Madhya Gujarat

બોરસદના 20 ગામને CNG ગેસની સુવિધા અપાશે

આણંદ : ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડની 23મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યાં હતાં. ત્રણ ગેસ સ્ટેશન ઉપરાંત ગ્રાહકોની સંખ્યા 44 હજારથી વધારી 50 હજાર કરવા અને બોરસદના 20 ગામોમાં ગેસનો પુરવઠો પહોંચાડવાનો નિર્ણય મુખ્યત્વે રીતે લેવામાં આવ્યો છે. ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડની વાર્ષિક સાધારણ સભામાં ઇન્ચાર્જ ચેરમેન જયેશભાઈ જે. પટેલ અધ્યક્ષ તરીકે હાજર રહ્યાં હતાં. આ વાર્ષિક સાધારણ સભામાં મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યાં હતાં.

વાર્ષિક સાધારણ સભાની નોટીસમાં જણાવ્યા પ્રમાણે એજન્ડા વાંચી સર્વાનુમત્તે એજન્ડામાં દર્શાવેલી વિગતોની બહાલી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ ચેરમેન જયેશભાઈ પટેલે સભાસદો તેમજ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. જ્યારે ચેરમેન ધર્મેન્દ્રભાઈ પટેલ હાલ અમેરિકા હોય તેઓએ સંદેશો પાઠવ્યો હતો કે, હાલના સમયમાં ગેસના ભાવો ખૂબ આસમાને પહોંચ્યા છે. તેને પહોંચી વળવા ચરોતર ગેસ તરફથી ગ્રાહકોને સસ્તો ગેસ મળી રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ. ચાલુ વર્ષે મંડળી દ્વારા 52 ગામોમાં ગેસ પુરવઠો પહોંચાડવામાં આવ્યો છે. મંડળી દ્વારા હવે ગેસ પુરવઠાની વિતરણ સેવાનું વિસ્તરણ કરતા બોરસદની આજુબાજુના નવા 20 જેટલા ગામોમાં ઘરેલું, વાણિજિયક અને ઔદ્યોગિક જોડાણોને આવરી લેવાનો પ્રયાસ છે. ચરોતર ગેસની સ્થાપના 1999માં કરવામાં આવી હતી. જે આજે મોટું વટવૃક્ષ બનીને 44 હજાર જેટલા ગ્રાહકોને અવિરતપણે ગેસ સેવા પુરી પાડે છે. જે વર્ષ 2022-23ના અંત સુધી ગ્રાહકોની સંખ્યા 50 હજાર જેટલા કરવાનો લક્ષાંક છે.

ચરોતર ગેસ તેના કાર્યક્ષેમાં આવતા સ્મશાન ગૃહો આણંદ, વિદ્યાનગર, મોગરી, વાસદ, કરમસદ અને ચિખોદરાને વિનામુલ્યે ગેસ સપ્લાય કરવામાં આવે છે. મંડળીએ કુલ સ્ટાફના 35 ટકા મહિલા કર્મચારીઓને રોજગારી આપી છે. આ સભામાં ચરોતર ગેસ સહકારી મંડળીના ડિરેક્ટર રમેશભાઈ શાહ, કિરણભાઈ પેટલ, હસમુખભાઈ પેટલ, સુરેશભાઈ પટેલ વિગેરે હાજર રહ્યાં હતાં. આ વાર્ષિક સાધારણ સભાનું સંચાલન રમેશભાઈ પ્રજાપતિએ કર્યું હતું. આ સભામાં ચરોતર ગેસની એડવાઇઝરી કમિટિના મેમ્બર નિતિનભાઈ શાહ, હેમંતભાઈ પટેલ (શનુભાઈ), કિરણભાઈ જી. પટેલ, કુશલ ભટ્ટ, સીએનજી ડોટર સ્ટેશનના માલિક જતીનભાઈ પટેલ, હાર્દિકભાઈ પટેલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બી.સી. પટેલ હાજર રહ્યાં હતાં.

બોરસદમાં મધર સ્ટેશન અને બે ડોટર સ્ટેશનનો ઉમેરો કરાશે
ચરોતર ગેસ દ્વારા બોરસદ ખાતે સીએનજી ગેસ સ્ટેશન (મધર સ્ટેશન), બોરસદ – આણંદ રોડ પર શરૂ કરવા માટે આયોજન હેઠળ છે. આ ઉપરાંત થોડા દિવસોમાં જોળ અને પણસોરા ખાતે નવા બે ડોટર સ્ટેશનો શરૂ કરવામાં આવશે. જેથી નવા બે ડોટર સ્ટેશનનો ઉમેરો કરવામાં આવશે.
ગેસ સાથે ઈવી ચાર્જીંગ સ્ટેશન પણ ઉભા કરવાનું આયોજન
ચરોતર ગેસ દ્વારા બદલાતા સમય સાથે નવી ટેકનોલોજી અપનાવવામાં આવી રહી છે. જેમાં વૈકલ્પિક ઇંધણ વ્યવસ્થા માટે મંડળીના વિકાસમાં એક નવું કદમ આગળ વધવા જઇ રહી છે. તેના માટે ઇ.વી. ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે.

Most Popular

To Top