રાજુ શ્રીવાસ્તવની અચાનક વિદાયથી સહુ સ્તબ્ધ છે. ગયા બુધવારે ૨૧મી સપ્ટેમ્બરે તેણે વિદાય લીધી પણ ૪૨ દિવસ પહેલાં, ૧૦ ઓગસ્ટે હાર્ટ એટેક આવ્યો ત્યારથી જ તેનું જીવન તો અટકી ગયેલું. જો તે પાછો આવ્યો હોત તો હોસ્પિટલના અનુભવ પરથી તેણે આગવા નિરીક્ષણથી સહુને હસાવ્યા હોત. તેનો આ જ મિજાજ હતો. હસાવવા માટે તેને તૈયાર જોકસની કયારેય જરૂર નહોતી પડી. તેને ફિલ્મસ્ટાર્સની મિમિક્રી કરવાની પણ જરૂર નહોતી પડી. તે બહુ મૌલિક હતો. અને આ કારણે જ કાનપૂરનો એ યુવક ૧૯૮૦ માં મુંબઇ આવ્યો ત્યારે પોતાના સંઘર્ષ વચ્ચે પણ ગોઠવાયો. ફિલ્મોમાં તેને કયારેય મોટી ભૂમિકા ન મળી કારણકે તે કોમેડી જરૂર કરી શકયો પણ અભિનેતા નહોતો. સ્ટેન્ડઅપ કોમેડી જુદી છે ને અભિનયથી થતી કોમેડી જુદી છે. રાજુ શ્રીવાસ્તવ મહેમૂદ નહોતો કે દેવેન વર્મા પણ નહોતો. પરંતુ તે યાદ રહેશે સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે.
કપિલ શર્મા ખૂબ લોકપ્રિય છે તેની ના નહીં અને તેના કારણમાં તેની કોમેડી – સેન્સ હોવા ઉપરાંત તેના શોમાં લોકપ્રિય ફિલ્મસ્ટાર્સની કાયમ હાજરી હોય તે છે. રાજુ શ્રીવાસ્તવે આવા શો નથી કર્યા પણ આજે કહી શકશો કે તે કપિલ શર્મા પહેલાં જેને પહેલી લોકપ્રિયતા મળેલી તે રાજુ શ્રીવાસ્તવને જ મળેલી. ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ’ જયારે ૨૦૦૫ માં આવવો શરૂ થાય ત્યારે દેશને કેટલાંક સ્ટેન્ડઅપ કોમેડીયનો મળ્યા તેમાં સૌથી તેજસ્વી રાજુ શ્રીવાસ્તવ જ હોવાનું બધાએ અનુભવેલું. તેમાં જો કે તે સેકંડ રનરઅપ રહેલો અને હકીકતે પણ કપિલ પછી તે બીજો જ રહ્યો. તેણે અનેક પ્રકારનું હાસ્ય સર્જયું ને તે પોતાના નિરીક્ષણ આધારીત હતું. માનવમન, તેના વ્યવહાર, તેના સંજોગોને તેણે બહુ ઝીણી રીતે જોયા. તેણે દાઉદ ઇબ્રાહીમ જેવા અંડરવર્લ્ડ ડોન પર પણ હાસ્ય સર્જયું ને ત્યારે તેની પર પાકિસ્તાનથી ધમકીભર્યા ફોન આવેલા કે દાઉદ પર જોકસ ન થવા જોઇએ. ખેર! વાત તો તેની કોમેડી કેવી અસરકારક હતી તેની છે અને એ કારણે જ ૨૦૦૯ માં તેણે ૨૮૦૦ લાઇવ શો કર્યા હતા. ભારતમાં બધેબધથી તેની ડિમાંડ આવતી.
રાજુ શ્રીવાસ્તવે ગજોધર ભૈયા તરીકે પોતાની ખાસ ઓળખ ઊભી કરી હતી પણ તે પહેલાં ૧૯૯૪ ની ‘દેખ ભાઇ દેખ’ વડે ટી.વી. જગતમાં પ્રવેશ કરી ચુકયો હતો. ૧૯૯૮ માં મુકેશ ખન્નાના ‘શકિતમાન’માં તે રિપોર્ટર ધુરંધરસિંહ તરીકે દેખાયેલો. ફિલ્મોમાં તે ૧૯૮૮ થી કામ કરતો હતો અને ‘તેજાબ’ તેની આરંભિક ફિલ્મ હતી. ‘મૈંને પ્યાર કિયા’, ‘બાજીગર’, ‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’, ‘મેં પ્રેમકી દીવાની હું’ પણ તેણે પ્રેક્ષકોને હસાવેલા. રાજુ શ્રીવાસ્તવે પોતાની લોકપ્રિયતાને રોકડી કરવા ૨૦૧૪ માં રાજકારણમાં પ્રવેશ કર્યો તે ખોટો નિર્ણય હતો. એ વખતે સમાજવાદી પક્ષે લોકસભાની ચૂંટણી માટે તેને ટિકીટ આપેલી પણ તેણે ના પાડેલી અને પછી ભાજપા શામિલ થયો હતો.
વડાપ્રધાન મોદીએ તેને સ્વચ્છ ભારત અભિયાન માટે નોમિનેટ કર્યો હતો. રાજુ શ્રીવાસ્તવ જયારે કપિલ શર્મા શોમાં આવ્યો છે ત્યારે કપિલે તેને માન આપ્યું છે. તેણે આ શોમાં તેનું ગજોધર નામનું પાત્ર પણ ભજવેલું અને અમિતાભના ડાયલોગ ‘મેરે પાસ મા હે’ની મિમિક્રી પણ કરેલી. રાજુએ પત્ની શીખા સાથે ‘નચ બલિયે’ની છઠ્ઠી સીઝનમાં ભાગ લીધો હતો. બંને ૧૯૯૩ માં પરણ્યા હતા અને તેમને બે સંતાનો છે. અંતરા અને આયુષ્યમાન. રાજુના જવાથી આ બધા એકલા પડી ગયાછે પણ માત્ર બે દાયકા દરમ્યાન જ રાજુએ કોમેડી વડે કુટુંબને જે રીતે આર્થિક સમૃધ્ધિ આપી છે તે તેમને સલામતી આપશે.