Charchapatra

SMCનાં ખુલ્લા કે ખાલી પ્લોટમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણની રક્ષા કરો

આપણે ગ્લોબલ વોર્મીંગના શિકાર નહીં બનીએ તે માટે વૃક્ષારોપણને મહત્ત્વ આપવું ખૂબ જ જરૂરી છે. આપણા સુરત શહેરમાં એસએમસીની હદમાં ઘણા બધા ખુલ્લા પ્લોટો કે ખાલી જમીનો સરકારી આવેલી છે. આ ખુલ્લી જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઇએ. આ ખાલી જમીન ઉપર વૃક્ષો કે રોપા વાવ્યા બાદ તેને સુરક્ષિત રાખવા માટે યોગ્ય પગલાં લઇ આ વૃક્ષો મોટાં થાય ત્યાં સુધી કાળજી લેવામાં આવે તો પર્યાવરણનું સંતુલન આપણા શહેરમાં ચોક્કસ જળવાઇ રહેશે. વૃક્ષો આપણને ઓકિસજન આપે છે અને હવામાંનો કાર્બન ડાયોકસાઇડ લઇને હવા ચોખ્ખી રાખે છે. જયાં વધુ વૃક્ષો હોય છે ત્યાં વધારે વરસાદ પડે છે એ કુદરતનો નિયમ છે. આમ સુરતની જનતાએ ચોખ્ખી હવા અને પર્યાવરણને બચાવવા સુરત મહાનગરપાલિકાએ ખુલ્લી જમીનમાં વધુ વૃક્ષો વાવવા માટેના પ્રયત્નો કરવા જોઇએ.
સુરત     – જગદીશ એન. પટેલ       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગાંધીના ગુજરાતનું ડરામણું ચિત્ર
ફરી એક વાર સૂરતના કોટ વિસ્તારમાં બિસ્માર રસ્તા બાબતે શાસકો પ્રત્યે નારાજગી વ્યકત કરતાં બેનરો લાગ્યાં! જનતા ત્રસ્ત છે અને નેતાઓ ચૂંટણીમાં મહત્તમ સીટો અંકે કરવામાં વ્યસ્ત છે! હજુ પણ ગાયો શીંગડાં ભેરવી લોકોને ઉછાળી રહી છે અને છતાં સરકારે હાઇકોર્ટના આદેશને અવગણીને ચૂંટણીમાં નુકસાન થવાના ભયે ઢોર નિયંત્રણ કાયદો બાજુએ મૂકી દીધો છે! પ્રધાન મંત્રી સુરતમાં સભા ‘ગજવવા’ આવે છે ત્યારે ઝૂંપડાંઓ ઢાંકી દેવાય છે, કયાં તો તોડી પડાય છે, રસ્તાઓ રાતોરાત રીપેર થઇ જાય છે અને શહેરના બિસ્માર રસ્તાઓ જનતાને ઠોકર ખાવા યથાવત્ રખાય છે! ચૂંટણી સભા ગજવતા દિલ્હીના નેતાઓ સૂરત આવી પ્રકલ્પોનાં ખાતમુહૂર્તો કરી જનતાને કોણીએ ગોળ વળગાડે છે. અબુધ જનતા ખુશ થાય છે પણ એ ભૂલી જાય છે કે અગાઉના પ્રકલ્પોનાં વચનો પૂરાં થયાં નથી, હજુ કાગળો ઉપર જ છે! ‘શિસ્તબધ્ધ પાર્ટી’ના નેતાઓ રંગરેલિયા મનાવવામાં વ્યસ્ત છે અને ડબલ એન્જીવાળી સરકાર એ તરફ આંખ આડા કાન કરી, પક્ષપલટુઓને આવકારવામાં વ્યસ્ત છે! આશ્ચર્યજનક રીતે માત્ર ગુજરાતના જ દરિયાકિનારેથી વારંવાર ડ્રગ્સ બરામદ થાય છે! ગાંધીના ગુજરાતનું આ અત્યંત ડરામણું ચિત્ર છે!
સુરત     – ભાર્ગવ પંડયા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top