નેત્રંગ: નેત્રંગ (Netrang) નગરના રહીશો રોડ તેમજ ઊભરાતી ગટરોને લઇ છેલ્લાં સાત-સાત (Last Sevan Year) વર્ષથી પરેશાન થઇ તોબા પોકારી ઊઠ્યા છે. તેમ છતાં પણ પંચાયત સત્તાધીશોએ આજદિન સુધી નિરાકરણ નહીં લાવતાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના (Assembly Elections) બહિષ્કારનું (Boycott) રણશિંગું ફૂંકી દેતાં ચહલપહલ મચી ગઈ છે.નેત્રંગ નગરમાં ગ્રામ પંચાયતને અડીને આવેલા શ્રીજી ફળિયું, જલારામ ફળિયું, તુલસી ફળિયું, ડબ્બા ફળિયા ગાંધી બજાર વિસ્તારમાં આવેલા છે. આ વિસ્તારોમાં જવા માટે ત્રણ ચાર રસ્તાથી જવાહર બજારવાળો માર્ગ, જીનબજાર દેરાસરથી થઇને રેલવેવાળો માર્ગ, નવી વસાહતથી થઇને ખાડીવાળો માર્ગ આવેલો છે. જ્યાં લાખો-કરોડો રૂપિયાનાં વિકાસ કામો થોડા જ સમયગાળામાં નેસ્તનાબૂદ થઇ જતા હોય છે.
રોડ રસ્તા માત્ર એક-બે ચોમાસની સિઝન માંડ વિતાવી હશે
નેત્રંગ નગર ગ્રામ પંચાયતના તલાટીના જણાવ્યા મુજબ વર્ષ-૨૦૧૫માં નગરના મુખ્ય રોડ રસ્તાનું લાખો રૂપિયાના ખર્ચથી રિકાર્પેટિંગ થયું હતું. જે રોડ રસ્તા માત્ર એક-બે ચોમાસની સિઝન માંડ વિતાવી હશે ને ઠેર ઠેર ખોડાય જતાં છેલ્લાં સાત-સાત વર્ષથી ચાર રસ્તાથી લઇ ગાંધી બજાર જલારામ મંદિર સુધી તેમજ જીન બજારથી લઇને ગાંધીબજાર જલારામ સુધીના રોડ નેસ્તનાબૂદ થઇ જતાં રસ્તા પર કાયમી ધોરણે ગંદા પાણીનો નિકાલ થતો હોવાથી પ્રજા પરેશાન થઇ ઊઠી છે. નવી વસાહત વિસ્તારમાંથી આવતો રસ્તો પણ નેસ્તનાબૂદ થઇ ગયો છે.
જિલ્લા કલેક્ટરને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું
ગ્રામ પંચાયતના સત્તાધીશો આ બાબતે આજદિન સુધી કોઈ નિરાકરણ નહીં લાવતાં નેત્રંગ ગાંધી બજારના નવયુવાનોએ આખરે ભરૂચ જિલ્લા મુખ્ય ચુંટણી અધિકારી-જિલ્લા કલેક્ટર ભરૂચને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું છે. જો નિરાકરણ નહીં આવે તે આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી ૧૫મી વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે. આ બાબતે નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખને પણ લેખિત જાણ કરી છે.