અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) કોંગ્રેસે (Congress) ચૂંટણી પ્રચાર અભિયાનનો પણ પ્રારંભ કરી દીધો છે. આગામી નવરાત્રી દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આ મહિનાના અંતમાં એટલે કે નવરાત્રી દરમિયાન આણંદ અને વડોદરાની મુલાકાત લઈ શકે છે. આણંદમાં યોજાનાર મહિલા સંમેલનમાં હાજરી આપી શકે છે, તેમજ વડોદરામાં ભવ્ય રોડ શો યોજશે તેમજ ગરબા કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ પ્રદેશ કોંગ્રેસ દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે હજુ સુધી સત્તાવાર કાર્યક્રમ નક્કી થઈ શક્યો નથી.
રાજ્યમાં કોંગ્રેસ આઠ રૂપિયામાં પોષણયુક્ત ભોજન આપશે, નવી ત્રણ ગેરંટી
અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પણ આક્રમકતાથી ચૂંટણી મેદાનમાં પૂરેપૂરા જોશ અને જુસ્સા સાથે કામે લાગી છે. બીજી તરફ રાજ્યની જનતાઓ માટે અનેક યોજનાઓ લાગુ કરવાની ગેરંટી આપી રહી છે. સોમવારે કોંગ્રેસ દ્વારા વધુ ત્રણ યોજનાની જાહેરાત કરાઈ છે. જેમાં સવાર, સાંજ માત્ર આઠ રૂપિયામાં પોષણક્ષમ ભોજન અપાશે. શહેરી વિસ્તારોમાં 100 દિવસની રોજગાર ગેરંટી અને કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરાશે.
પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને રાજસ્થાનનાં પૂર્વ આરોગ્યમંત્રી રઘુ શર્માએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વિવિધ વિભાગોનાં લાખો સરકારી કર્મચારીઓને અન્યાયકર્તા નવી પેન્શન યોજનાને નાબૂદ કરી રાજસ્થાન, છત્તીસગઢમાં જૂની પેન્શન યોજના લાગુ છે તેની જેમ જૂની પેંશન યોજના ગુજરાતમાં લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય કરાશે. કેન્દ્રની તાત્કાલિન કોંગ્રેસની યુપીએ સરકારે ગ્રામ્ય વિસ્તારમાં રોજગાર આપવા માટે ‘મનરેગા’ યોજના લાગુ કરાઈ હતી તેવી જ રીતે રાજસ્થાનમાં શહેરી વિસ્તારમાં યુવાનોને રોજગારીની તકો મળે તે માટે ‘શહેરી રોજગાર ગેરેન્ટી યોજના’ લાગુ કરવામાં આવી છે જેમાં 100 દિવસની રોજગારીની ગેરેન્ટી આપવામાં આવી છે. તે જ રીતે ગુજરાતમાં પણ કોંગ્રેસ સરકાર બનતા જ ‘શહેરી રોજગાર ગેરેન્ટી યોજના’ લાગુ કરવામાં આવશે.
રાજસ્થાનમાં ગરીબોને ‘ઇન્દિરા રસોઈ યોજના’ થકી 8 રૂપિયામાં ‘પોષણક્ષમ ભોજન’ 800થી વધુ વિસ્તારોમાં મળી રહ્યું છે. ગુજરાતમાં પણ કુપોષણને નાથવા અને ગરીબ વર્ગના લોકોને ‘પૌષ્ટિક ભોજન’ મળી રહે તે સુનિશ્ચિત કરવા ‘ઇન્દિરા રસોઈ યોજના’ લાગુ કરાશે. આ ઉપરાંત તારીખ 5 સપ્ટેમ્બરનાં રોજ રિવરફ્રન્ટ ખાતે રાહુલ ગાંધીએ આપેલા આઠ વચનો જેમાં 10 લાખ રૂપિયા સુધી સારવાર અને દવાઓ દરેક ગુજરાતી માટે નિઃશુલ્ક, કોવિડમાં મૃત્યુ પામનારના દરેક પરિવારને ચાર લાખનું વળતર, દરેક ખેડૂતનાં 3 લાખ સુધીનાં દેવા માફ, ગેસ સિલિન્ડર 500 રૂપિયે, યુવાનો માટે 10 લાખ રોજગારની વ્યવસ્થા જેમાં 50 ટકા મહિલાઓ માટે અનામત, બેરોજગાર યુવાનોને 3000 રૂપિયાંનું બેરોજગારી ભથ્થું, 3000 સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાઓ, કન્યાઓ માટે કેજીથી પીજી સુધીનું શિક્ષણ નિઃશુલ્ક, સામાન્ય નાગરિકને 300 યુનિટ વીજળી બિલ માફ, સરકારમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાનાં વચનોને લાગુ કરી ગુજરાતનાં તમામ વર્ગોનું સર્વસમાવેશી વિકાસ થાય તે સુનિશ્ચિત કરશે.
માછીમારો- બોટ માલિકોને વાર્ષિક ૩૬ હજાર લીટર સેલ્સટેક્ષ મુક્ત ડીઝલ
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે માછીમારો- બોટ માલિકોને વાર્ષિક ૩૬ હજાર લીટર સેલ્સટેક્ષ મુક્ત ડીઝલ, નાની ફાઈબરબોટ – પીલાણાને કેરોસીનને બદલે પેટ્રોલ વાપરવાની મંજૂરી અને વાર્ષિક ૪૦૦૦ લીટર સેલ્સટેક્ષ મુક્ત પેટ્રોલ તથા જૂની પેન્ડિંગ સબ્સિડીઓની ચુકવણી, પાકિસ્તાનના કબજામાં રહેલી બોટના માલિકોને નવી બોટ બાંધવા માટે રૂ. ૫૦ લાખનું આર્થિક પેકજ, પાકિસ્તાનની જેલમાં રહેલા માછીમારોને છોડાવવા ઘનિષ્ટ પ્રયાસો, પરિવારને રૂ. ત્રણ લાખનું પેકેજ અને જ્યાં સુધી પાકિસ્તાનના કબજામાં રહે ત્યાં સુધી રોજના રૂ.૪૦૦ની કુટુંબીજનોને સહાય તથા જેલમાં મૃત્યુ પામતા માચ્છીમારોને રૂ. ૧૦ લાખની સહાય સહિતની માછીમારો ઉત્થાન માટેની જૂની કોંગ્રેસની યોજનોને ચાલુ કરવામાં આવશે.