૧૯૯૮માં સીતારામ કેશરીની કોંગ્રેસ પ્રમુખ તરીકે અપમાનજનક રીતે હકાલપટ્ટી કરીને શ્રીમતી સોનિયા ગાંધીને પક્ષની સત્તા સોંપવામાં આવી ત્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવે નિ:સાસો નાખ્યો હતો કે ‘‘હવે ૨૫-૩૦ વર્ષ માટે કોંગ્રેસ પક્ષની નેતાગીરી ફરીથી નેહરુ-ગાંધી પરિવારના હાથમાં જતી રહેશે.’’ કોંગ્રેસમાં પ્રમુખપદની ચૂંટણીના મુદ્દે વર્તમાનમાં જે ભવાઈ ભજવાઈ રહી છે, તે જોયા પછી લાગ્યા વિના રહેતું નથી કે નરસિંહ રાવે સચોટ ભવિષ્યવાણી ભાખી હતી. સીતારામ કેશરીની હકાલપટ્ટી પછી બરાબર ૨૪ વર્ષ સુધી કોંગ્રેસનું પ્રમુખપદ નેહરુ-ગાંધી ખાનદાનના હાથમાં રહ્યું, પણ હવે રાજસ્થાનની ઘટના સૂચવે છે કે કોંગ્રેસ પર એક પરિવારની ઇજારાશાહીનો અંત નજીક આવી ગયો છે. જે રીતે નેહરુ-ગાંધી પરિવારને સૌથી વધુ વફાદાર મનાતા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે બળવો કર્યો અને તેમની સામે મોવડીમંડળે ઘૂંટણ ટેકવી દેવા પડ્યા તે જોઈને લાગે છે કે કોંગ્રેસમાં હવે મોવડીમંડળની કોઈ ધાક રહી નથી. કોંગ્રેસના વફાદાર મનાતા નેતાઓ પણ હવે નેહરુ-ગાંધી પરિવારની ગુલામીમાંથી મુક્ત થઈ રહ્યા છે અને સ્વતંત્રપણે વિચારી રહ્યા છે. કોંગ્રેસમાં હવે ખરા અર્થમાં આંતરિક લોકશાહીની સ્થાપના થઈ રહી છે.
કોંગ્રેસના પ્રમુખપદ માટેની ચૂંટણીમાં રાજસ્થાનના ત્રણ વખત મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અશોક ગેહલોતની પસંદગી કરવામાં આવી ત્યારથી આ કટોકટીનો પ્રારંભ થયો હતો. રાહુલ ગાંધી ચાહતા હતા કે અશોક ગેહલોત કોંગ્રેસ પ્રમુખ બને તો તેમણે રાજસ્થાનના મુખ્ય પ્રધાનની ગાદી સચિન પાઇલોટને આપવી જોઈએ, પણ અશોક ગેહલોત ગાદી છોડવા માગતા નહોતા. તેઓ કોંગ્રેસ પ્રમુખ અને મુખ્ય પ્રધાન બંને હોદ્દાઓ રાખવા માગતા હતા. જો મુખ્ય પ્રધાનનો હોદ્દો છોડવો જ પડે તેમ હોય તો તેઓ પોતાના કોઈ વફાદારને મુખ્ય પ્રધાનની ગાદી પર બેસાડવા માગતા હતા. મોવડીમંડળે સચિન પાઇલોટની પસંદગી કરી કે તરત ગેહલોતના વફાદારો આડા ફાટ્યા હતા.
કોંગ્રેસમાં નેહરુ-ગાંધી પરિવારનું શાસન સ્થપાયું ત્યારથી એક નિયમ વણલખ્યો ચાલ્યો આવે છે કે મોવડીમંડળની આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ સંયોગોમાં ચલાવી લેવામાં આવતું નથી. મોવડીમંડળની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારની સત્તા આંચકી લેવામાં આવે છે અને તેને કચરાપેટીના હવાલે કરવામાં આવે છે. તેનું લેટેસ્ટ ઉદાહરણ પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ છે. પંજાબમાં કોંગ્રેસે તેમની તાકાત પર જ ચૂંટણી જીતી હતી અને સત્તા પર આવી હતી. તેમ છતાં તેમણે મોવડીમંડળ સામે બળવો કર્યો ત્યારે તેમને મુખ્ય પ્રધાનની ખુરશી છોડવી પડી હતી. પંજાબની ગાદી પર પોતાના વફાદાર નેતાને બિરાજમાન કરવા કોંગ્રેસે રાજ્ય ગુમાવવાનું પણ જોખમ ઉઠાવી લીધું હતું. છેવટે ચૂંટણી થઈ ત્યારે પંજાબ જેવું મોટું રાજ્ય કોંગ્રેસના હાથમાંથી સરકી ગયું હતું.
રાજસ્થાનમાં પણ વિલક્ષણ પરિસ્થિતિ પેદા થઈ હતી. અશોક ગેહલોતને મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું તે પછી તેમણે હિંમત દાખવીને સત્તા પર ટકી રહેવા માટે મોવડીમંડળની આજ્ઞાનો ભંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને તેનો અમલ પણ કર્યો હતો. પંજાબમાં અને રાજસ્થાનમાં એ ફરક હતો કે પંજાબમાં બહુમતી કોંગ્રેસી વિધાનસભ્યો મોવડીમંડળને વફાદાર રહ્યા હતા, જ્યારે રાજસ્થાનના ૯૦ જેટલા વિધાનસભ્યો મોવડીમંડળની પરવા કર્યા વિના અશોક ગેહલોતને વફાદાર રહ્યા હતા. અશોક ગેહલોતના બળવાથી મોવડીમંડળ બેકફૂટ પર આવી ગયું હતું. તેમની સામે દ્વિધા ઊભી થઈ હતી કે મોવડીમંડળની સત્તા પ્રસ્થાપિત કરવા જતાં રાજસ્થાન જેવાં રાજ્યમાંથી સત્તા જતી રહેતી હોય તો શું કરવું? મોવડીમંડળે પોતાની સત્તા કરતાં રાજ્યની સત્તાનો વિકલ્પ વધુ વહાલો ગણ્યો હતો.
રાજસ્થાનની સત્તા બચાવવા જતાં મોવડીમંડળની સત્તા નબળી પડી હતી, જેને કારણે કોંગ્રેસના નેતાઓ નેહરુ-ગાંધી પરિવારની ગુલામીમાંથી બહાર આવી રહ્યા છે. કોંગ્રેસમાં સોનિયા ગાંધી-રાહુલ ગાંધી હજુ કેટલો અંકુશ ધરાવે છે? તેની કસોટી ટૂંક સમયમાં પ્રમુખપદની ચૂંટણી દરમિયાન થવાની છે. અશોક ગેહલોત પ્રમુખપદના ઉમેદવાર તરીકે ગેરલાયક પુરવાર થતાં હવે તેમના કરતાં વધુ વફાદાર નેતાની શોધ ચાલી રહી છે, જેઓ પ્રમુખ બન્યા પછી પણ મોવડીમંડળનો પડ્યો બોલ ઝીલવા તત્પર હોય. આવા નેતાની પસંદગી કર્યા પછી પણ તેમને ચૂંટણી જીતાડવામાં મોવડીમંડળની તાકાત મપાઈ જવાની છે.
જો તેઓ પોતાના ઉમેદવારને નહીં જીતાડી શકે તો તેમની સત્તાનો અંત આવશે. જો તેમનો કોઈ વફાદાર ઉમેદવાર જીતી જાય પણ જીત્યા પછી તે રિમોટ કન્ટ્રોલના પ્રભાવમાંથી બહાર નીકળી જાય તો પણ પરિવારવાદનો અંત આવશે.
ઐતિહાસિક રીતે વિચારીએ તો પણ ૧૯૪૭માં ભારતને આઝાદી મળી તેનાં ૭૫ વર્ષમાં કોંગ્રેસ લગભગ નેહરુ-ગાંધી પરિવારના આધિપત્ય નીચે જ રહેલી છે. ત્યારે પંડિત જવાહરલાલ નેહરુ કોંગ્રેસના સર્વેસર્વા હતા. તેમને સરદાર પટેલ સાથે મતભેદો ચાલતા હતા, પણ સરદારે નેહરુની સત્તાને ક્યારેય સીધો પડકાર કર્યો નહોતો. ૧૯૫૦માં સરદારના ટેકાથી પુરૂષોત્તમ દાસ ટંડન કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા, પણ તેમણે નેહરુ સામે ક્યારેય બળવો કર્યો નહોતો. જ્યારે નેહરુને લાગ્યું કે ટંડન તેમની આજ્ઞામાં નથી, ત્યારે તેમને હોદ્દો છોડવાની ફરજ પાડવામાં આવી હતી. નેહરુનો પ્રભાવ એવો હતો કે ચીનના યુદ્ધમાં પરાજય પછી પણ તેમના નેતૃત્વ સામે કોઈએ પડકાર કર્યો નહોતો. નેહરુ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી કોંગ્રેસના બેતાજ બાદશાહ રહ્યા હતા.
પંડિત જવાહરલાલ નેહરુના મરણ પછી લાલબહાદુર શાસ્ત્રી ભારતના વડા પ્રધાન બન્યા હતા, પણ તેમના કસમયના મરણ પછી કોંગ્રેસ મોવડીમંડળે ઇન્દિરા ગાંધીને વડાં પ્રધાન બનાવ્યાં હતાં. ગૂંગી ગૂડિયા તરીકે ઓળખાતાં ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસના તમામ જૂના જોગીઓને ઘરભેગા કરીને પક્ષના ભાગલા કર્યા હતા અને પોતાના ભાગને અસલી કોંગ્રેસ પુરવાર કરી હતી. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યાં સુધી કોંગ્રેસમાં તેમનું એકચક્રી શાસન ચાલ્યું હતું. તેમની હત્યા પછી રાજીવ ગાંધી દેશના વડા પ્રધાન અને કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા. તેમની ૧૯૯૦માં હત્યા થઇ ત્યાં સુધી તેમની સત્તા હેઠળ કોંગ્રેસ રહી હતી. ૧૯૯૦થી ૧૯૯૮ દરમિયાન સોનિયા ગાંધી સક્રિય રાજકારણમાં આવવા તૈયાર ન હોવાથી કોંગ્રેસનું સુકાન નરસિંહ રાવ અને સીતારામ કેશરીના હાથમાં રહ્યું હતું, પણ તેમણે ક્યારેય સોનિયા ગાંધીની નૈતિક સત્તાને પડકારી નહોતી. ૧૯૯૮માં સોનિયા ગાંધી તૈયાર થઈ ગયાં ત્યારે સીતારામ કેશરીને રાજીનામું આપવાની ફરજ પડી હતી.
૧૯૯૮થી ૨૦૨૨ના ૨૪ વર્ષ દરમિયાન કોંગ્રેસનું સુકાન સીધી કે આડકતરી રીતે સોનિયા ગાંધીના હાથમાં રહ્યું છે. ૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ હતા, પણ ખરી સત્તા તો સોનિયા ગાંધી જ ભોગવી રહ્યાં હતાં. જો રાહુલ ગાંધી રાજકારણમાં પોતાનું કૌવત દાખવી શક્યા હોત તો હજુ ૧૦ વર્ષ તેમના હાથમાં સત્તા રહી હોત, પણ તે મોરચે તેઓ સદંતર નિષ્ફળ રહ્યા છે. હવે કોંગ્રેસ સમક્ષ બે જ વિકલ્પ છે. નેહરુ-ગાંધી પરિવારની ગુલામીમાં રહીને ડૂબી જાવું કે તેમની ગુલામીનો ત્યાગ કરીને તરી જવું. કોઈ પણ રાજકારણી જ્યારે કસોટીની ક્ષણ આવે ત્યારે બીજો જ વિકલ્પ પસંદ કરે છે. કોંગ્રેસે પણ હવે જીવતા રહેવું હશે તો તેનો એક જ વિકલ્પ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.