Entertainment

રકુલ માટે આટલી પ્રીત કેમ?

રાકુલ પ્રીતસીંઘ આમ તો પંજાબી પણ તે સ્ટાર રહી છે તમિલ-તેલુગુ ફિલ્મોની પણ લાગે છે કે હવે તેની હિન્દી ફિલ્મોની વધતી સંખ્યા સામે તમિલ-તેલુગુ ફિલ્મોની સંખ્યા ઘટતી જવાની અને શકય છે કે દક્ષિણની ફિલ્મો તેના માટે ભૂતકાળ બની જાય. આમ તો દક્ષિણવાળાની હિન્દી ફિલ્મો પરની ચડાઇ બહુ જાણીતી છે પણ ત્યાંની હીરોઇનને હિન્દી ફિલ્મોમાં નામ – દામ મળે તો જ ચેન પડે છે. રકુલની ‘કટપૂતલી’ ગયા મહિને જ ઓટીટી પર રજૂ થયેલી જેમાં તે અક્ષયકુમાર સાથે હતી. તેની પહેલાં અજય દેવગણ સાથેની ‘રનવે ૩૪’ પણ આ વર્ષની જૂનમાં ઓટીટી પર જ રજૂ થયેલી. હા, જહોન અબ્રાહ્મ સાથેની ‘એટેક’ થિયેટરમાં રજૂ થયેલી પણ પ્રેક્ષકો પર એટેક કરી શકી નહોતી. હવે તેની આ વર્ષની ચોથી ફિલ્મ ‘ડોકટર જી’ થિયેટરમાં રજૂ થઇ રહી છે.

આ ફિલ્મમાં તે ડોકટર બની છે. તે નહીં આયુષ્યમાન અને શેફાલી શાહ પણ ડોકટર છે. આ ત્રણ ડોકટર થઇ બોકસ ઓફિસનો ઇલાજ કરી શકશે તો દિવાળી વધુ તંદુરસ્ત રહેશે. આયુષ્યમાન ખુરાના આમ તો હિન્દી ફિલ્મોમાં રકુલ કરતાં વધુ સફળ છે છતાં પ્રેક્ષકોમાં તો રકુલ જ વધુ લોકપ્રિય છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં તેનું શૂટિંગ પુરું થયેલું અને આ વર્ષે ઓકટોબરમાં તે રિલીઝ થાય છે. આ ફિલ્મની પાછળ જ એટલે કે ૨૫મી ઓકટોબરે જ ‘થેન્ક ગૉડ’ પર રજૂ થઇ રહી છે અને આવતા મહિનાની ૧૩મીએ રકુલની ‘છત્રવાલી’ રજૂ થશે એટલે કહી શકો કે આ વર્ષ રકુલનું રહ્યું છે. આ વર્ષે કોઇ હીરોઇનની પાંચ ફિલ્મ રજૂ નથી થઇ. રકુલ પાસે સાઉથની ત્રણ ફિલ્મો છે.

‘ખયાલન’, ‘ઇન્ડિયન-2’ અને ‘૩૧ ઓકટોબર લેડીઝ નાઇટ’. આ પણ શકય છે કે આ વર્ષે જ રજૂ થઇ જશે. જેની ફિલ્મો વધારે રજૂ થાય તે ઓલિમ્પિક વિનર થઇ જાય એવું તો નથી પણ રકુલનું પર્ફોમન્સ પ્રભાવિત કરે એવું છે. હા, આ વર્ષે બોકસ ઓફિસની દેવી કાંઇક રિસાયેલી છે એટલે રકુલ એમ કહી શકે તેવી હાલતમાં નથી કે હું ટોપ પર છું. હકીકતે તે મનોરંજક ફિલ્મોનો ભાગ જરૂર છે પણ તેની પાસે મોટી કહી શકાય એવી ફિલ્મો ઓછી આવે છે. તેની પાસે અર્જુન કપૂર સાથેની ‘મેરી પત્નીકા રિમેક’ પણ છે જેમાં ભૂમિ પેડનેકર પણ ઉમેરાયેલી છે.

એ ફિલ્મ તો આવતા વર્ષે જ રજૂ થવાની છે છતાં તે હિન્દીમાં ખાસ જગ્યા ઊભી કરી ચુકી છે એવું જરૂર કહેવાશે. રકુલ ઘણી ફિલ્મો મેળવવામાં કદાચ એ કારણે પણ સફળ જાય છે કે દિપીકા, આલિયા, તાપસી, કંગના વગેરે સ્પેશિયલ ઝોનમાં ચાલી ગઇ છે. તે હવે કોઇપણ ફિલ્મ માટે ઉપલબ્ધ નથી થતી. રશ્મિકા મંદાના અત્યારે સારી ડિમાંડમાં છે પણ બે-ત્રણ ફિલ્મો રજૂ થયા પછી જ તેનું સ્ટાર સ્ટેટસ નકકી થશે. જાન્હવી કપૂર પોતાને અનુકૂળ ફિલ્મો જ સ્વીકારે છે અને સારા અલી ખાનને અઢળક ફિલ્મો હજુ ય અપાતી નથી. હા, કિયારા અડવાણી રકુલને પડકારી શકે પણ તે અત્યારે ફિલ્મ અને રોમાન્સ બંનેને સમય આપવા મથે છે. રકુલ એકદમ પ્રોફેશનલ બની ફિલ્મો પર ફોકસ કરે
છે. •

Most Popular

To Top