SURAT

સુરત: જમીન માલિકને કશુ આવડતુ ન હોવાનો લાભ લઇ મજૂરી કરતા યુવકે આવી રીતે ખેલ કરી નાંખ્યો

સુરત : ગોડાદરામાં જમીન માલિકની (Land owner) સાદગી અને તેમના પ્રેમાળ સ્વભાવનો (Nature) લાભ લઇને ત્યાં કામ કરતા મજૂર યુવકે માલિકને વિશ્વાસમાં લઇ તેઓની પાસેથી જમીનનો પાવર ઓફ એટર્ની (Power of Attorney) વાચવા માટે માંગ્યો હતો. બાદમાં જમીનના બોગસ દસ્તાવેજો (Dummy documents) બનાવીને કલેક્ટરની પરવાનગી વગર જ જમીન ઉપર પ્લોટિંગ કરી લોકો પાસેથી લાખો રૂપિયા ઉસેટી લીધા હતા. પ્લોટની કબજા રસીદ બનાવવામાં આવી તેમાં જમીનના માલિકના પાવરદાર તરીકેનો ઉપયોગ થતા સમગ્ર ઘટના બહાર આવી હતી. જે અંગે ગોડાદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ તેલંગણાના વતની અને હાલમાં સુરતમાં ગોડાદરા ધીરજનગર પાસેï ‘માં ખોડીયારનગર’માં રહેતા વરલક્ષ્મી તિરુપતિ બુદીયાલુ પેદુરી (ઉ.વ.૪૩)એ મગોબની શિવમ હાઇટ્સમાં રહેતા દામોદર રામલુ દાસરી, નાનપુરા ટીમલીયાવાડમાં રહેતો ભદૈયા રામચંદ્ર ઉપલ્લાપલ્લી, ગોડાદરા ભગીરથ સોસાયટીમાં રહેતા અમરત પાચ્યા રબારી તેમજ ગોડાદરાના વાળીનાથ સોસાયટીમાં રહેતો હરગોવન રામાભાઇ રબારીની સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ભદૈયા ઉપલ્લાપલ્લીએ સને-2014માં દેવધ ગામમાં બ્લોïક નં-૧૪૮ સર્વે નં-૧૭૬ ખાતા નં ૧૯ વાળી જમીનમાં શ્રી રેસીડેન્સી પ્લોટીંગનું આયોજન કર્યું હોય અને તેમાં પ્લોટ લેવા માટે ભદૈયાએ વરલક્ષ્મીને જણાવ્યું હતું. આ જમીનમાં એક પ્લોટ તેઓએ રૂા.5 લાખમાં ખરીદ્યો હતો.

શરૂઆતમાં 50 હજાર આપીને ડાયરી બનાવવામાં આવી હતી, ત્યારબાદ ટૂકડે ટૂકડે રૂા.5 લાખ આપી દેવાયા હતા. આ રૂપિયા પુરા થયા બાદ સને-2016માં વરલક્ષ્મીએ જમીનનો દસ્તાવેજ માંગતા ભદૈયા અને તેના મિત્રોએ ભેગા થઇને એક કબજા રસીદનો વેચાણ કરાર એટલે કે કબજા રસીદ લખી આપી હતી. આ કબજા રસીદમાં જમીન વેચનાર તરીકે ચેતનભાઇ ભીખાભાઇ રાઠોડના પાવરદારનો ઉપયોગ કરાયો હતો.

ત્યારબાદ તપાસ કરતા દેવધગામની જગ્યામાં શ્રી રેસીડેન્સીના નામથી જે પ્લોટનું આયોજન કર્યું હતું તે ગણોતધારાની જગ્યા હતા. અને આ જગ્યામાં કલેક્ટરની પરવાનગી વગર ખરીદ કે વેચાણ થઇ શકે તેમ ન હતું. જે અંગે ભદૈયાને જાણ કરવામાં આવતા તેને વરલક્ષ્મી તેમજ બીજા પ્લોટ હોલ્ડરોની સાથે ગાળાગાળી કરી હતી. દેવધ ગામની આ જગ્યાના મુળ માલિક ચેતનભાઇ રાઠોડ અભણ હોવાથી તેને ત્યાં કામ કરતા ભદૈયા અને બીજા ઇસમોએ પાવર ઓફ એટર્ની વાંચવા માટે માંગી લઇને તેના આધારે પ્લોટિંગ પાડી લોકો પાસેથી રૂપિયા પડાવી લીધાનું તપાસમાં નીકળ્યું હતું. આ અંગે ગોડાદરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ભદૈયા સહિત હરગોવન રબારી અને બીજા ઇસમોની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top