વડોદરા: મહારાષ્ટ્રથી સિદ્ધિ અને રાહી પખાલે નેશનલ ગેમ્સ હેઠળ ટ્રેમ્પોલિનની રમતમાં ભાગ લઈ રહ્યાં છે.જીમ્નાસ્ટીક ના ભાગરૂપે ટ્રેમ્પોલીનની હરીફાઈ યોજવામાં આવી છે.આ ખૂબ ઊંચું જોખમ ધરાવતી અને સંતુલન કુશળતા માંગી લેતી રમત છે. સિદ્ધિનો ભાઈ પણ ટ્રેમ્પોલીન રમે છે.રમત દરમિયાન ઇજા થતાં એક વર્ષથીએ પથારીવશ છે.તેમ છતાં મનમાં કોઈ ભીતિ રાખ્યા વગર સિદ્ધિ મેડલ જીતવાના સંકલ્પ સાથે રમી રહી છે.તે કહે છે કે મારે આ રમતમાં ઢગલો મેડલ જીતીને દેશને ગૌરવ અપાવવું છે.અત્યાર સુધી નેશનલ ગેમ્સ જીમ્નાસ્ટીક સ્પર્ધાઓમાં ટ્રેમ્પોલીનનો સમાવેશ થયો ન હતો.ગુજરાતે પહેલીવાર 36 મી રાષ્ટ્રીય ક્રીડા સ્પર્ધા યોજી અને એમાં આ રમતનો સમાવેશ થયો એનાથી સિદ્ધિ ખૂબ પ્રોત્સાહિત થઈ છે.
સિદ્ધિ કહે છે કે રમત માટે જરૂરી માળખાકીય સુવિધાઓ, રમત માટે જરૂરી શ્રેષ્ઠ સાધનો, નિવાસની વ્યવસ્થા બધું ખૂબ જ બહેતર છે.રાહી પખાલે માટે વડોદરામાં આ સ્પર્ધાનું આયોજન આનંદ બમણો કરનારું બની રહ્યું છે.તે અગાઉ ઇન્ટરનેશનલ જીમ્નાસ્ટીક યુનિયન ગેમ્સ માટે ટ્રેમ્પોલીનનું કોચિંગ લેવા વડોદરા જિલ્લાના મોટા ફોફલીયા આવી હતી.હવે પહેલીવાર નેશનલ ગેમ્સમાં આ રમતનો સમાવેશ થતાં રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા વડોદરા આવી છે.વડોદરામાં આટલી સુંદર સુવિધાઓ મળશે એવી અપેક્ષા જ રાખી ન હતી.એવા આશ્ચર્ય મિશ્રિત શબ્દો સાથે રાહીએ જણાવ્યું કે નિવાસ, ભોજન, રમતના ઉપકરણો, બધું જ ઉત્તમ છે.