સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) દ્વારા ગુરુવારે લિંબાયત નીલગીરી મેદાનમાં યોજાયેલી જાહેર સભામાં સુરત(Surat)ના સાયણ(Sayan) વિસ્તારમાં સીઈટીપી સાથે મેગા પાવરલૂમ ક્લસ્ટર(power loom cluster) ઊભું કરવાની જાહેરાતને સુરતનાં વિવિંગ સંગઠનોએ આવકારી છે. ફોગવા અને સુરત વિવર્સ એસોસિએશને વડાપ્રધાનની આ જાહેરાતને આવકારી છે. પણ ટેક્સટાઇલ મંત્રાલય અને ટેક્સટાઇલ કમિશનર કચેરી દ્વારા વિવિંગ ઉદ્યોગને લગતી યોજના મંજૂર કરતાં પહેલાં વિવિંગ ઉદ્યોગનાં સંગઠન ફોગવા અને ફીઆસ્વીને વિશ્વાસમાં લેવા જોઈએ.
- સુરત પાવરલૂમ મેગા ક્લસ્ટરની વડાપ્રધાનની જાહેરાતને વિવિંગ ઉદ્યોગનો આવકાર
- પાવરલૂમ મેગા ક્લસ્ટર સાયણમાં ક્યાં બનશે, વિવર્સને શું લાભ મળશે સ્પષ્ટતા જરૂરી : ફોગવા
- વિવિંગ સંગઠનો ફિઆસ્વી, ફોગવાને વિશ્વાસમાં લઈ સરકારે યોજના બનાવવી જોઈએ : અશોક જીરાવાળા
સાયણમાં પાવરલૂમ મેગા ક્લસ્ટર ક્યાં બનશે, કોણ બનાવશે? વિવર્સને શું લાભ થશે. વોટર જેટ લૂમ્સ કેટલી સંખ્યામાં લાગશે? વેસ્ટ વોટર રિસાઇકલ થશે કે અન્ય સ્ત્રોતથી નિકાલ થશે. આ યોજનાને મંજૂરી ક્યારે મળી, જીઆર ક્યારે નીકળ્યો સહિતના પ્રશ્નો અંગે ટેક્સટાઇલ કમિશનર પાસે વિગતો મંગાવવામાં આવશે. જો પ્રોજેક્ટ પ્રાઇવેટ પાર્ટી બનાવવાની હોય તો નીતિવિષયક નિર્ણયો જેવા કે, જમીન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સબસીડી, કઈ રીતે મળશે. જો સરકારનો આશય MSME વિવર્સ મોટા ઉદ્યોગ સમૂહો સામે સ્પર્ધા કરે એ આશયનો હોય તો સલામત મૂડી રોકાણ, નિભાવ ખર્ચની જવાબદારી કોણ લેશે ? સરકારે ફોર્મ્યુલા ઘડવી જોઈએ.
પાવરલૂમ ક્લસ્ટરની સરકાર ગાઈડ લાઇન જાહેર કરે : વિજય માંગુકિયા
સુરત વિવર્સ એસોસિએશનના પ્રમુખ વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાયણ- ઓલપાડ વિસ્તારમાં પાવરલૂમ મેગા ક્લસ્ટર પ્રોજેક્ટની જાહેરાત કરી છે. પણ સરકારે આ નિર્ણય જાહેર કરતાં પહેલાં કોઈ ગાઈડ લાઇન જાહેર કરી નથી. MSME એક્ટનું ચુસ્તપણે પાલન નહીં કરવાના કારણે વિવર્સોને કરોડોનું નુકસાન ભોગવવું પડ્યું છે. સુરત વિવર્સોના પડતર પ્રશ્નોને ધ્યાને રાખી રાજ્ય અને કેન્દ્રની સરકારે સુનિશ્ચિત ગાઈડલાઈન તૈયાર કરી જાહેર કરવી જોઈએ. ક્લસ્ટરમાં નાના વિવર્સને સસ્તી વીજળી, ટેરિફ સબસીડી, ટફ સબસીડી જેવી જોગવાઈઓ માટે સ્પેશિયલ કમિટીનું ગઠન કરવું જોઈએ.