ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના રાજપારડી (Rajpardi) પાસે રોડ પર એસટી બસને (ST Bus) અકસ્માત (Accident) નડતાં બસમાં બેઠેલા ગભરાયેલા મુસફરોના (Passengers) જીવ તાળવે ચોંટી ગયા હતા. સદભાગ્યે કોઇ જાનહાનિ નહી થતાં તંત્રએ રાહત અનુભવી હતી.રાજપારડી નજીક ખડોલી પાસે પસાર થતા રોડ પર એક ટ્રકના ચાલકે અચાનક વળાંક લેતાં બસ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી બસને રોડ પરથી નીચે ઉતારીને ટક્કરથી બચાવવાની કોશિશ કરી હતી. બસમાં બેઠેલા મુસાફરોને રોડ સાઈડ પર ઊતરતા જીવ તાળવે ચોંટી ગયો હતો. જો કે, મુસાફરોને નાની-મોટી ઈજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. સદનસીબે ડ્રાઈવરની સમયસૂચકતા જોતાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતની ઘટના બાદ ટ્રક મૂકી ચાલક ભાગી છૂટ્યો હતો.
માંડવીના બડતલ ગામે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત
માંડવી : માંડવીના ફેદરિયાથી ઉકાઈ જતાં માર્ગ પર આવેલા બડતલ ગામના સામરી ફળિયા નજીક ટ્રક જોઈન્ટ તૂટી જતાં રોડની સાઈડ ઉપર બંધ હાલતમાં હતી. અને આગળ-પાછળ ભાગે 15-20 ફૂટ પર રોડ પર ઝાડની ડાળખા નાંખી ટ્રકની સિંગલ-પાર્કિંગ લાઈટ ચાલુ રાખી કારીગરને લેવા માટે માંડવી ગયા હતા. પરંતુ મોપેડ બાઈકનો ચાલક આતિષ કનુ ચૌધરી પોતાની ગાડી પૂરઝડપે ગફલત ભરી હંકારતાં ઊભેલી ટ્રકના પાછળના ભાગે ભટકાયો હતો. તેમને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેને માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બાબતે માંડવી પોલીસ સ્ટેશન બીટના જમાદાર સનત ગામીતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કુકરમુંડાના ફૂલવાડી ગામની સીમમાં બે બાઈક સામેસામે અથડાઈ, ત્રણ ગંભીર
વ્યારા: કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગામની સીમમાંથી પસાર થતાં વેલ્દા ટાંકી તરફ જતા રસ્તા પર મંગળવારે સાંજે આશરે ૬:૩૦ વાગ્યાના અરસામાં બે બાઈક સામસામે અથડાઈ હતી. બાઈક્સના ચાલકો તેમજ બાઈકસવાર બે સહિત ચારને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને કુકરમુંડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઇ જવામાં આવ્યા હતા. ત્રણની હાલત ગંભીર હોવાથી મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે ખસેડવામાં આવ્યા છે.કુકરમુંડાના ફૂલવાડી ગામની સીમમાં સદુ મરાઠાના ખેતર પાસેથી પસાર થતો કુકરમુંડાથી વેલ્દા ટાંકી તરફ જતા સ્ટેટ હાઇવે નં.૧૯૮ પરથી દીપક કૃષ્ણ વળવી મોટરસાઇકલ નં તેમજ લીલારામ ગરવર પાડવી મોટરસાઇકલ પર જઇ રહ્યા હતા. દરમિયાન બંને બાઈક ચાલોકોની મોટરસાઇકલોને પૂરઝડપે અને ગફલત ફરી ભરી રીતે હંકારતા હોય રસ્તાની વચ્ચોવચ સામ સામે અથડાઈ હતી.
નિઝર પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી
લીલારામ ગરવર પાડવી તથા દીપક કૃષ્ણ વળવીને ગંભીર ઇજા પહોંચી હતી. લીલારામ સાથે મોટરસાઇકલ પર સવાર દીપક દેવીસિંગ પાડવી અને સરિતા દીપક પાડવીને શરીરે ઇજા થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮માં કુકરમુંડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઇ જવાયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત લીલારામ, દીપક કૃષ્ણ વળવી, દીપક દેવીસિંગ પાડવીને નંદુરબાર ખસેડાયા હતા. આ અકસ્માત અંગે ગરવરસિંગ નામદેવએ નિઝર પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.