જમાનો બદલાયો છે એની સાથે લોકોની વિચારસરણી બદલાઈ છે. આજે વિચારોથી ઉચ્ચ શિક્ષિત કેટલાય લોકો બાળકીના જન્મને સહર્ષ સ્વીકારે છે પણ એક સમય એવો હતો અને આજે પણ કેટલાક અંશે પરિવારમાં દીકરીના જન્મ પર નિરાશા છવાય જાય અને દીકરાના જન્મ પર મીઠાઈઓ વહેંચવામાં આવે. પ્રાચીન સમયની વાત કરવામાં આવે તો ત્યારે સ્ત્રીઓને સમાજમાં ગૌરવપૂર્ણ સ્થાન આપવામાં આવતું. સમાજ પિતૃપ્રધાન નહીં પણ માતૃપ્રધાન કહેવાતો. પ્રાચીન ભારતીય સમાજમાં પુત્રનું મહત્ત્વ હતું પણ પુત્રીઓને સમાન અધિકાર અને સન્માન મળતું. મનુસ્મૃતિમાં પણ દીકરી માટે મિલકતમાં ચોથા ભાગનું વિધાન થયું છે. ઉપનિષધ કાળમાં પુરુષોની સાથે સ્ત્રીઓને પણ શિક્ષિત કરવામાં આવતી. લવ-કુશની સાથે આત્રેયી ભણતી હતી. નારી પણ સૈનિક તરીકેની તાલીમ લેતી હતી. પ્રાચીન સમયમાં ગાર્ગી, મૈત્રીય ઘણું આગળ પડતું સ્થાન ધરાવતી હતી. મહાભારત કાળથી મહિલાઓની સ્થિતિ કથળવા લાગી મધ્યકાલીન યુગ આવતા-આવતા નારી પુરુષની ગુલામ બની ગઈ. સ્ત્રીની સ્થિતિ બદતર બનતી ગઈ. મધ્યકાલીન યુગમાં તો દીકરીને દૂધ પીતી કરવામાં આવતી, સતીપ્રથા અસ્તિત્વમાં હતી. હવે ફરી જમાનો બદલાયો છે. હવે ઘણાય પરિવારો દીકરા-દીકરીના જન્મને લઈને ભેદભાવ નથી કરતા. હવે તો નાના પરિવારમાં માનતા લોકો પહેલું બાળક દીકરો હોય કે દીકરીને સ્વીકારીને ફેમિલી આગળ વધારવામાં નથી માનતા. એક બાળક પર અટકી જાય છે. આજે લગભગ તમામ ક્ષેત્રમાં મહિલાઓએ પગરણ માંડી દીધા છે. આમ છતાં આપણા ભારતીય સમાજમાં આજે પણ એવું ચિત્ર જોવા મળે છે જેમાં પુરુષ બાળક પ્રીફર કરાય છે. દીકરાને ઊડવા માટે આકાશ આપવામાં આવે છે પણ દીકરીને અમુક ભયસ્થાનો બતાવી તેને મર્યાદામાં બાંધી દેવામાં આવે છે એટલે જ જો પુરુષને સ્ત્રી બાળક તરીકે જન્મ માટેની ચોઇસ આપવામાં આવે તો તે ભાગ્યે જ તૈયારી દર્શાવશે. ચાલો આપણે સુરતીઓ પાસેથી જાણીએ કે શું તેઓને તક આપવામાં આવે તો તે દીકરા તરીકે કે દીકરી તરીકે જન્મ લેવાનું પસંદ કરશે? શું છોકરા કે છોકરી તરીકે ટકી રહેવું વર્તમાન સમયની સરખામણીમાં અગાઉ વધુ મુશ્કેલ હતું?
આજના જમાનામાં સ્ત્રી-પુરુષ વચ્ચે કોઈ ભેદભાવ નથી: ફાલ્ગુનીબેન પટેલ
પાલ ગૌરવપથ વિસ્તારમાં રહેતાં 49 વર્ષીય સ્કૂલ શિક્ષિકા ફાલ્ગુનીબેન પટેલે જણાવ્યું કે, ‘‘જો મને તક મળે તો હું ફરી વાર પણ સ્ત્રી તરીકે જ જન્મ લેવા માંગીશ. હું પોતે સ્ત્રી છું એટલા માટે નહીં પણ સ્ત્રીનું સ્વરૂપ શક્તિની મૂરતનું અને સંઘર્ષ સામે ઝઝૂમનાર તરીકેનું છે અને એટલે જ મારે પણ શક્તિની મૂરત કહેવાતી સ્ત્રી તરીકેનો જ જન્મ ફરી લેવો છે. એક જમાનો એવો હતો જ્યાં સ્ત્રીને પુરુષ કરતાં ઊતરતું પાત્ર ગણવામાં આવતું. જ્યારે આજના જમાનામાં સ્ત્રીની પુરુષ સાથે તુલના થાય તેમ નથી કેમ કે આજે સ્ત્રી દરેક ક્ષેત્રમાં અગ્રેસર થઈ રહી છે. સ્ત્રીને હવે મર્યાદાના સીમાડા નડતા નથી. તેને પાર કરીને સ્ત્રીએ કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સમાં આસમાનનો પણ સ્પર્શ કરી લીધો છે. સ્ત્રી હવે અબળા નહીં પણ શક્તિનું સ્વરૂપ બની ચૂકી છે. જમાનો એવો પણ હતો જ્યારે સ્ત્રી કચડાયેલી હતી અને જમાનો આ પણ છે જ્યારે સ્ત્રી-પુરુષ વચ્ચેની ભેદભાવની રેખા ભૂંસાઇ રહી છે.’’
હું ફરી પણ સ્ત્રી તરીકે જ જન્મ લેવાનું પસંદ કરીશ: ડૉ. નૃપલ પટેલ
મજુરાગેટ વિસ્તારમાં રહેતાં 36 વર્ષીય ડૉકટર નૃપલ પટેલે જણાવ્યું કે કુદરતે સ્ત્રીને એક જીવને જન્મ આપવાની શક્તિ આપવામાં આવી છે અને સ્ત્રીની આ જ સૌથી મોટી ખૂબી છે. મને જો તક આપવામાં આવે તો હું ફરી પણ સ્ત્રી બાળક તરીકે જ જન્મ લેવાનું પસંદ કરીશ. પહેલાંના જમાનામાં ભણતર ઓછું હતું, ટેકનોલોજી ઓછી હતી એટલે સ્ત્રી અને પુરુષ બંને માટે લાઈફ ડીફિકલ્ટ હતી. આજે જીવન ખાસ્સું સરળ બની ગયું છે. હા, આમ છતાં હજી પણ સ્ત્રીઓ માટે કેટલાક રિસ્ટ્રીકશન છે પણ હું માનું છું કે આવા રિસ્ટ્રીકશનની લાઇન દોરનાર માનસિક રીતે ઉચ્ચ શિક્ષિત નથી. આજની નારીએ ખૂબ જ ડીફિકલ્ટ હોય તેવા અને માત્ર પુરુષોના જ કહેવાતા ક્ષેત્રમાં પગરણ માંડી દીધા છે. સ્ત્રી પાયલોટ પણ બની છે, ડૉકટર પણ બની છે અને રાજનીતિના પાઠ પણ શીખી ચૂકી છે. સ્ત્રી કોમળ પણ છે અને શક્તિનું રૂપ પણ છે. પ્રાચીન સમયમાં આપણા દેશમાં સ્ત્રીઓનું સ્થાન બહુ ઊંચું હતું. મધ્યકાલીન યુગમાં સ્ત્રીને મર્યાદાઓની વચ્ચે રાખવામાં આવતી. જો કે હવે સ્ત્રી અને પુરુષ બંને માટે સમાન સ્થિતિ બનતી જાય છે પણ કેટલાક રૂઢિચુસ્ત લોકો સ્ત્રીને ઉન્નતિના માર્ગે જતા રોકે છે.’’
સ્ત્રીને સન્માન-ઈજ્જતના નામે મર્યાદાઓમાં બાંધી દેવામાં આવે છે: ડૉ. વિમલ રાઠી
વીઆઇપી રોડ વિસ્તારમાં રહેતા 43 વર્ષીય કોસ્મેટિક ડેન્ટિસ્ટ ડૉ. વિમલ રાઠીએ જણાવ્યું કે, ‘‘દીકરા કે દીકરી તરીકે જન્મ લેવાની ચોઇસ આપવામાં આવે તો હું ફિમેલ ચાઈલ્ડ તરીકેનું ઓપ્શન પસંદ કરું. જો કે આપણા દેશમાં સ્ત્રીઓ માટે ઘણા રિસ્ટ્રીકશન છે. સ્ત્રીએ બાળપણથી ભયનો સામનો કરવો પડે છે. આપણા દેશમાં સ્ત્રીઓ માટે લાઈફ થોડીક ડીફિકલ્ટ છે. તેને 10 પ્રેમની તો 100 ભયની વાતો કહેવામાં આવશે. તે જો આવું કરશે તો તેનું પરિણામ આવું આવશે કહીને ભય બતાવવામાં આવશે. લોકો ફિમેલ ચાઈલ્ડનો જન્મ એટલે જવાબદારી ગણે છે અને કેટલાક લોકો જવાબદારી લેવા તૈયાર નથી. સ્ત્રીને સન્માન-ઈજ્જત આપવાના નામે મર્યાદાઓમાં બાંધી દેવામાં આવે છે. અગાઉના સમયમાં તો સ્ત્રીની લાઈફ હાલ કરતાં પણ વધારે મુશ્કેલ હતી. છોકરીને નોર્મલ માણસ તરીકે ટ્રીટ નહોતી કરાતી તેને ઘરની ઈજ્જત, આબરૂ બનાવી દેવામાં આવતી. જેને કારણે છોકરીઓએ દબાણવશ થઈને જીવવું પડતું. જો હું આવું કરીશ તો લોકો શું વિચારશે? બસ આવા જ વિચારો ને વિચારમાં સ્ત્રી જિંદગી જીવે છે અને વિચાર ને વિચારમાં જ રહેનાર દુઃખી રહે છે. ઇન્ડિયામાં આજે પણ સ્ત્રીની જિંદગી સરળ નથી. મેં આજ સુધીના મારા કરિયરમાં જોયું છે કે પુરુષ સુખી દેખાઈ જશે પણ મોટાભાગની સ્ત્રી સુખી જોવા નથી મળતી. અગાઉના સમય કરતાં અત્યારની સ્થિતિ સ્ત્રી માટે પણ સારી બની છે પણ અત્યારે પણ તેના માટે મર્યાદાઓની લક્ષ્મણરેખા તો છે જ. મારી એક જ ડોટર છે. મેં અને મારી પત્નીએ એક જ બાળકનું હંમેશાં વિચારેલું તે છોકરો હોય કે છોકરી કોઈ પણ હોય બસ એક જ સંતાન હોવું જોઈએ એવું નક્કી જ હતું. હું અંતે તો એટલું ચોક્કસ કહી શકું કે સ્ત્રી જેવી સહનશીલતા પુરુષમાં નથી હોતી.’’
સ્ત્રીઓને એમનું ગૌરવપૂર્ણ સ્થાન પાછું મળવા લાગ્યું છે: રવિ છાવછરિયા
37 વર્ષીય ચાર્ટર્ડ એકાઉટન્ટ રવિ છાવછરિયાએ જણાવ્યું કે, ‘‘હું માનું છું કે સ્ત્રીઓમાં ખૂબ સામર્થ્ય હોય છે. તેને એમને એમ સહનશીલતાની મૂરત નથી કહેવામાં આવતી. તે શક્તિનું સ્વરૂપ છે. મારામાં એટલું સામર્થ્ય નથી એટલે મને તક મળે ફીમેલ ચાઈલ્ડ કે મેલ ચાઈલ્ડ તરીકે જન્મ લેવાની તો હું મેલ ચાઈલ્ડ તરીકે જન્મની ચોઇસ પસંદ કરું. દીકરીઓને આપણા ધર્મ અને સંસ્કૃતિમાં લક્ષ્મી અને શક્તિ તથા સરસ્વતીનું રૂપ કહેવાયું છે. છોકરાની જેમ જ છોકરીઓ હવે તો આગળ વધી રહી છે અને ઘર તથા બહારનું કામ બખૂબી સંભાળી રહી છે. દીકરીઓ પણ દીકરાની જેમ અથવા તેમનાથી પણ વધુ સારી રીતે માતા-પિતાને સંભાળે છે. દીકરી કે દીકરાને ઈશ્વરના આશીર્વાદ અને પ્રસાદ તરીકે રાખવું જોઈએ. મારું માનવું છે કે હવે સમાજમાં છોકરા-છોકરી માટે ભેદભાવ નથી રાખવામાં આવતો અને તે આગળ જતા માનવજાતિના સંતુલન માટે જરૂરી છે. છોકરા-છોકરીમાં ભેદભાવ નહીં રાખવો જોઈએ તો જ આપણો સમાજ પ્રગતિ કરી રહ્યો છે તેમ માની શકાય. પહેલાની સરખામણીમાં આજે આગળ વધવા, ખુશ રહેવા માટે અને જીવનના અનુભવ લેવા માટે છોકરા-છોકરી બંને માટે રસ્તા સરળ બની રહ્યા છે. ઉદારીકરણ, ઔદ્યોગિકીકરણ, ટેકનોલોજી ડેવલપમેન્ટને કારણે જીવનની ઉન્નતિના રસ્તા સરળ બન્યા છે. દરેક જગ્યા પર ફીમેલની સિક્યુરિટીનું ધ્યાન રાખવામાં આવે છે. સ્ત્રીઓને પ્રાયોરિટી અપાય છે તેમને ગૌરવપૂર્ણ સ્થાન પાછું આપવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનતા તે સ્થિતિ પાછી આવી રહી છે.
હું ફરી પણ સ્ત્રી બાળક તરીકે જ જનમવાનું પસંદ કરીશ: ચૈતાલી દમવાળા
રૂસ્તમપુરા વિસ્તારમાં રહેતા 38 વર્ષીય ડ્રોઈંગ આર્ટિસ્ટ ચૈતાલી દમવાળાએ જણાવ્યું કે, ‘‘મને જો તક આપવામાં આવે કે પસંદ કરવાનું કહેવામાં આવે તો હું ફરી ફીમેલ ચાઈલ્ડ તરીકે જ જન્મ લેવાનું પસંદ કરીશ. હા એ સત્ય છે કે આજના સમયમાં અને આ સમાજમાં સ્ત્રી તરીકે જન્મ અને સ્ત્રી તરીકે સમાજમાં રહેવું થોડું ડીફિકલ્ટ છે. આજના આધુનિક બનતા સમયમાં પણ એવા કેટલાય પરિવારો છે કે જેમાં પુત્રની ઈચ્છા વધારે રાખવામાં આવે છે અને આ માટે સ્ત્રીએ અથવા તો માએ ઘણું સહન કરવું પડતું હોય છે. ખરેખર તો દીકરા કે દીકરી તરીકે જન્મની પસંદગી ઈશ્વરની ઈચ્છાશક્તિ પર છોડી દેવી જોઈએ. વર્તમાન સમયમાં અને અગાઉના સમયમાં પણ છોકરા કે છોકરી તરીકે ટકી રહેવું મુશ્કેલ નહોતું. શૈક્ષણિક, પારિવારિક અને સામાજિક રીતે છોકરો હોય કે છોકરી સંઘર્ષ અને પુરુષાર્થ તો કરવો જ પડતો હોય છે. એક સમયે સ્ત્રીઓને રસોડામાં કામ કરનાર ગૃહિણી સમજવામાં આવતી હતી પરંતુ આજના સ્ત્રી સશક્તિકરણના યુગમાં નારી પાયલોટ બની છે, રમત-ગમત સહિતના લગભગ તમામ ક્ષેત્રોમાં સ્ત્રીઓ આગળ આવી રહી છે. અંતે હું એટલું જ કહીશ કે સ્ત્રી એટલે જીવનના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનું એક અદભુત સર્જન છે એટલે જ હું ફીમેલ ચાઈલ્ડ તરીકે ફરી જનમવાનું પસંદ કરું.’’
દેશમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા વધી
પહેલાંના સમય કરતાં આજના સમયમાં સ્ત્રીઓની સ્થિતિ ખાસ્સી સુધરી છે. જેનો સૌથી મોટો પુરાવો સ્ત્રી-પુરુષની સંખ્યા છે. દેશની જનસંખ્યામાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા વધી રહી છે. નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વે મુજબ દેશમાં હવે 2021માં દર 1000 પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા 1020ની થઈ છે. 1990ના સમય દરમિયાન ભારતમાં 1000 પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા 927ની હતી. વર્ષ 2005-06માં આ આંકડો 1000-1000 આવી ગયો. પણ 2015-16માં ચિત્ર ફરી બદલાયું હતું આ સમયમાં સ્ત્રીઓની સંખ્યા ઘટી હતી ત્યારે દર 1000 પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા 991 થઈ હતી. હવે 2021માં દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા 1020 થઈ છે. આ આંકડા જ કહી રહ્યા છે કે સ્ત્રીઓની સ્થિતિ પહેલાં કરતાં બહુ જ સારી થઈ છે. દીકરા અને દીકરીના જન્મને લઈને ભેદભાવ ખાસ્સો ઘટી ગયો છે. જોકે આ સેમ્પલ સરવે છે જે મર્યાદિત સંખ્યાને લઇને હોય. 2011ની વસતી ગણતરી પ્રમાણે દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા 940 હતી. હવે જ્યારે વસતી ગણતરી થશે ત્યારે સ્ત્રી-પુરુષની સંખ્યાના સચોટ આંકડા સામે આચવશે.
પહેલાં સ્ત્રી અબળા હતી હવે એકદમ વુમન એમ્પાવર થઈ ગઈ છે: હીના રંગુનવાળા
રૂસ્તમપુરા મેઈન રોડ વિસ્તારમાં રહેતી 44 વર્ષીય યોગા ઇન્સ્ટ્રકટર હીનાબેન રંગુનવાળાએ જણાવ્યું કે, ‘‘મને ચોઇસ મળે તો હું ફરી ફીમેલ ચાઈલ્ડ તરીકે જન્મ લેવાનું પસંદ કરું. સ્ત્રીની મહિમા પુરાણા જમાનામાં હતી તે હજી પણ એવી જ છે. સ્ત્રીઓ સારું જ કામ કરે છે. પુરુષ સપોર્ટ નહીં કરે ત્યાં સુધી સ્ત્રીઓ આગળ નહીં વધી શકે તે જ રીતે સ્ત્રીના સપોર્ટ વગર પુરુષ આગળ નહીં વધી શકે. લોકો વિચારે છે કે પહેલાંના જમનામાં સ્ત્રી અબળા નારી હતી પણ હવેની સ્ત્રી એકદમ એમ્પાવર થઈ ગઈ છે. મતલબ પુરુષસમોવડી બની ગઈ છે. આર્મીમાં સ્ત્રીઓ જોવા મળે છે. પાયલોટ બની છે, સાયન્ટિસ્ટ બની છે. સ્પેસમાં પણ જઈ આવી છે. રાજકરણમાં પણ આગળ છે. સ્ત્રીઓની સહનશીલતા વધારે છે જ્યારે પુરુષ સહન નથી કરી શકતો. આજે ઘણા એવા લોકો છે કે તેઓ ફિમેલ સિંગલ ચાઈલ્ડ તરીકે ડોટરને એક્સેપ્ટ કરે છે. જ્યારે હજી પણ 25 ટકા કરતાંય વધારે લોકો વંશવેલો ચલાવવા માટે દીકરો હોવો જોઈએ તેવું માને છે. એક સમય એવો પણ હતો જ્યારે લોકોની માનસિકતા ડાઉન હતી. એ સમયમાં મહિલાઓની લાઇફ સરળ નહોતી. પહેલાં જેવું હતું તેવું હવે નથી. આજના મોડર્ન જમાનામાં સ્ત્રીઓને કમ્ફર્ટેબલ ઝોન બહુ બધી જગ્યાએ મળી રહ્યા છે જેથી સ્ત્રીઓ બહુ આગળ વધી રહી છે. હવે ઇકવાલીટી આવી ગઈ છે. પહેલાંના જમાનામાં સ્ત્રી અને પુરુષ બંને માટે લાઈફ અઘરી હતી જે હવે સરળ બની છે.’’
મને ચોઇસ મળે તો હું ફરી મેલ ચાઈલ્ડ તરીકે જન્મ લેવા માંગીશ: મુકેશ માહેશ્વરી
વેસુ વિસ્તારમાં રહેતા 43 વર્ષીય મુકેશભાઈ માહેશ્વરીએ જણાવ્યું કે, ‘‘હું આ જનમથી સંતુષ્ટ છું એટલે હું ઇચ્છીશ કે મને ચોઇસ આપવામાં આવે તો હું ફરી મેલ ચાઈલ્ડ તરીકે જનમવાનું પસંદ કરીશ. પહેલાંના સમયમાં સ્ત્રીઓ માટે ઘણા બધા રિસ્ટ્રીકશન હતાં. હવે સ્ત્રીને પણ ખાસ્સું ફ્રીડમ મળ્યું છે. છતાં હજી પણ સ્ત્રીને મર્યાદાઓમાં બાંધેલી રાખવામાં આવે છે. પહેલાં સ્ત્રી અને પુરુષ બંને માટે જીવન કઠીન હતું. સ્ત્રીને માટે તો જીવન વધારે કઠીન હતું. મધ્યકાલીન યુગમાં સ્ત્રીઓની સ્થિતિ વધારે ખરાબ હતી આજે તો ઘરની બહાર નીકળીને સ્ત્રીઓ નોકરી કરતી થઈ છે. કેટલાક એવા દેશો પણ છે જયાં ભારતીય સ્ત્રીઓ ત્યાંના રાજકારણમાં આગળ પડતું સ્થાન ધરાવે છે પણ જેમ સિક્કાની 2 બાજુ હોય છે તેમ આપણા દેશમાં પણ 2 પ્રકારના લોકો જોવા મળી રહ્યા છે. એવા લોકો પણ છે જેઓ સ્ત્રીને પુરુષ સમોવડી માનતા થયા છે. તેઓ દીકરા-દીકરીમાં ભેદભાવ નથી કરતા તો બીજી તરફ એવા લોકો પણ છે જે દીકરી કરતાં દીકરાના જન્મની ઈચ્છા વધારે રાખે છે.’’
ઇતિહાસના પાના ખોલવામાં આવે ને તો ખબર પડે છે કે પ્રાચીન સમયમાં સ્ત્રીને દેવીનું સ્થાન આપવામાં આવ્યું હતું. કહેવાય પણ છે ને કે જયાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે. સ્ત્રીનું આ સન્માનીય સ્થાન મધ્યકાલીન યુગમાં નીચે ઊતરતું ગયું. સ્ત્રી પડદા પાછળ ધકેલાઇ ગઈ. હા, પણ રાજાશાહીમાં રાજકર્તા તરીકે કેટલીક મહિલાઓ ઇતિહાસના પાને અંકિત થઈ પણ સામાન્ય સ્ત્રીઓ ઘરની અંદર કેદ થઈ ગઈ. હવે આજના આધુનિક જમાનામાં સ્ત્રી સ્વાતંત્ર્યને મહત્ત્વ આપવામાં આવ્યું છે. દીકરી-દીકરામાં ભેદભાવ ખાસ્સો ઘટ્યો છે. મહિલાઓ વિભિન્ન ક્ષેત્રે આગળ વધી રહી છે. આમ છતાં આ આધુનિક કહેવાતા જમાનામાં બાળકીઓની સુરક્ષાને લઈને ચિંતા ઉપજાવનારા કિસ્સા જેમ કે બાળકીઓ પર રેપના બનાવો અવારનવાર છાપાના પાને જોવા મળી રહ્યાા છે. ઉચ્ચ શિક્ષિત વર્ગની દીકરીઓને સુરક્ષા મળી જાય છે પણ ફૂટપાથ પર આશરો લેનારા શ્રમિકોની દીકરીઓના ચીર હણાય રહ્યાાં છે. શહેરોમાં સ્ત્રીઓની સ્થિતિ સારી જોવા મળે છે પણ આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં ક્યાંક ક્યાંક પ્રાથમિક શિક્ષણ બાદ બાળકોએ ગામ બહાર ભણવા જવું પડે ત્યારે છોકરીઓને શિક્ષણ માટે દૂર નથી મોકલાતી અને તેમનું ભણતર છોડાવી દેવામાં આવે છે એટલે ગ્રામીણ વિસ્તારોની છોકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી નથી શકતી અને તેમનો વિકાસ તેને કારણે રૂંધાઇ જાય છે. હજી પણ કેટલાંક ગામડાંઓમાં વંશવેલો આગળ વધારવા માટે છોકરાના જન્મની અપેક્ષા રખાય છે. વળી સ્ત્રીઓને હજી પણ ભયમુક્ત સ્થિતિ માટે રાહ જોવી પડશે તેવું હાલના સંજોગો જોતા લાગે છે.