Madhya Gujarat

ખેડામાં ગેરકાયદેસર રેતીનું વહન કરતી બે ટ્રક પકડાઇ

નડિયાદ: ખેડા મામલતદારે રોયલ્ટી પાસ વિનાની રેતી ભરેલી બે ટ્રક પકડી હતી. જે પૈકી એક ટ્રકમાં ભરેલી રેતી લીંમડીથી લાવવામાં આવી હોવાનું જ્યારે બીજી ટ્રકમાં ભરેલી રેતી હરીયાળા ગામની ગૌચરની જમીનમાં મંજૂરી વગર ગેરકાયદેસર ખોદકામ કરી લાવ્યાં હોવાનું બહાર આવ્યું હતું. ખેડા જિલ્લામાં રેતી, માટી તેમજ અન્ય ખનીજોનું ગેરકાયદેસર ખનન અને તેની હેરાફેરીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. દરમિયાન ખેડા મામલતદાર એ.એમ ચૌહાણે ગત રવિવારના રોજ સાંજના સમયે ખેડા હાઈવે ચોકડીથી હરીયાળા તરફ જવાના માર્ગ ઉપર આવેલ સોમનાથ મંદિર નજીકથી રોયલ્ટી પાસ વગર રેતીનું વહન કરતી બે ટ્રક પકડી હતી.

જે પૈકી ટ્રક નં જીજે ૧૩ એડબલ્યું ૮૫૪૩ નો ચાલક ટ્રકમાંથી ઉતરી ભાગી ગયો હતો. જોકે, મામલતદારે ટ્રકના બીજા ડ્રાઈવર વીરભદ્રસિંહ હરદેવસિંહ ઝાલાની અટકાયત કરી પુછપરછ કરી હતી. જેમાં તેઓએ આ રેતી લીમડી ખાતેથી ટ્રકમાં ભરી હતી અને ખેડામાં ચાલતાં કામના સ્થળે રેતી ખાલી કરવાની હોવાનું જણાવ્યું હતું. જ્યારે, બીજા ટ્રક નં જીજે ૦૭ યુયુ ૮૮૩૦ ના ચાલક રણજીતભાઈ ફુલાભાઈ ખાંટની પુછપરછ કરતાં, તેઓએ આ રેતી હરીયાળા ગામની નદી નજીક આવેલ ગૌચર જમીનમાંથી ખોદીને ટ્રકમાં ભરી હોવાનું અને સોમનાથ મંદિર સામે ખુલ્લી જગ્યામાં રેતીનો સ્ટોરેજ કરવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. તેઓએ એક જ દિવસમાં ૭ ટ્રક રેતી ત્યાં ઠાલવી હોવાનું પણ કબુલ્યું હતું. જેના આધારે મામલતદારે બંને ટ્રકો સીઝ કરી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top