Sports

જસપ્રીત બુમરાહનુંરિપ્લેસમેન્ટ ટીમ ઇન્ડિયા ક્યાંથી લાવશે?

ઝડપી બોલર જ્યારે ઇચ્છે ત્યારે યોગ્ય ટપ્પો પાડીને એક યોર્કર સટીક રીતે ફેંકે છે તો તેના માટે બોલીંગમાં યોર્કર કરતાં વધુ સારો વિકલ્પ બીજો કોઈ હોઈ શકે નહીં કારણ કે મેચમાં પરિસ્થિતિ ભલે ગમે તે હોય પણ યોર્કર બોલે મોટો ફટકો મારવો મુશ્કેલ હોય છે. ઈન્દોરમાં રમાયેલી ત્રીજી T 20 ઈન્ટરનેશનલ મેચ તેનું ઉત્તમ ઉદાહરણ હતું. આ મેચ સપાટ પીચ અને નાના મેદાન પર રમાઈ હતી અને દક્ષિણ આફ્રિકાએ 3 વિકેટના ભોગે 227 રન બનાવ્યા હતા પરંતુ ડેટા અનુસાર, જ્યારે ભારતીય ઝડપી બોલરોએ તેમના યોર્કર સારી રીતે ફેંક્યા હતા, ત્યારે તેઓ પ્રતિ ઓવર માત્ર 7.33 રન બનાવી શક્યા હતા. જો કે, યોર્કર બોલ ફેંકતી વખતે નાની ભૂલ પણ મોંઘા પરિણામો તરફ દોરી જાય છે.

જ્યારે ભારતીય ફાસ્ટ બોલરોએ લેન્થમાં ભૂલ કરી અને ફુલ ટોસ ફેંક્યો ત્યારે હરીફોએ 13.84ની ઈકોનોમી પર રન લૂંટ્યા હતા. આ બાબતે ફરી એક વાર એવી યાદ અપાવી હતી કે ભારતીય ટીમ જસપ્રીત બુમરાહને કેટલી મિસ કરી રહી છે અને આ મહિનાના અંતે ઓસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડ કપ શરૂ થશે ભારતીય ટીમ તેને કેટલી મિસ કરશે. બુમરાહના યોર્કરને ક્રિકેટમાં સૌથી શ્રેષ્ઠ યોર્કર માનવામાં આવે છે અને અન્ય ઝડપી બોલરોની સરખામણીમાં તેનામાં ભૂલનો અવકાશ ઓછો છે. 2021ની શરૂઆત પછીથી T20માં બુમરાહનો ફુલ ટોસ બોલિંગ કરતી વખતે ઇકોનોમી રેટ માત્ર 7.94 છે.

આ સમયગાળામાં ઓછામાં ઓછા 30 ફુલ-ટોસ ફેંકનાર કોઈ પણ ઝડપી બોલરની ઇકોનોમી બુમરાહની નજીક પણ નથી. માત્ર બે ઝડપી બોલરો, એનરિક નોર્કિયા અને ડ્વેન બ્રાવો સામે પ્રતિ ઓવર 10 કરતાં ઓછા રન બન્યા છે. એ કહેવું થોડું મુશ્કેલ છે કે બુમરાહ તરફથી ફેંકાતા ફુલ ટોસ ફટકારવામાં બેટ્સમેનોને કેમ મુશ્કેલી પડે છે. તેના અસામાન્ય રિલીઝ પોઇન્ટ સાથે તેનો કંઈક સંબંધ હોઈ શકે છે . બુમરાહ સામે બેટ્સમેનો પાસે આમ પણ ઘણો ઓછો પ્રતિક્રિયા સમય હોય છે. ભારત માટે બુમરાહનું મૂલ્ય યોર્કર અથવા ડેથ ઓવરમાં બોલિંગ કરવા કરતાં ઘણું વધુ છે. તે T 20 ક્રિકેટમાં કોઈ પણ તબક્કામાં, કોઈ પણ પરિસ્થિતિમાં બોલિંગ કરવા માટે વિશુદ્ધ બોલર છે. 2020ની શરૂઆતથી T 20 ઇન્ટરનેશનલના દરેક તબક્કામાં ભારતના તમામ ઝડપી બોલરોની તુલનાએ તેની પાસે શ્રેષ્ઠ ઇકોનોમી છે.

મેચના તમામ તબક્કામાં બુમરાહની શાનદાર બોલિંગ ભારતને ઘણી રાહત આપે છે. જ્યારે બુમરાહ રમે છે, ત્યારે ભારત તેની ચાર ઓવરને એવી રીતે વિભાજિત કરી શકે છે કે તેના બોલિંગ આક્રમણના અન્ય સભ્યો તેમના શ્રેષ્ઠ તબક્કામાં બોલિંગ કરી શકે. ઉદાહરણ તરીકે, જો બુમરાહ ભુવનેશ્વર કુમાર અને દીપક ચાહર સાથે રમે છે, તો તે પાવરપ્લે પછી તેની તમામ ઓવરો ફેંકી શકે છે. જેના કારણે બે સ્વિંગ બોલરોને નવા બોલથી વધુ બોલિંગ કરવાની તક મળે છે.

જો બુમરાહ એવા બોલિંગ આક્રમણનો ભાગ છે જેમાં ભુવનેશ્વર, હાર્દિક પંડ્યા અને હર્ષલ પટેલનો સમાવેશ થાય છે, તો તે ભુવનેશ્વર સાથે પાવરપ્લેમાં 2 ઓવર અને ડેથ તબક્કામાં તેની અન્ય 2 ઓવર ફેંકી શકે છે, જેમાં હાર્દિક અને હર્ષલ મિડલ ઓવરોમાં વધુ બોલિંગ કરવા માટે મુક્ત બનશે. એ વાતમાં કંઇ નવાઇ પામવા જેવું નથી કે બુમરાહની હાજરીથી દરેક ભારતીય બોલરને ફાયદો થયો છે. આવું કેમ થાય છે તે જો તમારે સમજવું હોય તો જાણી લો કે બેટ્સમેન ઘણી વાર બુમરાહને સુરક્ષિત રીતે રમવાનો પ્રયાસ કરે છે અને પરિણામે, તેઓને અન્ય બોલરોને ફટકારવા પડે છે, આ પ્રક્રિયામાં ઘણી વાર તેઓએ વિકેટો ગુમાવવી પડે છે.

આ વધારાની આક્રમકતા બોલરોની ઇકોનોમી પર ગમે તેટલી અસર કરે, તેની ભરપાઈ એ હકીકત દ્વારા થાય છે કે તેઓ સામાન્ય રીતે તે તબક્કામાં બોલિંગ કરે છે જેમાં તેઓ શ્રેષ્ઠ અનુકૂળ હોય છે. બુમરાહ વિના રમવું ભારત માટે નવી વાત નથી. ઇજાઓ અને વર્કલોડ મેનેજમેન્ટને કારણે તેણે ડેબ્યૂ કર્યા બાદ ભારતની 128 T 20 ઇન્ટરનેશનલ મેચોમાંથી તેણે માત્ર 60 જ રમી છે. 2020ની શરૂઆતથી તે વધુ ગેરહાજર છે. આ સમયગાળા દરમિયાન, ભારતની 59 T 20 ઇન્ટરનેશનલ મેચોમાંથી, તે માત્ર 18માં રમ્યો છે. જો કે, જ્યારે પણ બુમરાહ રમ્યો છે ત્યારે તેણે ભારતની આશાઓ પર નોંધપાત્ર અસર કરી છે.

2020ની શરૂઆતથી બુમરાહ ઉપલબ્ધ ન હતો ત્યારે ભારતે 27 મેચ જીતી છે અને 13માં હારનો સામનો કરવો પડ્યો છે . ટીમમાં બુમરાહની સાથે ભારતીય ટીમે 13 મેચ જીતી છે અને માત્ર બેમાં હારનો સામનો કરવો પડ્યો છે . આ 13 જીતમાં ન્યૂઝીલેન્ડમાં સતત બે ટાઈ મેચોનો સમાવેશ થતો નથી જેમાં બુમરાહે સુપર ઓવર ફેંકી હતી જેથી તેઓ જીતવામાં મદદ કરે.
આ T 20 વર્લ્ડ કપમાં જ્યારે સુપર ઓવરની સ્થિતિ આવશે ત્યારે ભારત કોની તરફ વળશે? આ એક મુશ્કેલ પ્રશ્ન છે, ખાસ કરીને કારણ કે ડેથમાં બોલિંગ કરવી એ સુપર ઓવરમાં બોલિંગ જેવી છે અને તે વિશ્વ કપ પહેલાના અઠવાડિયામાં ભારતની સૌથી મોટી સમસ્યા છે.

જો એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે ભારતીય ટીમ બુમરાહની ગેરહાજરીમાં સંઘર્ષ કરી રહેલી દેખાતી હોય, તો લક્ષ્યનો બચાવ કરતી વખતની છેલ્લી ઓવરોમાં તે જણાશે. સપ્ટેમ્બરમાં 2 અઠવાડિયાના ગાળામાં ભારત પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચ હારી ગયું હતું જ્યારે વિપક્ષને છેલ્લી ચાર ઓવરની શરૂઆતથી અનુક્રમે 43, 42 અને 55 રનની જરૂર હતી.

Most Popular

To Top