SURAT

105 વિદ્યાર્થી પર રાજ્યના શિક્ષણવિદ્દોની નજર હોવાથી શિક્ષકોએ તૈયારી કરાવવા કમર કસી

સુરત: રાજ્યમાં પહેલી વખત દ્વિભાષી માધ્યમના 105 વિદ્યાર્થી (Student) ધોરણ-10ની આગામી માર્ચ મહિનામાં લેવાનારી શિક્ષણ બોર્ડની મુખ્ય જાહેર પરીક્ષા (Exam) આપશે. ગુજલીશ મુજબ આ પરીક્ષાના ગણિત અને વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર અંગ્રેજી ભાષામાં તથા અન્ય વિષયના પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં આવશે. તેવામાં જ આખા રાજ્યના શિક્ષણવિદોની નજર 105 વિદ્યાર્થીઓ પર હોવાથી શિક્ષકોએ (Teacher) તૈયારી કરાવવામાં કોઇ કસર છોડી નથી. શિક્ષકો પોતાના હાથેથી લખેલી નોટ્સ (Notes) વિદ્યાર્થીઓને આપી પરીક્ષાની તૈયારી કરાવવામાં મદદ કરી રહ્યા છે. એટલું જ નહીં, શાળાના છૂટ્યા બાદ સ્પેશિયલ ક્લાસ (Special Class) આપીને પણ વિદ્યાર્થીઓના ડાઉટ્સ સોલ્વ કરી રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં માતૃભાષા ગુજરાતીને જીવંત રાખવા સાથે ગુજરાત શિક્ષણ બોર્ડની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષામાં સારો દેખાવ કરી શકે એ માટે રાજ્યમાં સૌથી પહેલા સુરતની શાળાઓએ ગ્લોબલ ગુજરાતી માધ્યમ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. જે પછી રાજ્ય શિક્ષણ વિભાગે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને જોતાં રાજ્યની શાળાઓને દ્રિભાષી માધ્યમ શરૂ કરવા માટે મંજૂરી આપી હતી. દ્વિભાષી માધ્યમને ગ્લોબલ ગુજરાતી માધ્યમ અને ગુજલીશ એમ બંને નામથી ઓખળાય છે.

દરમિયાન ભૂલકાં ભવન, ભૂલકાં વિહાર અને જીવન ભારતી શાળાના દ્વિભાષી માધ્યમના 105 વિદ્યાર્થી રાજ્યમાં પહેલી વખત ધોરણ-10ની શિક્ષણ બોર્ડની મુખ્ય જાહેર પરીક્ષામાં બેસવા જઈ રહ્યા છે. જે પરીક્ષાના પરિણામથી દ્વિભાષી માધ્યમને સફળતા મળનારી છે. જેથી શિક્ષકોએ 80 % જેટલો અભ્યાસક્રમ પૂર્ણ કરી વિદ્યાર્થીઓને તૈયારી પણ શરૂ કરાવી દીધી છે. શિક્ષકો પોતે જ હાથથી ચેપ્ટરવાઇઝ નોટ્સ બનાવી રહ્યા છે અને તેની ઝેરોક્ષ કરીને વિદ્યાર્થીઓને આપી રહ્યા છે. ઉપરાંત ચેપ્ટર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓની કસોટી પણ લઈ રહ્યા છે અને વિદ્યાર્થી જે પણ ચેપ્ટરમાં નબળો હોય તો તેનો સ્પેશિયલ ક્લાસ મૂકીને અભ્યાસ કરાવી રહ્યા છે તથા ડાઉ્ટ સોલ્વ કરવા માટે શાળા છૂટ્યા બાદ સ્પેશિયલ ક્લાસ પણ લઇ રહ્યા છે.

પ્રથમ કસોટીના પરિણામથી વિદ્યાર્થીઓનું પ્રાથમિક ચિત્ર બહાર આવશે
આગામી 10 ઓક્ટોબરથી શાળાઓમાં પ્રથમ કસોટી શરૂ થશે. જેથી દ્વિભાષી માધ્યમની ત્રણેય શાળાઓએ શિક્ષણ બોર્ડની પદ્ધતિથી પહેલી કસોટી લેવાનો નિર્ણય કર્યો છે. એમાં 80 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. એટલું જ નહીં, ગણિત અને વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર અંગ્રેજી ભાષામાં તથા અન્ય પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં રહેશે. ત્રણેય શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે, પ્રથમ કસોટીના પરિણામ આધાર પર દ્વિભાષી માધ્યમના વિદ્યાર્થી શિક્ષણ બોર્ડની ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષામાં કેવો દેખાવ કરશે? તેનું ચિત્ર સ્પષ્ટ થશે અને જે પણ નબળાઇ આવશે તેને પાંચ મહિનામાં દૂર કરાશે.

10મીથી પ્રથમ કસોટી શરૂ, પણ ખાનગી શાળાઓ 5મીથી શરૂ કરશે
શિક્ષણ બોર્ડે પ્રથમ કસોટી 10 ઓક્ટોબરથી લેવાની શાળાઓને સૂચના આપી છે. જેથી ગ્રાન્ટેડ શાળાઓ 10 ઓક્ટોબરથી પરીક્ષા લેવા જઇ રહી છે. પરંતુ ખાનગી શાળાઓ પાંચમી ઓક્ટોબરથી શરૂ કરી રહી છે. હાલમાં સેન્ટ્રલ બોર્ડની શાળાઓની પ્રથમ કસોટી ચાલી રહી છે.

Most Popular

To Top