સુરત : સુરત (Surat) રેલવે સ્ટેશન (Railway Station)ની ટિકીટ બારી પાસેથી ઝેરી દવા(Poisonous medicine) પીધેલી હાલતમાં મળી આવેલા મુળ ઉત્તર પ્રદેશના પ્રેમીપંખીડા(Love Birds) પૈકી 14 વર્ષિય પ્રેમિકાનું બે દિવસ પહેલા સ્મીમેર હોસ્પિટલ (Smimmer Hospital) માં મોત નિપજ્યું હતું. જ્યારે પ્રેમીનું ગતમોડી રાત્રે સ્મીમેર હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે રેલવે પોલીસે અકસ્માત મોત નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
14 વર્ષીય પ્રેમીકા અને 22 વર્ષીય પ્રેમી સુરત રેલવે સ્ટેશન ઉપર બેભાન હાલતમાં મળ્યા હતાં
રેલવે પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મુળ ઉત્તર પ્રદેશના મિરઝાપુરના વતની સુરજ મનુરાય ભારતી (ઉ.વ.22) અને તેની 14 વર્ષિય પ્રેમિકા મૌની ગઇ તા.23મીના રોજ સુરત રેલવે સ્ટેશન ટિકીટબારી પાસેથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. બંનેને સારવાર માટે 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં મૌનીનું મોત નિપજ્યું હતું. જ્યારે સુરજ ભારતી સારવાર હેઠળ હતો. જ્યાં શનિવારે રાત્રિના 3 વાગ્યે સુરજ પણ મોતને ભેટતા બંનેના પરિવારજનો ઉપર દુ:ખનું આભ ફાટ્યું હતું. આ મામલે રેલવે પોલીસ નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉત્તર પ્રદેશ પોલીસ સગીરાના પરિવારને લઇ સુરત પહોંચી
સગીર વયે પ્રેમ પ્રકરણમાં જીવ ગુમાવનાર 14 વર્ષિય મૌનીનો પરિવાર ઉત્તર પ્રદેશમાં ખેત મજુરી કામ કરતો હતો. મૌનીને પ્રેમી સુરજ ભારતી ટ્રેનમાં સુરત ભગાડી લાવ્યો હતો. બીજી તરફ ઉત્તર પ્રદેશ પોલીસમાં સગીરાના પરિવારજનો દ્વારા અપહરણનો ગુનો નોંધાવાયો હતો. સગીરાનાં પરિવારજનો અને ઉત્તર પ્રદેશ પોલીસને બનાવની જાણ થતા તેઓ યુ.પી. પોલીસ સાથે આજરોજ સુરત રેલવે પોલીસ મથકે પહોંચ્યા હતા.
યુ.પી.થી પ્રેમી પંખીડાએ ઝેરી દવા પીધી હોવાનું અનુમાન
આ બનાવ અંગે તપાસ કરતા રેલવે પોલીસના નિતીન વસાવાએ જણાવ્યું હતું કે, સુરજ ભારતી અંકલેશ્વરની કોઇક કંપનીમાં નોકરી કરતો હતો. તે થોડા દિવસ પહેલા જ વતન ગયો હતો અને ચાર-પાંચ દિવસ પહેલા પ્રેમિકાને લઇ ભાગ્યો હતો. બંને જણાએ સુરત આવતા ટ્રેનમાં જ દવા પીધી હોવાનું અનુમાન છે. ટ્રેનમાંથી આવતા આવતા સગીરાને 15 થી 20 વખત વોમિટીંગ થઇ હતી. બંને સુરત પહોંચ્યા બાદ ટિકીટબારી પાસેથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા.