Comments

મુસલમાનોના કલ્યાણનો એકમાત્ર ઈલાજ માણસાઈ

ગયા અઠવાડિયે બે ઘટના બની. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત દિલ્હીમાં મસ્જીદ અને મદરસાની મુલાકાતે ગયા અને ત્યાં તેમણે મૌલવીઓ સાથે તેમ જ બાળકો સાથે વાતો કરી હતી. તેમણે મુસલમાનોને કહ્યું હતું કે ભારતમાં વસતા દરેક જણ હિંદુ છે જ એટલે હિંદુ બનવા માટે કોઈએ ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી. મુસલમાનો સાથે કોઈ પ્રકારનો ભેદભાવ કરવામાં નહીં આવે. એ પછી તેઓ પાંચ મુસ્લિમ મહાનુભાવોને મળ્યા હતા અને તેમને કહ્યું હતું કે હિન્દુત્વ એક સર્વસમાવેશક વિચારધારા છે, જેમાં દેશમાં વસતા દરેક પ્રજાસમૂહને સમાન દરજ્જો અને સમાન અવસર આપવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતનું બંધારણ સંઘ માટે પવિત્ર ગ્રન્થ છે અને સંઘ તેમાં કોઈ પરિવર્તન કરવા ઈચ્છતો નથી. તેમણે વળી એમ પણ કહ્યું હતું કે જે દેશમાં સંપ ન હોય અને વિખવાદ હોય એ દેશ આગળ ન વધી શકે.

મોહન ભાગવતની મસ્જીદની મુલાકાતમાં પહેલ કોની હતી એ સ્પષ્ટ કહેવામાં આવ્યું નથી, પરંતુ એમ કહેવાય છે કે એમાં મોહન ભાગવતે પહેલ કરી હતી. પાંચ મુસ્લિમ મહાનુભાવોએ તો સામેથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે પહેલ તેમની હતી અને તેમણે મોહન ભાગવતની મુલાકાત માગી હતી. દેશમાં મુસલમાનો જ્યારે ગેરસમજનો ભોગ બનીને રાજકીય અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે, એક પ્રકારની ભીંસમાં છે ત્યારે હિંદુ બહુમતી કોમ સાથે સંવાદ સાધવો જરૂરી છે. તેમણે મુસલમાનોની વધતી વસ્તી અને એકથી વધુ પત્ની કરવાનો રિવાજ કેવળ એક પ્રચાર છે અને તેમાં કોઈ તથ્ય નથી એ પ્રમાણો સાથે બતાવ્યું હતું અને મોહન ભાગવતે તેમની દલીલ સ્મિત સાથે સ્વીકારી હતી.

સંવાદની જ્યારે વાત આવે ત્યારે કેટલાંક લોકો રાજી થઈ જતાં હોય છે. એમાં માનસિક સુખ મળે છે. સંવાદ સાધવો જોઈએ, એકબીજાના દૃષ્ટિકોણ સમજવા જોઈએ, સેતુ બાંધવા જોઈએ વગેરે. આવા જ કોઈક ભોળપણથી પ્રેરાઈને કે પછી મજબૂરી સમજીને મુસ્લિમ મહાનુભાવો મોહન ભાગવતને મળવા ગયા હતા. સંવાદ શ્રેષ્ઠ સાધન છે અને આજે દેશમાં જે રાજકીય સ્થિતિ છે એમાં મુસલમાનો માટે સંવાદ કરવા સિવાય બીજો વિકલ્પ પણ શો છે? હવે કદાચ તેમને લાગવા માંડ્યું હશે કે આવનારા દશક-બે દશક માટે હિન્દુત્વવાદીઓ રાજ કરવાના છે માટે તેમની મરજી જીતવી જરૂરી છે જેમ ૧૮૫૭ના નિષ્ફળ વિદ્રોહ પછી સર સૈયદ અહમદ ખાનને અંગ્રેજોની બાબતે લાગ્યું હતું.

મોહન ભાગવત સામે ચાલીને મુસલમાનોને મળવા ગયા એમાં તેમની મજબૂરી સમજી શકાય એમ છે. સંઘપરિવાર જાણે છે કે ૨૦૨૪ની ચૂંટણીમાં ગાબડું પડશે તો તેમના મતોમાં પડવાનું છે, વિરોધીઓના મતમાં પડવાનું નથી. વિરોધી હિંદુ નાગરિકો સંગઠિત થઈ રહ્યા છે અને આક્રમક થઈ રહ્યા છે. નીતિન ગડકરી અટલબિહારી વાજપેયીની જેમ ડાહીડાહી વાતો કરવા લાગ્યા છે. ૨૦૨૪માં ઉકળતા દૂધની ઉપર ડહાપણની મલાઈ જામેલી જોવા મળશે. જો એમાં સફળતા મળી અને પાછા સત્તામાં આવ્યા તો પાછી મલાઈ તારવી લેવામાં આવશે.

ખાસ કરીને જે પાંચ મુસ્લિમ મહાનુભાવ મોહન ભાગવતને સામેથી સમય માગીને મળવા ગયા હતા એમાંના બે સનદી અધિકારીઓ હતા અને એક પત્રકાર છે. તેઓ આ બધું જ જાણે છે. મુસ્લિમ મહાનુભાવોના પ્રતિનિધિમંડળમાંના એક એસ. વાય. કુરેશી ચૂંટણીપંચના વડા હતા અને તેમણે ભારતમાં મુસલમાનોની વસ્તી ઉપર એક પુસ્તક પણ લખ્યું છે. મોહન ભાગવત સાથે તેમણે જ ચર્ચા સૌથી વધુ કરી હતી. તેમણે પ્રમાણો સાથે જ્યારે કહ્યું કે મુસલમાનોની વસ્તીવધારાની વાતમાં કોઈ તથ્ય નથી અને માત્ર કોમને બદનામ કરવા માટેનો ખોટો પ્રચાર છે ત્યારે મોહન ભાગવતના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું હતું. એ સ્મિતમાં જે કબુલાત નજરે પડે છે એ એસ. વાય. કુરેશીને નહીં નજરે પડી હોય? પડી તો હશે જ.

આ સિવાય સંઘનો અનેક મોઢે બોલવાનો અને ગમે તેની સાથે વિશ્વાસઘાત કરવાનો ઈતિહાસ પણ તેઓ જાણતા હોવા જોઈએ અને એ છતાંય તેઓ મળવા ગયા હતા. સામેથી સમય માગીને મળવા ગયા હતા. આનાં કારણો એસ. વાય. કુરેશીએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં ખુલાસાનો લેખ લખીને આપ્યાં છે. એ લેખમાં તેમણે પ્રામાણિકતાપૂર્વક કબૂલ કર્યું છે કે જ્યારે આખી મુસ્લિમ કોમ ભીંસમાં હોય, આર્થિક-સામાજિક-રાજકીય રીતે હાંસિયામાં હોય ત્યારે બહુમતી કોમ સાથે સંવાદ સાધવા સિવાય બીજો વિકલ્પ શો છે?

વાત સંવાદની છે. મોહન ભાગવતના સ્મિતમાં જ આનું પ્રમાણ મળી જાય છે. જો આધુનિક દૃષ્ટિકોણ ધરાવનારા મુસ્લિમ આગેવાનો ગેરસમજ દૂર કરવા માગતા જ હોય અને તેમાં તેઓ પ્રામાણિક હોય તો તેમણે એવા હિંદુઓના માનસમાંથી ગેરસમજ દૂર કરવી જોઈએ જેઓ હિંદુ કોમવાદી નથી. તેઓ મુસલમાનો માટે સહાનુભૂતિ ધરાવે છે અને સહાનુભૂતિ નથી ધરાવતા તો અહિત તો ઈચ્છતા જ નથી. હિંદુ અને મુસલમાન શાંતિપૂર્વક સાથે રહે અને દેશ આબાદ થાય એમ તેઓ ઈચ્છે છે. તેઓ હિન્દુત્વવાદીઓની જેમ સ્થાયી સ્વરૂપે મુસ્લિમવિરોધી નથી. આવા હિંદુઓ મોટી સંખ્યામાં છે જેઓ મુસલમાનોના દુશ્મન નથી, પણ મુસલમાનોના વલણના કારણે પ્રતિક્રિયામાં આવીને મુસ્લિમવિરોધી થયા છે.

વળી તેઓ માત્ર અને માત્ર ઇસ્લામ અને મુસ્લિમો માટે ગેરસમજ ધરાવે છે એવું નથી, કેટલીક સમજ પણ ધરાવે છે અને એ સમજના પ્રશ્નો સાચા છે. એના વિષે ખુલાસા મળવા જોઈએ. સંવાદ વિવેકી મુસલમાનોએ પ્રતિક્રિયાગ્રસ્ત હિંદુઓ સાથે કરવો જોઈએ. પણ એને માટે એક મૂળભૂત જરૂરિયાત છે અને એ જરૂરિયાત છે જરૂર પડ્યે ધર્મની ઉપરવટ જઇને માણસાઈના પડખે ઊભા રહેવું. આ લખનાર અને આ લખનાર જેવા લાખો હિંદુઓ આ ધર્મ નિભાવે છે. વિવેકી હિંદુઓનો બુલંદ અવાજ તો સંભળાતો હશે! મુસલમાનોએ ભીંસ અને હાંસિયામાંથી બહાર નીકળવું હોય તો એ લોકો સાથે સંવાદ કરવાનો કોઈ અર્થ નથી જેઓ મુસલમાનોને જાણીબૂઝીને હાંસિયામાં ધકેલી રહ્યા છે. પણ હા, સાર્થક સંવાદ માટે ઉપર કહી તે શરત અનિવાર્ય છે: જરૂર પડ્યે ઇસ્લામની ઉપરવટ જઈને માણસાઈનો પક્ષ લેવો. મુસલમાનોના કલ્યાણનો આ જ એકમાત્ર ઈલાજ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top