બારડોલી : બારડોલીના (Bardoli) તલાવડી વિસ્તારમાં ઘરના લોખંડનાં પગથિયાં પર ચઢતી વખતે યુવકને કરંટ (current) લાગતાં તેને બચાવવા ગયેલા દાદા પણ વીજ કરંટની ચપેટમાં આવી ગયા હતા. નસીબજોગ યુવકનો જીવ બચી ગયો હતો, પરંતુ તેને બચાવનાર દાદા ગંભીર રીતે દાઝી જતાં તેમનું મોત (Death) નીપજ્યું હતું. બારડોલીના તલાવડી મેદાન વિસ્તારમાં રહેતા નાસિર રસીદ પઠાણ ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. રવિવારે રાત્રે તેમનો પુત્ર સુલ્તાન ઘરમાં લોખંડનાં પગથિયાં ચઢી રહ્યો હતો. એ સમયે પગથિયાં પર અથિંગ ઊતરતો હોવાથી સુલ્તાનને કરંટ લાગ્યો હતો.
દાદા રસીદ હનીફ પઠાણ તેને પકડી પગથિયા પર છોડાવવા જતાં સુલ્તાન બચી ગયો
આથી તેને બચાવવા માટે તેના દાદા રસીદ હનીફ પઠાણ તેને પકડી પગથિયા પર છોડાવવા જતાં સુલ્તાન બચી ગયો હતો. પરંતુ દાદા રસીદને કરંટ લગતાં તેમને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે મૃતકના પુત્ર નાસિરે બારડોલી ટાઉન પોલીસને જાણ કરતાં પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
ઓલપાડના સરોલી નજીક બાઇક અને મોપેડ સામસામે ભટકાતાં એકનું મોત
દેલાડ: ઓલપાડના કનાજથી જોથાણ જતા રોડ ઉપર સરોલી નજીક એક મો.સા. ચાલક અને એક્ટિવા ચાલક સામસામે ભટકાતાં સર્જાયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત મો.સા. ચાલકને ચાલુ સારવાર દરમિયાન મોત થયું છે.મૂળ ભાવનગરના ઉમરાળાના દડવાનો વતની રત્નકલાકાર પ્રકાશ જગદીશ કંટારિયા હાલ ૨૦૧, શ્રીરામ એપાર્ટમેન્ટ, વિજયનગર-૨, વેડ રોડ, કતારગામ-સુરત શહેરમાં પરિવારજનો સાથે હતો. ગત રવિવાર તા.૯ના રોજ સાંજે તેમના કબજાની મો.સા. નં.(જીજે-૦૫,એચડબ્લ્યૂ-૪૪૭૬) હંકારી જોથાણ રોડ ઉપર સરોલી ગામ તરફ જઈ રહ્યા હતા. એ સમયે મો.સા. સીટ પાછળ તેમની કુટુંબી મામાની દીકરી ખુશાલી મોહન વાઢેર પણ સવારી કરી રહ્યા હતા. તેઓ કનાજ ગામથી જોથાણ તરફ જતા રોડ ઉપર સરોલી ગામ તરફ ૪:૩૦ કલાકના સુમારે પસાર થઈ રહ્યાં હતાં, ત્યારે રોડ ઉપર સામેથી આવતી મોપેડ નં.(જીજે-૦૫,એનએસ-૩૩૭૧)નો ચાલક કિશન ચંપક પટેલ બાઈક પૂરઝડપે હંકારી બાઈક પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેથી તે પ્રકાશ કંટારિયાની મો.સા. સાથે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો.
મોપેડચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો
આ અકસ્માતમાં બંને ભાઈ-બહેન રોડ ઉપર પડતા પ્રકાશને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જ્યારે ખુશાલી વાઢેરને સામાન્ય ઇજા થઈ હતી. જેથી ગંભીર ઈજાગ્રસ્ત પ્રકાશને સુરત શહેરના રામનગર ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન ફરજ પરના તબીબે પ્રકાશ કંટારિયાને મોડી રાત્રે ૧૧:૪૫ કલાકના સુમારે મૃત જાહેર કર્યો હતો.આ બાબતે મૃતકના મોટાભાઈ નિલેશ કંટારિયાએ હોસ્પિટલ ખાતેથી ઓલપાડ પોલીસને અકસ્માત મોત ઘટનાની જાણ કરી હતી. જેના પગલે પોલીસે મોપેડચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. આ ગુનાની વધુ તપાસ ઓલપાડ પો.સ્ટે.ના શક્તિસિંહ ગોહિલ કરી રહ્યા છે.