અનાવલ: મહુવાના કોદાદા ગામની (Kodada village) ખેતીની જમીનનો (Agricultural land) બોગસ પાવર ઓફ એટર્ની (Power of Attorney) બનાવી રૂપિયા 49.85 લાખમાં સોદો કરાયો હતો. ખોટો માલિક ઊભો કરી વેચાણ દસ્તાવેજ કર્યા બાદ જમીનનો કબજો આપવા બાબતે બહાના બતાવાયા હતા. બારડોલી મામલતદારની કોર્ટમાં નોંધણીની ચકાસણી દરમિયાન વેચાણ કરતા પાવર ઓફ એટર્ની અન્ય કોઈ જમીન માટે હોવાનું જણાતા જમીનની એન્ટ્રી કેન્સલ કરાતા બારડોલીના માતા-પુત્ર સહિત અન્ય પાંચ ઇસમો વિરુદ્ધ મહુવા પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો દાખલ થયો હોવાનું જાણવા મળે છે.
જમીન તેના પિતાજીના માસાની હોવાનું જણાવ્યું હતું
સુરત શહેરના વેસુ રોડ મુકામે રહેતા કરસનભાઈ અંબારામભાઈ ખોખાણીએ મહુવા પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેઓને ખેતીની જમીન ખરીદવી હોય તેમના દલાલો દ્વારા તાલુકાની કોદાદા ગામની ખેતીની જમીન આપવાનું જણાવતા તેઓએ બારડોલીના બાબેન મુકામે આવેલા સાઈ વંદના સોસાયટીમાં રહેતા ધનજીભાઈ ચૌહાણ, કિરીટ રતનજીભાઈ ચૌહાણ સાથે વાતચીત કરતા જમીન તેના પિતાજીના માસાની હોવાનું જણાવ્યું હતું. ત્યારે કોદાદા ગામની સીમમાં આવેલી સરવે નંબર 145 અને બ્લોક નંબર 229 વાળી ખેતીની જમીનનો રૂ. 49.85 લાખમાં સોદો નક્કી કર્યો હતો. જે સોદા બાબતે રૂપિયા 4.85 લાખ ચેકથી અને 45 લાખ રોકડા ચૂકવાયા હતા.
જમીનના માલિક તરીકેની ખોટી ઓળખ આપી હતી
ફરિયાદી કરસન ભાઈએ પોતાના પુત્રના નામે જમીન કરાવતા તેનો પાવર ઓફ એટર્ની પોતાની પાસે રાખ્યો હતો. દસ્તાવેજ નોંધણી સમયે સોદો નક્કી કરનાર કિરીટ રતનજી ભાઈ ચૌહાણ, વિધવા માતા ભાનુબેન ચૌહાણ, જમીન દલાલ મુકેશભાઈ સાવલિયા તથા સુમુલભાઈ જમીનના માલિક તરીકેની ખોટી ઓળખ આપનાર હરિયા બાવલા ભાઈ ચૌહાણ, તેની ઓળખ આપનાર ભરત ઈશ્વરભાઈ પટેલ તથા અમૃતભાઈ ચૌહાણ વગેરે હાજર હતા.
પાવર ઓફ એટર્ની અન્ય કોઈ જમીન માટેનો હોવાનું જણાતા એન્ટ્રી રદ
દરમિયાન લાંબા સમય સુધી પાક ઊભો હોય મુજબનું બહાનું બતાવી ખેતીની જમીનનો કબજો અપાયો ના હતો. બીજી તરફ તેમના નામની એન્ટ્રી પાડવાનો સમયે બારડોલી મામલતદાર અને કોર્ટમાં વેચાણ બાબતનો પાવર ઓફ એટર્ની અન્ય કોઈ જમીન માટેનો હોવાનું જણાતા એન્ટ્રી રદ કરવામાં આવી હતી. પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જાણી કરસનભાઈ ખોખાણીએ ઉપરોક્ત સાતેય વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડીનો અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાવતા મહુવા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ ચાલુ કરવામાં આવી હોવાનું જાણવા મળે