Charchapatra

રાણી વિકટોરિયાના લગ્નની વાત

રાણી વિકટોરીઆનો જન્મ ૨૪-૫-૧૮૧૯ માં થયો હતો. તેઓ કવીન એલીઝાબેથનાં દાદીમા થતાં હતાં. રાણી વિકટોરિયાએ ૬૪ વર્ષ સુધી (૧૮૩૧ થી ૧૯૦૧) બ્રિટન પર રાજય કર્યું હતું. રાણી વિકટોરિયાએ આર્થિક અને રાજકીય દૃષ્ટિએ બ્રિટનને ઘણું મજબૂત બનાવ્યું હતું. ૧૮૪૦ માં રાણી વિકટોરિયાના પ્રિન્સ આલ્બર્ટ સાથે લગ્ન થયાં. એક વિશાળ સામ્રાજયની રાણી ચર્ચમાં આવી ત્યારે લગ્નવિધિ પ્રમાણે એણે પ્રતિજ્ઞા લેવાની હતી કે એ પતિની આજ્ઞાનું પૂરેપૂરું પાલન કરશે. લગ્નવિધિ કરાવનાર પાદરીને થયું કે એક વિશાળ સામ્રાજયની રાણી સાધારણ પ્રિન્સને પરણી રહી છે, ત્યારે આ પ્રતિજ્ઞા પાદરની યોગ્ય લાગી નહિ. તેથી પાદરીએ મહારાણીને ધીમેથી કાનમાં કહ્યું કે આપ જો આદેશ આપો તો આ પ્રતિજ્ઞાને વિધિમાંથી રદ કરીએ. બ્રિટન જેવા મહાન રાષ્ટ્રની રાણી આવી પ્રતિજ્ઞા લે તે યોગ્ય લાગતું નથી.

ત્યારે મહારાણી વિકટોરિયાએ પાદરીને કહ્યું કે ‘જુઓ, હું અહીં બ્રિટિશ સામ્રાજયની મહારાણી વિકટોરિયા તરીકે બેઠી નથી, પણ લગ્ન કરવા આવનાર એક કન્યા તરીકે બેઠી છું. માટે વિધિ પ્રમાણે જ તમે મને એ પ્રતિજ્ઞા લેવડાવો.’ પ્રિન્સ આલ્બર્ટ પણ વિદ્વાન વ્યકિત હતા. તેઓ રાણીને રાજકીય ફરજો બજાવવામાં ખૂબ સહાય કરતા હતા. ૧૮૬૧ માં પ્રિન્સ આલ્બર્ટનું અવસાન થયું. એમના અવસાન બાદ રાણી વિકટોરિયાએ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું બંધ કર્યું અને ઘણાં વર્ષો સુધી કાળો પોશાક પહેર્યો હતો! મુંબઇનું વિકટોરિયા ટર્મિનસ સ્ટેશન આ બ્રિટનની મહારાણી વિકટોરિયાના નામ પરથી રાખ્યું હતું. ૧૯૯૬ માં આ નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નામ આપ્યું.
સુરત ડો. કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top