ધરમપુર : ધરમપુર તાલુકાના નાનીવહીયાળ ગામના યુવાનો ગરબા (Garba) જોઈને બાઈક (Bike) ઉપર ઘરે પરત ફરી રહ્યા હતાં. તેજ અરસામાં લાકડમાળ પ્રા.શાળા નજીક કોઈક અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટમાં લેતાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત (Death) નિપજ્યું હતું.
ધરમપુરના નાની વહીયાળ ગામનાં ચોકી ફળીયા ખાતે રહેતાં નિરવ પટેલ તથા તેનો મિત્ર રાહુલ હષૅદ પટેલ નવરાત્રીના ગરબા જોવા માટે ગયા હતા. ઘરે પરત ફરતા નિરવ પટેલની બાઈક લાકડમાળ ગામની પ્રા.શાળા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે કોઇક અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતાં નિરવ પટેલને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજા થતાં એનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા એના મિત્ર રાહુલ પટેલને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા એને તાત્કાલિક સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે અંગેની ફરિયાદ ધરમપુર પોલીસ મથકે ઝીણું સાપુર પટેલે નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
ધરમપુરના આવધા ગામે બાઈક ઝાડ સાથે અથડાતા યુવાનનું મોત
ધરમપુર : વલસાડ તાલુકાના મરલા ગામનો યુવાન હષૅ રાકેશ પટેલ પોતાની બાઈક લઈ વિલ્સન હિલ ફરવા માટે તેના મિત્રો જોડે ગયો હતો. ઘરે પરત ફરતી વેળાએ ધરમપુરના આવધા નજીક વળાંક પાસે બાઇક ચાલકે કાબુ ગુમાવતાં બાઈક ઝાડ સાથે અથડાયું હતું. જેમાં બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જતાં જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. જે અંગેની ફરિયાદ ધરમપુર પોલીસ મથકે હષૅદ ખંડુ પટેલએ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.
સુરત (Surat): નવરાત્રિના (Navratri) ઉત્સવની ઉજવણી દરમિયાન મોડી રાત સુધી લોકો ખાણીપીણીની લારી અને દુકાનો પર ચા-નાસ્તા કરવા ઉમટતા જોવા મળ્યા હતા ત્યારે છેલ્લી રાત્રે તો જાણે લોકોની આંખોમાંથી ઊંઘ જ ગાયબ થઈ ગઈ હતી. આખા શહેરમાં ઠેરઠેર સવારે 4 વાગ્યા સુધી લોકોના ટોળા જોવા મળ્યા હતા, જેના પગલે સુરત પોલીસની મહેનત વધી ગઈ હતી. આખી રાત પોલીસે પેટ્રોલિંગ કરી લોકોને ઘરે જવા વિનંતીઓ કરવી પડી હતી, ત્યારે કેટલાંક ઠેકાણે પોલીસ સાથે દાદાગીરી કરાઈ હોવાની ઘટના પણ સામે આવી છે.
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ટેન્કર અડફેટે બાઇકસવાર બેનાં મોત
અંકલેશ્વર: અંકલેશ્વરના જીઆઇડીસી M.G કાંટા વિસ્તારમાં ગત સાંજે અંકલેશ્વરની ખાનગી કંપનીમાં કામ કરતા જિતેન્દ્રસિંગ સૂર્યવલી સિંગ (ઉં.વ.૫૦) તેમના પુત્રના સાળા અનુપ સિંગ ઉર્ફે ભોલા સાથે મોટરસાઇકલ નં.(GJ.16.CL 2488) ઉપર નીકળી જઈ રહ્યા હતા. એ જ દરમિયાન પૂરઝડપે આવેલા ટેન્કર નં.(GJ.12.W 0700)ના ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટનામાં જિતેન્દ્રસિંગ સૂર્યવલીસિંગનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ અનુપસિંગ ઉર્ફે ભોલાને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતાં તેનું પણ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાદ ટેન્કરચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસમથકે જાણ થતાં પોલીસકર્મીઓએ સ્થળ પર દોડી જઈ બંને લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.