જેવી રીતે મોસમ પોતાનો રૂખ બદલી રહી છે તેમ પ્રવર્તમાન સરકાર સામે પ્રજા સામી ચૂંટણીએ દેખાવો કરી રહી છે. એવું લાગે છે કે નવી સરકાર બનતાં પહેલાં જ ઘણા પ્રશ્નો તો ઉકેલવા પડશે.કહેવાય છે કે ‘ વહુ અને વરસાદને જશ નહીં ‘પહેલાંનો વરસાદ આગાહીઓને ઠોકરે ચડાવતો, હમણાંનો વરસાદ આગાહીઓને માથે ચડાવી રહ્યો છે અને ભરપૂર વરસી રહ્યો છે. લોકો ને મોસમ પલાળી રહી છે અને જાહેર મોરચે આંદોલનોની મોસમ સત્તાવાળાઓને કનડી રહી છે. રાજ્ય સરકારની સામે એક પછી એક સરકારી વિભાગનાં કર્મચારી સંગઠનો,માજી સૈનિકો, આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ ,વન વિભાગનાં કર્મચારીઓ મોરચો માંડી રહયાં છે. જૂની પેન્શન યોજના માટેનો આગ્રહ માટે આંદોલન. આટલું ઓછું હોય તેમ ભારત કિસાન સંઘ વીજળી અંગેના પ્રશ્નો લઈને ઊભાં છે. પોલીસ કર્મચારીઓના પ્રશ્નો આમ, મેઘરાજાની બીજી ઈનીંગ લોકો અને સરકાર બેઉને માટે પડકાર રૂપ બની રહી છે.
સુરત – વૈશાલી શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નવસારી નગરપાલિકા રસ્તાઓ કયારે સુધારશે?
નવસારી નગરપાલિકાએ લુણસીકૂઇ વિસ્તારમાં વર્ષો જૂની ગટર ખોદી ઊંડો ખાડો કરી મરામત કરી હતી. એ ખાડાને પુરી તો દીધો છે પરંતુ ત્યાં હજી ડામર રોડ કર્યો નથી હજી ખાડા ટેકરાવાળો રસ્તો છે ને ધૂળ ઉડે છે. ત્યાં ચાર રસ્તા પાસે એક સરકલ છે ત્યાં પણ હજી એક ખાડો છે ત્યાં પણ રોડ બનાવવાની જરૂર છે. તો શું કોઇ અકસ્માત થાય ત્યાર પછી ખાડો પુરી રોડ બનશે? વાહનચાલકો હેરાન પરેશાન થયા છે. આ ઉપરાંત દુધિયા તળાવ તરફ જતા વલ્લભ એસ્ટેટ છે ત્યાં એક સરકલ છે ત્યાં પણ ચાર રસ્તા છે. એ સરકલ મધ્યમાં નથી અને આશાપુરી મંદિર તરફથી આવતા વાહનો અને છાપરા રોડ તરફથી આવતા વાહનો તથા લુણસીકૂઇ તરફથી આવતા વાહનો સામસામેજ ક્રોસ થાય છે આથી અકસ્માત થવાની પુરી શકયતા છે. અહીં છાપરા તરફથી આવતા વાહનો તથા આશાપુરી મંદિર તરફથી આવતા વાહનો માટે સરકલ નજીક જ બમ્પની જરૂર છે તે બનાવવા જોઇએ. આ જગ્યાએ પણ અકસ્માત થવાની પુરી શકયતા છે. તો નવસારી નગરપાલિકા આટલુ કરે તો પ્રજાને માટે એક સારું કાર્ય કરેલું ગણાશે.
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.