Columns

ત્રણ બાબતો

દૃશ્ય પહેલું
એક સોસાયટીના ગાર્ડનમાં બે પડોશણો વાતો કરી રહી હતી.હેમાએ કહ્યું, ‘સ્નેહા, લાગે છે મારું વજન થોડું થોડું કરતાં ઘણું વધી ગયું છે.અઠવાડિયાથી વિચારું છું કે રોજ સવાર સાંજ ચાલવાનું શરૂ કરી દઉં.’ સ્નેહાએ કહ્યું, ‘વિચારવાનું બંધ કર અને શરૂઆત કર.જે વિચાર આવ્યો હોય તેને અમલમાં મૂકવો જરૂરી છે.ચલ, અત્યારે ચાર વાગ્યા છે. છ વાગ્યે મને વોકિંગ શુઝ પહેરીને ગાર્ડનમાં ફરી મળ. આજથી જ ચાલવાનું શરૂ કરી દે.નહિ તો જેમ અઠવાડિયાથી વિચારે છે તેમ હજી વિચારતી જ રહીશ.શરૂઆત નહિ કરી શકે.’ હેમા અને સ્નેહા ઘરે ગયાં.ઘરનાં કામ પૂરાં કરી, હેમાએ પોતાના વોકિંગ શુઝ સાફ કર્યા અને છ વાગ્યે ગાર્ડનમાં જઈને સ્નેહાને મળી અને ચાલવાની શરૂઆત કરી.

દૃશ્ય બીજું
અઠવાડિયું રોજ ચાલવાનું નિયમિત કર્યા બાદ હેમાએ સ્નેહાને કહ્યું, ‘ચાલવાથી મને બહુ સારું લાગે છે. હું તને કહું છું કે હવે હું ક્યારેય ચાલવાનું બંધ નહિ કરું.એક દિવસ પણ ખાડો નહીં કરું અને મારું વજન પણ ઘટાડી નાખીશ.મારી મજાક ઉડાડનાર બધાનાં મોં બંધ કરી દઈશ.’ સ્નેહાએ કહ્યું, ‘સારી વાત છે, તું જે કહે છે તે બધું જ બોલવામાં ગમે અને સાંભળવામાં પણ સારું લાગે, પણ માત્ર બોલવાથી કંઈ નથી થતું.તું જે કંઈ અત્યારે બોલી રહી છે તે તારે કરીને બતાવવું પડશે.તું જે બોલે છે તે બધું જ કરીશ તો તારું વજન ચોક્કસ ઊતરી જશે.પછી કોઈ તારી મજાક નહિ કરે.માટે બોલ ઓછું અને કરીને બતાવ વધારે.’ સ્નેહાની વાત સાંભળી હેમા સમજી ગઈ અને સતત ચાલવા પર ધ્યાન આપવા લાગી.

દૃશ્ય ત્રીજું
બે મહિના બાદ હેમાનું આઠ કિલો વજન ઊતરી ગયું હતું, તે બહુ ખુશ હતી.હેમાએ સ્નેહાને કહ્યું, ‘જોયું, હું જે બોલી હતી મેં તને કરીને બતાવ્યું અને આજે હું તને વચન આપું છું કે છ મહિનામાં હું મારું વજન ૨૫ કિલો ઓછું કરી નાખીશ.’ સ્નેહા બોલી, ‘અરે વાહ, બહુ સારી વાત છે, પણ ઠાલાં વચન ન આપ અને મને વચન આપવાની કોઈ જરૂર નથી.તારી જાતને વચન આપ અને પૂરેપૂરું પાળીને બતાવજે.’ હેમાએ પોતાને વચન આપ્યું. વાત બે પડોશણ સખીઓની એક સખીએ બીજીને સરળ, સીધી અને સચોટ રીતે સાચી સલાહ અને પ્રેરણા આપી. આ ત્રણ બાબત યાદ રાખવા જેવી છે, જે હંમેશા દરેકને જીવનમાં ઉપયોગી થશે.યાદ રાખો આ ત્રણ વાત.માત્ર વિચારો નહિ, તુરંત શરૂઆત કરો.બોલ બોલ ન કરો,કરીને બતાવો.ઠાલાં વચન ન આપો,પૂરાં પાળીને સાબિત કરો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top