સુરતઃ ગુજરાતમાં (Gujarat) આગામી વિધાનસભાની ચૂંટણીને (Election) અનુલક્ષીને ભારતના (India) ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ ૧૦મી ઓકટોબર,૨૦૨૨ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં સુરતમાં (Surat) કુલ 4739201 મતદારો નોંધાયા છે. તેનો અર્થ એ છે કે, સુરત શહેર અને જિલ્લાની 16 વિધાનસભા બેઠકો માટે આ મતદારો મતદાન કરી શકશે.
આ મતદારયાદી અનુસાર જિલ્લામાં ૪,૭૩,૯૨૦૧ મતદારો નોંધાયા છે. જેમાં ૧૫૯ જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. કુલ મતદારોમાં ૨,૫૪,૬૯૩૩ પુરૂષ અને ૨૧,૯૨,૧૦૯ મહિલા મતદારો નોંધાયા છે. કુલ ૭૩૨૦૫ જેટલા નવા મતદારો નોંધાયા છે જે પૈકી ફોર્મ નં.૬ ભરીને ૯૪૫૫૪ મતદારો નોંધાયા છે જયારે ફોર્મ-૭ અંતર્ગત ૩૯૭૮૩ મતદારો કમી કરવામાં આવ્યા છે. આમ કુલ ફોર્મ ૮ હેઠળ ૧૮૦૦૦ થી વધુ માઈગ્રેટ હેઠળ મતદારો નોંધાયેલા છે. ફોર્મ-૮ હેઠળ રહેઠાણ બદલાયા હોય, મતદારયાદીમાં નામો સુધારવા, નવા ફોટો ઓળખકાર્ડ માટે કુલ ૧,૦૮,૮૯૭ ફોર્મ મળ્યા હતા. જેમાં પૈકી ૧૦૦૫૦૯ ફોર્મ મંજુર કરવામાં આવ્યા હતાં.
ભારતના ચૂંટણી પંચ દ્વારા જૂન,૨૦૨૨માં જાહેર કરવામાં આવેલા મતદારયાદી સબંધી સુધારાઓ અન્વયે જાહેર કરવામાં આવેલી લાયકાતની ચાર તારીખોને કારણે હવે યુવાનો માટે મતદાર બનવાનું સરળ થયું છે. નવા સુધારાઓ સાથે તા.૧૨મી ઓગસ્ટ-૨૦૨૨ થી ૧૧મી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન યોજાયેલા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા વ્યાપકણે મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજીને વધુમાં વધુ નાગરિકો મતદાર તરીકે નામ નોંધાવે તે માટે ઝુંબેશ હાથ હાથ ધરવામાં આવી હતી. આખરી મતદારયાદીમાં સમાવેલી વિગતો પ્રમાણે જિલ્લામાં ૧૮ થી ૧૯ વયના જુથમાં ૩૬૭૨૯ યુવા મતદારોએ નોંધણી કરાવી છે. આ મતદારો પહેલી વખત જ મતદાન કરશે.
સૌથી મોટી વિધાનસભા બેઠક ચોર્યાસી અને સૌથી નાની સુરત ઉત્તર
સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ આજરોજ જાહેર કરેલી સુધારેલી મતદાર યાદીનું વિશ્લેષણ કરતા માલૂમ પડયું હતું કે, આ વખતે સુરત શહેર અને જિલ્લામાં સૌથી મોટી વિધાનસભા તરીકે ચોર્યાસી બેઠકે સ્થાન જાળવી રાખ્યુ છે. આ વિધાનસભા બેઠક ઉપર ગત ચૂંટણીમાં સૌથી વધુ મતો સાથે ઝંખના પટેલ ભાજપામાંથી ચૂંટાઇ આવ્યા હતા. આ વખતે ચોર્યાસી તાલુકામાં કુલ 565111 મતદારો છે. આ બેઠકમાં 526 મતદાન કેન્દ્ર છે. તેવી જરીતે સૌથી નાની વિધાનસભા સુરત ઉતર છે. આ બેઠકમાં 163124 મતદારો છે. આ વિસ્તારમાં કુલ 163 મતદાન મથકો છે.
કામરેજમાં સૌથી વધુ મહિલા મતદારો તો કરંજમાં સૌથી ઓછી મહિલા મતદારો નોંધાઇ
સુરત શહેર અને જિલ્લામાં મતદાર યાદી જાહેર થયા બાદ આંકડાકીય વિગત જોતા કેટલીક રસપ્રદ હકીકતો બહાર આવી છે. સુરત શહેર અને જિલ્લામાં સૌથી વિધાનસભા ભલે ચોર્યાસી હોય પરંતુ કામરેજમાં સૌથી વધુ મહિલા મતદારો છે. કામરેજમાં 249641 મહિલા નોંધાઇ છે. જયારે સુરત કરંજમાં 75446 મહિલા મતદારો નોંધાઇ છે. જે સંખ્યા સૌથી ઓછી છે.
સુરતમાં 159 થર્ડ જેન્ડર મતદારો સૌથી વધુ સુરત ઇસ્ટમાં સૌથી ઓછા માંડવીમાં
ભારત સરકારના ચૂંટણી આયોગે કિન્નરોને ગતા વિધાનસભાની બેઠક પછી ચૂંટણી અધિકારો આપ્યા હતાં. કિન્નરોને મતાધિકાર આપવા સાથે તમામ હક આપવામાં આવ્યા છે. આ વખતે સુરત શહેર અને જિલ્લામાં કુલ 159 કિન્નરો છે. જેમાં પણ સૌથી વધુ કિન્નર મતદારો સુરત ઇસ્ટમાં 41 તેમજ સૌથી ઓછા માંડવીમાં 1 છે.