કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ (Congress Nationa President) પદને લઈને શરૂ થયેલો રાજકીય (Politics) ખેલ રવિવારે ધારાસભ્યોના (MLA) રાજીનામા સુધી પહોંચી ગયો હતો. કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં અશોક ગેહલોતની (Ashok Gehlot) એન્ટ્રી બાદ રાજસ્થાનના નવા સીએમને લઈને રાજકીય ભૂકંપ સર્જાયું છે. ગેહલોત ગ્રૂપ સચીન પાયલટને (sachin Pilot) સીએમ પદ સોંપવાની ફેવરમાં નથી. રાજસ્થાનના મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે 92 ધારાસભ્યોએ તેમના રાજીનામા પર હસ્તાક્ષર કર્યા છે. આ તમામ સ્પીકરના ઘરે જઈ રહ્યા છે. ખાચરીયાવાસે કહ્યું કે તમામ ધારાસભ્યો નારાજ છે અને રાજીનામું આપી રહ્યા છે. અમે આ માટે સ્પીકર પાસે જઈ રહ્યા છીએ. ધારાસભ્યો નારાજ છે કે સીએમ અશોક ગેહલોત તેમની સાથે ચર્ચા કર્યા વિના નિર્ણય કેવી રીતે લઈ શકે?
નવા મુખ્યમંત્રીના અભિપ્રાય માટે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં ધારાસભ્યો સીએમ હાઉસ પહોંચ્યા હતા. તે જ સમયે ગેહલોત તરફી ધારાસભ્યોએ મંત્રી શાંતિ ધારીવાલના ઘરે ધામા નાંખ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ચીફ વ્હીપ મહેશ જોશી અને ડેપ્યુટી ચીફ વ્હીપ મહેન્દ્ર ચૌધરીએ ધારાસભ્યોને ધારીવાલના ઘરે બોલાવ્યા હતા. સીએમના સલાહકાર સંયમ લોઢાએ કહ્યું કે જે લોકોએ ભાજપની મદદથી સરકારને તોડવાની કોશિશ કરી તેમાંથી કોઈને પણ સીએમ ન બનાવાય. અમે સીધા સ્પીકર પાસે જઈશું અને રાજીનામું આપીશું તેવો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો.
બીજી તરફ મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્ય પ્રભારી અજય માકન અને ઓબ્ઝર્વર મલ્લિકાર્જુન ખડગેને મળવા હોટલ પહોંચ્યા હતા. ટૂંકી મુલાકાત બાદ ત્રણેય સીએમ હાઉસ પહોંચ્યા હતા. સચિન પાયલોટ અને તેમના કેમ્પના ધારાસભ્ય ધારાસભ્ય દળની બેઠક માટે પહોંચ્યા હતા.
કોંગ્રેસમાં સીએમ બદલવાના મુદ્દે ગેહલોત તરફી ધારાસભ્યોએ સામૂહિક રાજીનામાની ધમકી આપી છે. મંત્રી શાંતિ ધારીવાલના ઘરે મળેલી બેઠકમાં ગેહલોત જૂથના ધારાસભ્યો સ્પીકર સીપી જોશીને મળ્યા અને તેમના રાજીનામા સબમિટ કરવાની વ્યૂહરચના બનાવી હતી. ગેહલોત જૂથના કેટલાક ધારાસભ્યોએ ધારાસભ્ય દળની બેઠકનો બહિષ્કાર કરવાની સલાહ આપી છે. આ બેઠકમાં 50થી વધુ ધારાસભ્યો હાજર રહ્યા હતા.
વિધાયક દળની બેઠક પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે આવી બેઠકોમાં અમે એક લીટીનો ઠરાવ પસાર કરીએ છીએ કે હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. અહીં મંત્રી રાજેન્દ્ર ગુડા ધારીવાલના બંગલાના ગેટથી પરત ફર્યા હતા. તેમણે કહ્યું કે અહીં 101 ધારાસભ્યો નથી.