ખેડા: ખેડા શહેરના પંડ્યા પરિવાર દ્વારા છેલ્લાં 65 વર્ષોથી નવરાત્રીના નવ દિવસ ઘરમાં જ બેસીને માતાજીની ભક્તિ અને અનુષ્ઠાન કરવામાં આવે છે. તેમના ઘરમાં સ્થાપિત માતાજીના દર્શનાર્થે નગરજનો ઉપરાંત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડે છે અને બેઠાં ગરબા ગાવા ઉપરાંત પુજા-પાઠ તેમજ ભક્તિ-આરાધના કરી ધન્યતા અનુભવે છે. ખેડામાં 65 વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી આવતી બેઠા ગરબાં સાથે માતાજીની ભક્તિ કરવાની પરંપરા આજે પણ જીવંત છે. ખેડાના નરેશભાઈ પંડ્યા પરિવાર દ્વારા પરંપરા મુજબ નવરાત્રીના નવ દિવસ ઘરમાં બેસીને જ ગરબા ગાઈને માતાજીની ભક્તિ કરવામાં આવે છે.
નવરાત્રીના નવેય દિવસ માતાજીની આરતી તેમજ ગરબા ઉપરાંત અનુષ્ઠાન, ચંડીપાઠ, શક્રદય સ્તુતિ, નવ્વાણું મંત્ર, અર્ગલા સ્ત્રોત, દેવી અપરાધન સ્ત્રોત્રમ અને વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ પુજા-પાઠમાં નરેશભાઈ સાથે તેમનો સમગ્ર પરિવાર જોડાય છે. પંડ્યા પરિવારના ઘરમાં સ્થાપિત કરવામાં આવતાં માતાજીના દર્શનાર્થે ખેડા શહેર તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડે છે અને હાથથી વાગતાં વાદ્યોના વાદન સાથે તાળીનો તાલ મિલાવી માઈભક્તો માતાજીની ભક્તિમાં લિન થઈ જાય છે.
નરેશભાઈના પિતાએ માતાજીની સન્મુખ જ દેહ છોડ્યો હતો
નરેશભાઈ પંડ્યા જણાવે છે કે, મારા પિતાજી પ્રવિણચંન્દ્ર અંબાલાલ પંડ્યાએ આ પરંપરાની શરૂઆત કરી હતી. તેઓએ દેહ નવરાત્રીની આઠમે માતાજીની સન્મુખ ભક્તિ કરતાં સમયે જ દેહ છોડ્યો હતો. જે અગાઉ તેઓને મૃત્યુનો અણસાર આવી ગયો હતો. જેથી તેઓએ ભક્તિ કરતાં સમયે મને કશું પણ થાય તો પણ તમારે માતાજીની ભક્તિ ચાલું રાખવાની તેવું પરિવારજનોને જણાવી દીધું હતું. જે મુજબ તેમના અવસાન બાદ પણ ઘરમાં માતાજીની ભક્તિ ચાલુ રાખવામાં આવી હતી.
નરેશભાઈ ખેડા જિલ્લા અધિક કલેક્ટરના પી.એ તરીકે ફરજ બજાવે છે
નરેશભાઈ હાલ, ખેડા જિલ્લા અધિક કલેક્ટરના પર્સનલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમના પિતા પ્રવિણચંન્દ્ર અંબાલાલ પંડ્યા અમદાવાદ ખાતે નાયબ ચીટનીશ હતાં.