Entertainment

‘ભાઈજાન’ વગર ‘ખાનદાન’ ક્યાં?

જેની કારકિર્દી પોતાની તાકાત પર ઊભી ન હોય તેમને ત્યારે પ્રશ્ન ઊભા થાય છે જ્યારે તે જેમની તાકાત પર ઊભા હોય તેની તાકાત ઓછી થઈ જાય. આ વાક્યથી તમે ગુંચવાયા હોય તો સીધી વાત એટલી જ છે કે સલમાન આધારે તેના બે ભાઈઓની કારકિર્દી બની. હમણાં સલમાન ધીમો પડી ગયો છે એટલે તેના ભાઈ અરબાઝ ખાન અને સોહેલની કારકિર્દી પણ ધીમી પડી ગઈ છે. સોહેલ એક્ટર ઓછો અને નિર્માતા વધારે હતો અને ‘પ્યાર કિયા તો ડરના ક્યા’થી માંડી ‘રાધે’સહિતની 15 ફિલ્મો સલમાન સાથે બનાવી. આ દરમ્યાન તેણે છ ફિલ્મોનું દિગદર્શન પણ કર્યું.

જેમાની એક જ ફિલ્મ સફળ રહેલી. અરબાઝ ખાન વિશે પણ એમ જ કહી શકો. તેણે ય ‘દબંગ’શ્રેણીની ત્રણ ફિલ્મો અને ‘ડોલી કી ડોલી’જેવી ચાર ફિલ્મો બનાવી અને ‘દબંગ-2’નું તો દિગ્દર્શન પણ કર્યું. પણ હવે તે શાંત ચે. તેણે સલમાનના કારણે અભિનયમાં કારકિર્દી બનાવવા પ્રયત્ન કર્યો અને સોહેલથી ઘણી ફિલ્મો કરી પણ હમણાં તો તેની ‘કાલ ત્રિઘોરી’ફિલ્મ જ આવી રહી છે. તેમાં તે મહેશ માંજરેકર, આદિત્ય શ્રીવાસ્તવ સાથે છે. નિતીન વૈદ્ય લિખીત-દિગ્દર્શીત આ બે ફિલ્મો છે.‘કિસીકા ભાઈ કિસીકી જાન’તે તો સલમાન સાથે છે અને ‘વ્હેર ઈઝ માય કન્નાજકા’માં તે પત્રલેખા પોલ સાથે આવે છે.

અરબાઝ ખાન ક્યારેય રેગ્યુલર હીરો તરીકે સ્વીકારાયો નથી પણ સલમાનના કારણે લગભગ હીરો યા સાઈડ હીરો તરીકે ચાલ્યા કર્યો. છેલ્લા કેટલાંક વર્ષથી તો મલાઈકા અરોરાના પૂર્વ પતિ તરીકે વધારે ઓળખાય છે. મતલબ કે તે સલમાનનો ભાઈ છે, મલાઈકાનો પૂર્વ પતિ છે અથવા સલીમ ખાનનો પુત્ર છે પણ સ્વતંત્ર ઓળખ ઊભી કરવા બાબતે આજે પણ સફળ નથી. સલમાન જો ન ચાલે તો અરબાઝ ન ચાલે. સલમાન જો ‘દબંગ-2’માટે તૈયાર ન થાય તો અરબાઝ નિર્માતા તરીકે પણ મટી જાય.

જો કે તેણે એક બીજા પ્રયત્ન તરીકે મલયાલમ ફિલ્મ ‘બીગ બ્રધર’માં પણ બે વર્ષ પહેલાં કામ કરી જોયું છે પણ તેમાં વધુ આગળ વધી શકાય તેમ નથી. ‘દબંગ-2’નું દિગ્દર્શન તેણે કર્યું પણ તે વધુ સક્ષમ નથી નહીંતર તેણે બીજી ફિલ્મોનું ય દિગ્દર્શન કર્યું હોત. ભૂતકાળમાં રાજેન્દ્રકુમાર, ઓમપ્રાકાશ, જીતેન્દ્ર જેવા અનેકના ભાઈ ફિલ્મોમાં ભાઈને જ કારણે આવ્યા હતા. અરબાઝ પણ એ રીતે જ છે એટલે કોઈ તેને વધારે માન નથી આપતું. ખેર! હવે સામે તેની ફિલ્મ આવી છે. જોવા જેવી હોય તો લોકો જોશે બાકી અરબાઝે તેના ભાઈની રાહ જોવાની છે. •

Most Popular

To Top