એક અંધ માણસ હતો. તે જોઈ શકતો ન હતો છતાં તેને સ્વાવલંબી જ બની રહેવું હતું.એટલે પોતાના કામ પોતે કરવા માટે અને અન્ય પર બોજ ન બનવા માટે તે સતત જાગ્રત રહેતો.તેણે પોતાના ઘરને અને પોતાની જાતને એ રીતે તૈયાર કર્યા હતા કે તે પોતાના બધા કામ જાતે કરી શકે.તે પોતે ઘરની બહાર પણ દરેક કામ કરવા એકલો જ જતો.રાત્રે મોડું થવાનું હોય તો તે ટોર્ચ પણ સાથે રાખતો. એક દિવસ તે એક મિત્રના ઘરે ગયો.રાત્રે બહુ મોડું થઇ ગયું. મિત્રે કહ્યું, ‘દોસ્ત, અહીં જ રોકાઈ જા;મોડી રાત્રે અંધારામાં કેવી રીતે જઈશ? તને તકલીફ થશે.’પેલો આંધળો માણસ બોલ્યો, ‘ના ના દોસ્ત, મને કોઈ તકલીફ નહિ થાય. હું હંમેશા તૈયારી કરીને જ નીકળું છું અને થોડે દૂર જ તો ઘર છે.
હમણાં હાથમાં લાકડી સાથે ટોર્ચ પકડીને પહોંચી જઈશ.’આ જવાબ સાંભળી મિત્રને નવાઈ લાગી, ‘તે બોલ્યો, દોસ્ત માઠું ન લગાડતો, પણ તને તો દેખાતું જ નથી પછી ટોર્ચનું અજવાળું તને શું કામ લાગશે?’આંધળા મિત્રે કહ્યું, ‘માઠું શું કામ લાગે દોસ્ત, મને તો અંધારાની આદત છે. રસ્તો મારો સમજેલો જાણીતો છે પણ આ તોર્ચનું અજવાળું સામેથી આવતા માણસ માટે છે કે તે મને જોઈ શકે અને મારી સાથે અથડાઈ ન જાય.કારણ જો કોઈ મારી સાથે અથડાઈ ને જો હું દિશા ફરી જાઉં તો પછી હું આગળ સાચે રસ્તે ન વધી શકું.’
મિત્રને પોતાના આંધળા દોસ્તની વાત સાચી લાગી. દોસ્તની વિદાય લઇ આંધળો માણસ ઘરે જવા નીકળ્યો.હાથમાંની લાકડી ખોલી.ખિસ્સામાંથી ટોર્ચ કાઢી અને લાકડી સાથે ટોર્ચ પણ લટકાવી તે ચાલવા લાગ્યો.થોડે આગળ ગયો ત્યાં એક માણસ તેની સાથે અથડાયો.અંધ માણસે કહ્યું, ‘ભાઈ હું તો આંધળો છું, શું તમે પણ આંધળા છો? આ મારા હાથમાં જે ટોર્ચ છે તેનું અજવાળું તમને દેખાતું નથી.’ અથડાનાર માણસે આંધળા માણસના હાથમાં રહેલી ટોર્ચ તરફ જોયું.ટોર્ચમાં નહીં જેવો ઝાંખો પ્રકાશ હતો.કારણ ટોર્ચની બેટરી પૂરી થઈ ગઈ હતી.અથડાનાર માણસે આંધળા માણસને કહ્યું, ‘ભાઈ,તમારા હાથમાં ટોર્ચ તો છે પણ કદાચ તેની બેટરી પૂરી થઇ ગઈ છે. તે અજવાળું આપી નથી રહી.નવા બેટરી સેલ નાખજો એટલે ફરી અજવાળું આપશે.ચાલો તમને ક્યાં જવું છે હું મૂકી જાઉં.’ આંધળા માણસની નાની વાર્તામાં બેટરીનું અજવાળું સારી સંગત, સારા વિચારો, સારાં પુસ્તકો વગેરેનું પ્રતીક છે, જે જીવનમાં આપણને આત્મનિર્ભર બનાવી આગળ વધવામાં મદદ કરે છે.બસ તે અજવાળું ઓછું ન થાય તેનું ધ્યાન આપણે રાખવાનું છે.