આણંદ: આણંદના લાંભવેલ ગામે આવેલી ખોડીયારનગર પ્રાથમિક શાળામાં શિક્ષક – શિક્ષિકા વચ્ચે કથિક પ્રેમપ્રકરણને લઇ વાલીઓ રોષે ભરાયાં હતાં અને તાળાબંધી કરતાં અફડા તફડી મચી ગઈ હતી. આ અંગે બન્ને શિક્ષકો સામે કડક પગલાં ભરવા વાલીઓએ માગણી કરી હતી. લાંભવેલ ગામે ખોડિયારનગરમાં આવેલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અને શિક્ષિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંધ બંધાયો હતો. આ બન્ને શિક્ષકો શાળાના સમય દરમિયાન બાળકોને અભ્યાસ કરાવવાના બદલે પ્રેમલીલામાં વ્યસ્ત રહેતાં હતાં.
કેટલીક વખત તો તેઓ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની હાજરીમાં જ જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતાં હોવાની પણ બાળકોએ વાલીઓને ફરિયાદ કરી હતી. આ ઉપરાંત શિક્ષક તો વિદ્યાર્થિની સાથે પણ શારીરિક અડપલા કરતો હોવાની વાત બહાર આવતા વાલીઓ રોષે ભરાયાં હતાં અને મંગળવાર સવારે શાળા પર પહોંચી હલ્લાબોલ કર્યો હતો. બાદમાં તાળાબંધીનો કાર્યક્રમ યોજ્યો હતો. જેના પગલે અફડા તફડી મચી ગઈ હતી. વાલીઓએ તાત્કાલિક બન્નેની બદલી કરવા ઉગ્ર રજુઆત કરી હતી અને બદલી નહીં થાય તો શાળાની તાળાબંધી યથાવત રહેશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આ અંગે રજુઆત કરવામાં આવતાં તેઓએ આ ઘટના અંગે તપાસ ચાલી રહી હોવાનું રટણ કર્યું હતું. આ તપાસ બાદ પગલાં ભરવાની ખાતરી આપી હતી.
SMCની રજુઆત બાદ તપાસ ચાલુ કરાઇ હતી
આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિવેદીતા ચૌધરીએ જણાવ્યું હતું કે, લાંભવેલની પ્રાથમિક શાળામાં વાલીઓએ તાળાબંધી કરતાં બાળકોનું શિક્ષણ કાર્ય બગડ્યું છે. જયારે તેમનો જે મુદ્દો છે, તે અંગે ચારેક દિવસ પહેલા એસએમસી દ્વારા રજુઆત મળી હતી. આથી, ત્રણ સભ્યોની તાત્કાલિક કમિટી બનાવી તપાસ સોંપવામાં આવી છે. આ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.