Sports

સાઉથ આફ્રિકા 99માં ઓલઆઉટ, છેલ્લી વન-ડેમાં ભારતીય બોલરોનો જાદૂ ચાલ્યો

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમે 23 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. પ્રવાસી સાઉથ આફ્રિકાની ટીમને માત્ર 99 રનમાં ઓલઆઉટ કરી નવો ઈતિહાસ રચ્યો છે. 3 વન-ડે મેચની સિરિઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં આજે દિલ્હીના અરૂણ જેટલી મેદાન પર સાઉથ આફ્રિકાના બેટ્સમેનોનો ધબડકો થયો હતો. કુલદિપ યાદવની સ્પીન બોલિંગ સામે સાઉથ આફ્રિકન બેટ્સમેનો રીતસર કથ્થક કરતા જોવા મળ્યા હતા. કુલદીપ યાદવે 4.1 ઓવરમાં 1 મેડન સાથે 18 રન આપીને 4 વિકેટ ખેરવી હતી. સિરાજ, સુંદર અને શાહબાજને 2-2 વિકેટ મળી હતી. સાઉથ આફ્રિકા તરફથી એક માત્ર હેનરિક કલાસેન સારું રમ્યો હતો. કલાસેને 42 બોલમાં 34 રન બનાવ્યા હતા. મલાને 15 અને જેનસને 14 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકાના 7 બેટ્સમેન ડબલ ડિજીટનો સ્કોર પણ કરી શક્યા નહોતા.

ટી-20 વર્લ્ડકપ પહેલાંની છેલ્લી સિરિઝ અહીં ભારતમાં રમાઈ રહી છે. ભારતની બી ટીમ સામે સાઉથ આફ્રિકાના ધૂરંધરોની ટીમ વન-ડે સિરિઝ રમી રહી છે. આજે દિલ્હીના અરૂણ જેટલી મેદાન પર વન-ડે સિરિઝની ત્રીજી અને છેલ્લી નિર્ણાયક મેચમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો ભારતની બી ટીમના બોલરો સામે નિષ્ફળ રહ્યા હતા. આજે ટીમ ઈન્ડિયાને સૌ પ્રથમ સફળતા વોશિંગ્ટન સુંદરે અપાવી હતી. સુંદરે ક્વીન્ટોન ડી કોકને 6 રને પેવેલેયિન ભેગો કર્યો હતો. ત્યાર બાદ મોહમ્મદ સિરાજે મલાનને 15 રને આઉટ કર્યો હતો. રિઝા હેનરિક 21 બોલમાં 3 રન કરી સિરાજની બોલિંગમાં આઉટ થયો હતો. એડન માર્કરમ 9 રને શાહબાઝ અહેમદનો શિકાર બન્યો હતો.

સુંદરે કેપ્ટન ડેવિડ મિલરને 7 રને આઉટ ક્રયો હતો. ત્યાર બાદ કુલદીપ યાદવની ફિરકીનો જાદુ ચાલ્યો હતો. એન્ડિલે ફેહલુકવાયોને યાદવે ક્લીન બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ બ્યોર્ન ફોર્ટ્યુનને એલબીડબ્લ્યુ આઉટ કર્યો. એનરિક નોર્કિયાને બોલ્ડ કર્યો હતો. કુલદીપ યાદવે ચોથી વિકેટ માર્કો જેન્સનેની ઝડપી હતી. જેનસને 14 રન બનાવ્યા હતા. આ અગાઉ શાહબાઝે સાઉથ આફ્રિકાના સેટ બેટ્સમેન હેનરિક કલાસેનને 34 રને આઉટ કર્યો હતો.

આ અગાઉ વરસાદને લીધે મેચ થોડી મોડી શરૂ થઈ હતી, પરંતુ ઓવરો કપાઈ નહોતી. ટોસ જીતીને ટીમ ઈન્ડિયાએ પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેમના પક્ષમાં રહ્યો હતો. સાઉથ આફ્રિકાએ આજે કેપ્ટન બદલ્યો હતો. કેશવ મહારાજની જગ્યાએ ડેવિડ મિલરે કેપ્ટનશિપ કરી હતી.

Most Popular

To Top