટેની વિધિ કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે 2 ઓક્ટોબરના રોજ સવારે 6 વાગ્યે દિલીપ અને ભાવેશ ધૈર્યાને લાકડી તથા વાયરથી માર માર્યો હતો અને શેરડીની વાડની વચ્ચે લઈ જઈ માથાના વાળમાં ગાંઠો મારી લાકડી બાધી તેની બંને બાજુ ખુરશી મુકી બેસાડી દીધી હતી. બે ત્રણ દિવસ સુધી ધૈર્યાને ખાવા-પીવાનું આપ્યા વિના ત્યાં બાંધી રાખી હતી.
ગઈ તા. 5 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે ધૈર્યાને જોવા જતા તે વાડમાં આડી પડી હતી પરંતુ તે જીવિત હતી તેથી તેને ત્યાં જ મરવા મુકી બંને પરત જતા રહ્યાં હતાં. ગઈ તા. 7મી ઓક્ટોબરના રોજ બંને ભાઈઓ ફરી ધૈર્યાને જોવા ગયા ત્યારે તે મરી ગઈ હતી અને તેના શરીરમાં જીવાત પડી ગઈ હતી. ત્યારે પ્લાસ્ટિકની કોથળી, બ્લેન્કેટ અને ગોદડામાં વીંટાળીને કારની ડિકીમાં લાશ મુકી રાત્રિના સમયે સ્મશાનમાં અંતિમવિધિ કરી હતી. બંને ભાઈઓએ જણાવેલી થિયરી પરિવાર અને ગ્રામજનોના ગળે ઉતરતી નથી. તાંત્રિક વિધિના બહાને હત્યા કરાઈ હોવાની ચર્ચા ઉઠી છે. સાત દિવસ સુધી તાંત્રિક વિધિના બહાને અમાનુષી અત્યાચાર કરી દીકરીની હત્યા કરનાર પિતા અને મોટા બાપા વિરુદ્ધ નાના વાલજીભાઈએ ફરિયાદ આપતા તાલાલા પોલીસે તપાસ શરૂ કરી છે.