Comments

નારકોટિક્‌સના નશામાં નષ્ટ થતું આપણું યુવાધન…!

આજકાલ આપણા ગરવી ગુજરાતના સાગરકાંઠાઓ અને બંદરોથી કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાયાના સમાચારો છાસવારે વાંચવા મળે છે. ત્યાર પછી ડ્રગ્સનું અને તેની દાણચોરી કરનારનું શું થાય છે? દાણચોરોને કઇ સજા થઇ? ડ્રગ્સના જથ્થાનો નિકાલ કયાં કેવી રીતે કર્યો? આ બાબત નેપથ્યમાં સરી પડે છે. ચરસ, ગાંજો, અફીણ, બ્રાઉન સુગર, હેરોઇન જેવા ખતરનાક ડ્રગ્સની જાણકારી કદાચ આપણને હશે. હવે આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે.- ‘મેથ એમ્ફેટેમાઇન’ જેને ટૂંકમાં ‘મેથ’ કે ‘યા બા’ ના ટૂંકા નામથી પણ ઓળખવામાં આવે છે. આ ડ્રગ્સ ઉપરના તમામ ડ્રગ્સથી વધુ ખતરનાક છે! આપણો પડોશી દેશ મ્યાનમાર, ‘મેથ’નો સપ્લાયર દેશ છે. આ પ્રકારના નશાકારક પદાર્થોએ આપણા યુવાનોને ખૂબ જ ઘેલું લગાડયું છે અને તેની દાણચોરીમાં યુવાનોથી માંડીને મોટા માથાના વેપારીઓ સંડોવાયા છે.

પહેલાં એવું માનવામાં આવતું હતું કે એલ.એસ.ડી. અતિ અલ્પ માત્રામાં લેવામાં આવે તો પણ તે માણસને દસ કલાક એક ‘અજાયબ દુનિયા’ની સફર કરાવે છે! ટૂંકમાં એ માણસ, એવી દુનિયાની ઝલક જુએ છે કે જે તેને જીવનમાં ફરી કયારેય જોવા મળતી નથી! તેની સામે ‘મેથ એમ્ફેટેમાઇન’ તો મગજના જ્ઞાનતંતુઓને વધુ પડતા સક્રિય બનાવીને માણસના બગડેલા મૂડને તાત્કાલિક અસરથી સુધારી લે છે! હતાશાને પળમાં દૂર કરી માણસને લાંબા ગાળા સુધી સ્વર્ગની અનુભૂતિ કરાવે છે! કદાચ આ જ કારણથી, આજકાલ ‘મેથ’ યુવાનોમાં સૌથી વધુ લોકપ્રિય બન્યું છે!

આપણે સૌ જાણીએ છીએ કે આપણું મગજ, આપણા શરીરનું એક અતિ સંકુલ અને મહત્ત્વનું અંગ છે. જુદી જુદી જાતનાં ઔષધો તેના પર જુદી જુદી અસર કરે છે. કેટલાંક મનની વ્યગ્રતા દૂર કરી, ટેમ્પરરી શાંતિ આપે છે. કેટલાક શરીર-મનની નબળાઇઓ વધારી દે છે. કેટલાક ઉશ્કેરાટ સમાવી દઇ શાંતિથી ઊંઘ લાવી દે છે, તો કેટલાક આપણું શારીરિક દર્દ ઓછું કરી ટૂંકા ગાળા માટે રાહત આપે છે. ટૂંકમાં આપણી પાસે જાત-જાતના ડ્રગ્સ છે કે જે આપણી માનસિક પીડા, ભય, ભ્રમ વગેરેને કયાં તો ઓછા કરી નાંખે છે કે ભૂલાવી દે છે અને થોડા સમય માટે કોઇ અજાયબ દુનિયાની સફર કરાવે છે. જ્ઞાનતંતુ ઉપર અસરકારક ડ્રગ્સ બે પ્રકારનાં છે: (1) જ્ઞાનતંતુ શામક ડ્રગ્સ, જેને સી.એન.ડી.થી પણ ઓળખવામાં આવે છે. અફીણ, મોફિન અને બાર્બી ટયુરેટનો સમાવેશ આ પ્રકારના ડ્રગ્સમાં થાય છે. (2) જ્ઞાનતંતુ ઉત્તેજક ડ્રગ્સ, જેને સી.એન.એસ.થી પણ ઓળખવામાં આવે છે. ચરસ, ભાંગ, ઇથેનોલનો સમાવેશ આ પ્રકારના ડ્રગ્સમાં
થાય છે.

જાણીને નવાઇ લાગશે કે અમુક લોકો અસામાન્ય માનસિક અનુભૂતિ કરવા માટે તેનો ઉપયોગ કરે છે. આભાસ વિદ્યાનો અભ્યાસ કરનાર તત્ત્વચિંતક ‘જયાં પોલ સાર્ત્ર’ તેમના મિત્રો પાસે ‘મસ્કેલિન’નાં ઇન્જેકશનો મૂકાવતા જેથી તેમને જાત-જાતના, ભાત-ભાતના મતિભ્રમો, વિભ્રમો થતાં! તેમાંથી કયારેક ઉત્તમ કૃતિનું સર્જન પણ થતું! અહીં કહેવાનો અર્થ એવો નથી કે ઉત્તમ કૃતિના સર્જન માટે, સાહિત્યકારો ‘સાર્ત્ર’ જેવા અખતરાઓ કરવા. માણસને મતિભ્રમો, સુખદની પળો તરફ અને નવાં સર્જન તરફ લઇ જનારા ડ્રગ્સમાં આજકાલ ‘મેથ’ ટોપ પર છે અને તેથી જ કદાચ યુવાનોમાં સૌથી વધુ લોકપ્રિય છે! યુવાનો તેના તરફ પાગલ છે!

એવું  પણ નથી કે મનોચિકિત્સકો અને ડોકટરો આ બધું જાણવા છતાં ચૂપ છે. તેઓ એલ.એસ.ડી. અને ‘મેથ એમ્ફેટેમાઇન’ની ભયાનકતા સામે ચેતવણી ઉચ્ચારે છે, લાલબત્તી ધરે છે. છતાં તેની ઝાઝી અસર યુવા સમાજ પર દેખાતી નથી! એક સર્વે પ્રમાણે ઘણાં યુવાનો તેનાં બંધાણી, ગુલામ બન્યા છે! તેમાંથી કેટલાક હંમેશને માટે માનસિક રીતે અસ્વસ્થ બની જાય છે! કેટલાંક ગાંડા બની જાય છે! ઘણાં યુવાનો તો હિંસક બની હત્યારા બની જાય છે! કેટલાંક યુવાનો પોતાના મનનું સાબુતપણું ગુમાવી દે છે અને ઘણા દિવસો સુધી હવાઇ તુક્કાઓમાં રાચે છે! તેઓ માનવા લાગે છે કે પોતે ઊડી શકે છે! પાણી ઉપર ચાલી શકે છે! રેતીમાં પણ વહાણ ચલાવી શકે છે! ‘મેથ એમ્ફેટેમાઇન’ ખૂબ જ ખતરનાક ડ્રગ છે, જેને વિવિધ રસાયણોને ભેગાં કરીને બનાવવામાં આવે છે. સફેદ રંગના ક્રિસ્ટલ જેવા કેમિકલ્સમાંથી બનતા ‘મેથ’ની ગુલાબી રંગની દવા જેવી ગોળીઓ બને છે. 20 મી સદીની શરૂઆતમાં શરદીમાં બંધ થઇ ગયેલા નાકને ખોલવા માટે ઇનહેલર બનાવવામાં આ રસાયણનો ઉપયોગ થતો હતો.

હવે તેના નવા સ્વરૂપમાં તૈયાર થતા ‘મેથ’ એ યુવાનોને ઘેલું લગાડયું છે! યુવાનો તેની ખતરનાક અસરથી અજ્ઞાત હોવાથી બહુ ઝડપથી તેના વ્યસનનો ભોગ બને છે. માણસની ‘સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ’ ઉપર ‘મેથ’ની ખૂબ જ ગંભીર અસર થાય છે. અમેરિકાની ‘ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સી’એ ‘મેથ એન્ફેટેમાઇન’ને શીડયુલ-2 હેઠળ મૂકયું છે. જેને કારણે એ કાયદેસર રીતે વેચી શકાતું નથી. પરંતુ ગેરકાયદેસર વેચાય છે ખાસ કરીને મેકિસન લોકો વધુ પ્રમાણમાં આ ધંધા સાથે સંકળાયેલા છે. ભારતમાં ‘મેથ’ એ પગપેસારો કરી દીધો છે અને તેનું ગેરકાયદેસર વેચાણ થાય છે! આમ જોવા જઇએ તો ડ્રગ્સ સેવનની વાત વૈશ્વિક છે અને સર્વવ્યાપી છે! ભારત કે ભારતનાં અન્ય રાજયો તેમાંથી બાકાત નથી! ગાંધીનું ગુજરાત અને આપણું ગરવી ગુજરાત પણ નહિ!?

યુવા વર્ગમાં ડ્રગ્સ સેવનથી થતી ખતરનાક આડ અસરો અંગે સભાનતા કેળવાય એ માટેના સઘન પ્રયત્નો જરૂરી છે. કેટલાક ઉપાયો છે, જેમકે… ડ્રગ્સનું ઉત્પાદન સખ્તાઇથી બંધ કરાવવું. એ પણ જો શકય ન હોય ઘર આંગણે થતી ડ્રગ્સની દાણચોરી અટકાવવી. યુવાનોને ડ્રગ્સની આડ અસરો અને તેનાં ભયાનક પરિણામોથી વાકેફ કરવા, તે અંગેના સેમિનારો, કેમ્પેઇન યોજવા. યુવાનોના ડિપ્રેશનનાં કારણો જાણવાં, જિલ્લાવાર મનોચિકિત્સકોનાં સેન્ટરો ઊભાં કરવાં. હવે પ્રશ્ન એ થશે કે આ બધું કરશે કોણ? તેની જવાબદારી કોની? સરકારની, સમાજની, એન.જી.ઓ.ની. આમાંથી કોઇકે તો પહેલ કરવી જ પડશે. જો તેમ નહિ થશે તો નારકોટિ્‌કસનો નશો આપણાં યુવાધનને ભરખી જશે. સમયનો આ તકાજો છે. સાવધાન.
-વિનોદ પટેલ
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top