Charchapatra

કતારગામના એ મતદાતાઓ મત આપી શકે એવું ગોઠવો

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હોય, તેવાં સમયમાં ચૂંટણીપક્ષ દ્વારા મતદારો વધુ મતદાન કરે અને મતદાન ટકાવારી વધુ પ્રમાણમાં થાય તે હેતુસર મિડીયા, વર્તમાન પત્ર, સીનીયર અધિકારી સાથે મિટીંગનો દોર કરીને મતદાન ટકાવારી વધુ થાય તેવાં પ્રયાસો કરે છે. પરંતુ એક મતદાન મથકનો કિસ્સો એ છે કે કતારગામ વિધાનસભા મત વિસ્તારમાં પ્રભુનગર-૧ સોસાયટીના મતદારોને છેલ્લાં ૨૫ વર્ષથી સુરત મહાનગરપાલિકા, ગુજરાત વિધાનસભા, સંસદ સભ્યની ચૂંટણી વેળાએ ઘણાં દૂર અંતરે આવેલ અખંડ આનંદ કોલેજ, વેડરોડ, પર મતદાન મથક  ફાળવવામાં આવેલ હોય, તેથી અત્રેના રહીશો મતદાન સ્થળ દૂર હોવાનાં કારણસર  જતાં નથી. આ રહીશોના ઘર નજીક આવેલ સમાજની વાડી, સરકારી – ખાનગી સ્કુલો આવેલ હોય, ત્યાં બંદોબસ્ત કરી શકાય પરંતુ તે કરી ન શકતાં મતદાનની ટકાવારી વધુ નથી થઇ શકતી? જેથી ચૂંટણી ઝોનલ ઓફિસર્સ, ચૂંટણી અધિકારી ધ્યાનઆપે કે જેથી મતદાન ટકાવારી પણ વધશે.
કતારગામ – નાનજીભાઇ ભાણાભાઇ પડાયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

૨ ઓક્ટોબર, ગાંધીજી યાદ રહ્યા, લાલબહાદુર ભૂલાયા
તા. ૨ ઓક્ટોબર. બે મહાન વિભૂતિઓનો જન્મદિવસ. મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીજી. પરંતુ જ્યાં સુધી ધ્યાનમાં આવે છે ત્યાં સુધી ૨ ઓકટોબરે બધાએ મહાત્મા ગાંધીજીને યાદ કર્યા છે પણ લાલબહાદુર શાસ્ત્રીજીને બહુ ઓછાએ યાદ કર્યા છે. ૧૯૬૬ માં તે સમયના આપણા દેશના  વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી રશિયાના તાશ્કંદ ખાતે એક કોન્ફરન્સમાં હાજરી આપવા ગયા હતા ત્યારે ત્યાં તેમનું અકાળ અવસાન થયું હતું. એવું કહેવાય છે કે તેઓ કોઇક રાજકીય ષડ્યંત્રનો ભોગ બન્યા હતા. વિવાદાસ્પદ સંજોગોમાં ૧૧ જાન્યુઆરી ૧૯૬૬ ને દિવસે આ દુનિયામાંથી તેમણે વિદાય લીધી હતી.’ જય જવાન જય કિસાન’ સૂત્રના તેઓ પુરસ્કર્તા હતા.

હકીકતમાં તેઓ વામન કદના વિરાટ માનવી હતા. વડાપ્રધાન તરીકેના તેમના અત્યંત ટૂંકા કાર્યકાળ દરમ્યાન ૧૯૬૫માં આવી પડેલા ભારત – પાકિસ્તાન યુદ્ધમાં ભારતનો જ્વલંત વિજય થયો હતો.ગાંધીજીની જેમ જ લાલબહાદુર શાસ્ત્રીજી પણ અત્યંત સાદગીભર્યું જીવન જીવતા હતા. હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જેમ તેમનાં કુટુંબીજનોએ તેમના વડાપ્રધાનપદના હોદ્દાનો કયારેય ગેરલાભ ઉઠાવ્યો નહોતો. દર વર્ષની બીજી ઓકટોબરે ગાંધીજીની સાથે આપણે સૌએ લાલબહાદુર શાસ્ત્રીજીને પણ યાદ કરવા જ જોઈએ.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top