ગણદેવી : વર્ષોથી ગણદેવીમાં (Gandavi) વસવાટ કરતા તેલુગુ સમાજના (Telugu Samaj) ગરબામાં ગુજરાતી મહેક લોક આકર્ષણનું કેન્દ્ર બની છે.ગણદેવી તેલુગુ સમાજ નવરાત્રીને (Navratri) બતુકમ્મા પંડુગા (Batukamma Panduga) તરીકે ઉજવે છે. ‘બોડડેમ્માં’ અને ‘સદુલાબતુકમ્માં’ના નામે ઉજવણી કરે છે. હળદર અને કંકુથી બનાવેલી ઢીંગલીનું ગોરમ્માં રૂપે પૂજન કરવામાં આવે છે. અહીં કુંવારીકાઓ આસો સુદ પડવાથી આઠમ સુધી ગરબે ઘૂમે તેને બોડડેમ્માં કહેવાય છે. ગણદેવી ગૌરવપથ નજીક તેલુગુ સોસાયટી અને નવી તેલુગુ સોસાયટી, ખત્રીવાડમાં તેમજ બીલીમોરા દેસરા સરકારી ગોડાઉન પાસે પદ્મશાલી સોસાયટીમાં રહેતા દક્ષિણ ભારતીય તેલુગુ સમાજ નવરાત્રીએ ‘બતુકમ્મા’ તરીકે પૂજન કરી ઉજવણી કરે છે.
ઢીંગલીને માતાજી સ્વરૂપે મૂકીને ગરબા ગાય છે
તબક્કામાં ઉજવાય છે પહેલા આસો સુદ પડવાથી આઠમ સુધી માત્ર કુવારી કન્યા ગરબે ઘૂમે છે. જેને ‘બોડડેમ્માં’ કહેવાય છે. આ દિવસોમાં કુવારીકાઓ માટેની ગોળાકાર આકારની ઘટતી સંખ્યામાં પર્વત આકારની ઢીંગલીને માતાજી સ્વરૂપે મૂકીને ગરબા ગાય છે. ‘બતુકમ્માં’ના બીજા તબક્કામાં નોમનો અંતિમ દિવસ હોય છે. પરીણીતા નોમનાં રોજ પરીવારની સુખ શાંતિ માટે ગરબે ઘૂમે તેને ‘સદુલા બતુકમ્માં’ માં કહેવાય છે.
હળદર અને કંકુથી ઢીંગલી બનાવે છે. આ ઢીંગલીને ‘ગૌરમ્મા’માં કહેવાય છે
નવરાત્રિએ કુમારિકા તેમજ બધી જ પરિણીતાઓ ખૂબ જ આનંદ સાથે ગરબાના આનંદ સાથે જોડાય છે. આ દિવસે મહિલાઓ બતુકમ્માંની થાળીમાં નીચે પાંદડા મૂકીને તેના ઉપર રંગબેરંગી વિવિધ પ્રકારના ફૂલો દ્વારા પર્વત જેવો આકાર આપી તેના ઉપર હળદર અને કંકુથી ઢીંગલી બનાવે છે. આ ઢીંગલીને ‘ગૌરમ્મા’માં કહેવાય છે. ફૂલોમાં વિરાજમાન દીપથી સજાવટ કરી પટાંગણમાં મૂકી શેરી મહોલ્લામાં મોટું ગોળ કુંડાળું કરી તેલુગુ સમાજની મહિલા દ્વારા ગરબા રમે છે. બાદમા મોડી રાત્રે વિસર્જન કરાય છે. એવી સમાજની અનોખી માન્યતા સાથે આ પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી કરવાથી કુમારિકાઓને મનપસંદ ભરથાર મળે છે અને સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે. સમગ્ર તાલુકામાં તેલુગુ ગરબાએ આકર્ષણ જમાવ્યું હતું.
ચીખલી પંથકમાં 31 મીમી વરસાદથી ઠેરઠેર પાણી ભરાતા મંડપ, લાઇટિંગ સહિતનાને નુકશાન
ચીખલી પંથકમાં છેલ્લા બે – ત્રણ દિવસથી વાતાવરણ ખુલી ગયુ હતું. અને દિવસભર તડકો જોવા મળી રહ્યો હતો. આ દરમ્યાન સોમવારના રોજ નવરાત્રિના પ્રથમ દિવસે જ કાળા ડિબાંગ વાદળો છવાવા સાથે ઘનઘોર વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટા આવતા સમગ્ર પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો.ચીખલીમાં હાઇસ્કુલ ગ્રાઉન્ડ સહિત ગામે – ગામ નવરાત્રિના આયોજન થયા છે ત્યારે વરસાદના આગમનથી આયોજકોની મુશ્કેલી વધવા પામી હતી.
પ્રથમ દિવસે જ ખેલૈયાઓના રંગમાં ભંગ
ચીખલીમાં બપોરના સમયે પવનના સૂસવાટા સાથે ધોધમાર વરસાદ વરસતા ઠેરઠેર પાણી -પાણી થઇ ગયા હતા અને વાતાવરણ પણ ઠંડુગાર બની ગયું હતું નવરાત્રિના સ્થળે મંડપ, લાઇટિંગ સહિતનાને પણ વરસાદથી નુકશાન થયું હતું. બીજી તરફ મેદાનમાં કાદવની સ્થિતિ ઊભી થતા નવરાત્રિના પ્રથમ દિવસે જ ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.