નાસિક: શનિવારની સવારે મહારાષ્ટ્રના નાસિકમાંથી આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીંના નાસિક ઓરંગાબાદ રોડ પરથી પસાર થતી એક બસમાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ બસ આગનો ગોળામાં ફેરવાઈ ગઈ હતી, જેથી સ્થાનિક લોકો પણ બચાવકાર્ય કરી શકયા નહોતા. ખૂબ જ ઝડપથી આગ લાગી હોવાના લીધે મુસાફરો અંદર બેઠાં બેઠાં જ ભડથું થઈ ગયા હતા.
મહારાષ્ટ્રના (Maharashtra) નાસિકમાંથી (Nasik) એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં કન્ટેનર સાથે અથડાયા બાદ બસમાં (Bus) આગ (Fire) લાગી હતી, જેમાં 11 લોકોના સળગી જવાથી મોત થયા હતા. મૃતકોમાં 10 વયસ્કો અને એક બાળકનો સમાવેશ થાય છે. પુણે તરફ જતી આ બસમાં નાસિક-ઔરંગાબાદ રોડ (Nasik Aurangabad Road) પર આ અકસ્માત (Accident) થયો હતો. નાસિક પોલીસે અકસ્માતની પુષ્ટિ કરી છે. નાશિક પોલીસે જણાવ્યું કે મૃતદેહો અને ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
આ ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે. અહેવાલો અનુસાર આ ઘટના સવારે 5 વાગ્યાની આસપાસ બની જ્યારે નાસિકના ઔરંગાબાદ રોડ પર કન્ટેનર સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બસમાં આગ લાગ્યા બાદ આગનો મોટો ગોળો બન્યો છે . ફાયરના જવાનોએ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
આ અકસ્માત નાસિક ઔરંગાબાદ નંદુર નાકા પાસે થયો હતો. ચિંતામણી ટ્રાવેલ્સની બસમાં 40થી 50 લોકો સવાર હતા. મુસાફરો સૂતા હતા ત્યારે જ આગ લાગી હતી. બૂમાબૂમ થઈ ગઈ હતી. એક મહિલા મુસાફર બે બાળકો સાથે બારીમાંથી કૂદી પડી હતી. તેમનો હાથ દાઝી ગયો હતો. સૌથી વધુ જાનહાનિ બસના આગળના ભાગમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઊંઘમાં જ મુસાફરો આગમાં ભડથું થઈ ગયા હતા. તેઓને બચવાની તક મળી નહોતા. મૃતકોમાં બસના ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. આખી બસ 20 જ મિનીટમાં બળીને ખાક થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ બસ સળગી ગઈ હતી. બસની ડીઝલ ટાંકી ફાટવાના લીધે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
આગ એટલી ભયંકર હતી કે અમે કંઈ કરી શક્યા નહીં: પ્રત્યક્ષદર્શી
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ ઘટના મારા ઘરની નજીક બની હતી. ઘટના બાદ બસમાં આગ લાગી હતી અને લોકો દાઝી ગયા હતા. અમે જોયું પણ કંઈ કરી શક્યા નહિ. બાદમાં ફાયર વિભાગ અને પોલીસ આવી હતી. મળતી માહિતી મુજબ, એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી શકવાને કારણે મૃતદેહોને સિટી બસમાં જ રાખવી પડ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ ટીમ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. જો કે બસમાં આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કંઈ સ્પષ્ટ થયું નથી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ મૃતકોને 5 લાખના વળતરની જાહેરાત કરી
આ ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ સાથે ઘાયલોને મફત સારવાર આપવાનું પણ કહેવામાં આવ્યું છે.