Business

વિશ્વનું અર્થતંત્ર અનુમાનોને આધારે ચાલતું લાગે છે?

વિશ્વનું અર્થતંત્ર છેલ્લા કેટલાક મહિનાઓથી નક્કર મેક્રો-ઇકોનોમીક પેરામીટર્સને બદલે તે અંગેની અટકળો કે અનુમાનોને આધારે ચાલતું હોય એવી છાપ ઉભી થાય છે. એ અંદાજો કે અનુમાનમાં 10-20 પોઇન્ટનો ફરક પડે એટલે નીતિ વિષયક નિર્ણયો અંગેના અંદાજો બદલાઇ જાય. એટલું જ નહીં, વ્યાજના દરની બાબત હોય તો તે ઘટવાને બદલે વધવા માંડશે એમ પણ અનુમાન થવા માંડે.

પરિણામે અર્થતંત્ર બાબતે જે અનિશ્ચિતતા જોવા મળે છે તેવી અનિશ્ચિતતા વિશ્વએ કે ભારતે છેલ્લા પંદરેક વરસમાં તો જોઇ નથી. ભાવ વધારા અને વિકાસના દર વચ્ચે સમતુલન કરવાનું કેન્દ્રવર્તી બેંકો માટે વધુને વધુ મુશ્કેલ બનતું જાય છે. વિશ્વના દેશો એકબીજા પર અનેક બાબતે આધાર રાખતા હોય (ઇન્ટરડીપેન્ડન્ટ હોય) એટલે ગ્લોબલાઇઝડ ભારત પણ તેમાં અપવાદ નથી. અર્થતંત્રમાં શું બની રહ્યું છે અને તે કઇ દિશામાં જઇ રહ્યું છે તે સામાન્ય માણસની સમજ બહારનું બનતું જાય છે.

ફેડરલ રિઝર્વ વ્યાજના દર અંગે વધુ કડક વલણ અપનાવશે:
અમેરિકામાં ઓગસ્ટના છૂટક ભાવ વધારાનો આંક (8.3 ટકા) અનુમાન (8.1 ટકા) કરતા જરાક ઉંચા આવતા ફેડરલ રિઝર્વ દરેક 75 બેસીસ પોઇન્ટના ત્રણ વધારા પછી આ અઠવાડિયે ફરી એક વાર વ્યાજના દરમાં એક ટકા (100 બેસીસ પોઇન્ટ) જેટલો મોટો વધારો કરશે તેવા અનુમાન થવા માંડયા છે.

આશ્ચર્ય એ વાતનું છે કે છેલ્લા પાંચ અઠવાડિયાથી બેરોજગારીના વિમા માટેની ઘટતી જતી અરજીઓ એમ સૂચવે છે કે આર્થિક આઉટલુક અનિશ્ચિત હોવા છતાં અમેરિકામાં રોજગારી વધી રહી છે. છૂટક વેચાણ પણ વધ્યું છે. ફેકટરી આઉટપુટ થોડુ વધ્યું છે પણ ઔદ્યોગિક ઉત્પાદન (ખાણ સાથેનું) ઘટયું છે. વ્યાજના દર બહુ વધારાશે (છેવટે 4.5 ટકા જેટલા) એ અપેક્ષાએ ત્યાંનું સ્ટોક માર્કેટ દબાયું છે. સતત વધતા જતા વ્યાજના દરનું કારણ સોનુ (જેના પર વ્યાજ મળતુ નથી) બે વરસની નીચી સપાટીએ છે.

રિઝર્વ બેંક પણ વ્યાજના દર 50 બેસીસ પોઇન્ટ જેટલા વધારશે
ભારત માટે ઓગસ્ટ માટેનો છૂટક ભાવ વધારાનો દર વધીને 7 ટકાનો (જુલાઇ મહિને 6.71 ટકા) થયો છે. આમ આ દર છેલ્લા આઠ મહિનાથી રિઝર્વ બેંકની ટોલરન્સ લિમિટ ઉપર છે. જથ્થાબંધ ભાવોમાં ઓગસ્ટ મહિને થોડો ઘટાડો થયો (જુલાઇ 19.94 ટકા સામે ઓગસ્ટમાં 12.4 ટકા). તો પણ છેલ્લા 17 મહિનાથી તે ડબલ ડીજીટમાં છે. જથ્થાબંધ ભાવાંકનો વારો ઓગસ્ટમાં સતત ત્રીજે મહિને ધીમો પડયો છે તો છૂટક ભાવાંકનો ફુગાવો ત્રણ મહિના પછી વધ્યો છે. જથ્થાબંધ ભાવનો ફુગાવો ખાદ્ય ચીજોના વધારાને લીધે હોઇ છૂટક ભાવાંકનો ભાવ વધારો વધુ પ્રમાણમાં થાય છે. કારણ કે છૂટક ભાવાંકમાં ખાદ્ય પદાર્થોનું વજન વધુ હોય છે. આમ જથ્થાબંધ ભાવ વધારાનો દર ઘટે અને છૂટક ભાવ વધારાનો દર વધે તો બે ભાવો વચ્ચેનો ગેપ ઘટે, જે ચીજ વસ્તુઓના ઉત્પાદકો કે કિસાનો માટે રાહતના સમાચાર ગણાય. તો પણ આ ગેપ હજી મોટો છે. ઉપરાંત છૂટક ભાવ વધારો રિઝર્વ બેંકની ટોલરન્સ લીમીટથી વધારે છે એટલે  રિઝર્વ બેંક આવતે મહિને વ્યાજના દરમાં 50 બેસીસ પોઇન્ટનો વધારો કરે તેવી સંભાવના છે.

જો ઉત્પાદકો કે જથ્થાબંધ વેપારીઓ આ સ્તરે ભાવો ઘટે તેનો તેમને થતો ફાયદો છૂટક વપરાશકારોને ન આપે તો છૂટક ભાવો ઘટવાની અપેક્ષા રાખી શકાય નહીં અને તો રિઝર્વ બેંક માટે વ્યાજના દર ઘટાડવાનું કે વધારતા અટકવાનું મુશ્કેલ બને. ફૂડ અને ફયુઅલ સિવાયનો જથ્થાબંધ ભાવાંકનો વધારો ઓગસ્ટ મહિને 17 મહિનાનો નીચો (7.9 ટકા) હતો. પોલિસી ઘડનાર માટે આ કોર ઇન્ફલેશન મહત્વનો હોય છે. કારણ કે તે માંગની વધઘટનો નિર્દેશ કરે છે. ફૂડ અને ફયુઅલ (ક્રૂડ ઓઇલ)નો ભાવ વધારો સપ્લાય પર વધુ આધારિત હોય છે એટલે તે માંગનો સાચો અંદાજ ન આપી શકે. ભવિષ્યના ભાવ વધારાનો અંદાજ કાઢવા માટે કોર ઇન્ફલેશન મહત્વનો ભાગ ભજવે છે. જો ભાવ વધારો માંગના વધારાને કારણે હોય તો વ્યાજના દરનો વધારો વધુ અસરકારક બની શકે. કેન્દ્રવર્તી બેંકોની મોનેટરી પોલિસી વ્યાજના દરના ફેરફારથી જેટલી અસરકારક બને તેટલી જ અસરકારક તે તેના સ્ટેટમેન્ટ (સંકેત કે ધમકી) દ્વારા પણ બને. જો કે આ શકય ત્યારે જ બને જયારે તે વિશ્વસનીય હોય.

રિઝર્વ બેંક પાસે વ્યાજના દરના ફેરફાર બાબતે ક્ષમતા થોડી વધુ કેમ છે?
આ માટેના મુખ્ય ત્રણ કારણો છે: 1. આજનું અર્થતંત્ર દસ વરસ પહેલાના અર્થતંત્ર કરતા જુદુ છે જેમાં કોર્પોરેટનું દેવું ઓછું છે અને બેંકીંગ સીસ્ટમની એનપીએ (પાછી ન આવે તેવી લોનો)ની સમસ્યા હળવી થઇ છે. 2. ધીમું પડેલ ચીનના અર્થતંત્રને કારણે વિદેશી મૂડીનો પ્રવાહ અન્ય ઉભરતા દેશો ભણી વહી રહ્યો છે. 3. હાઉસ હોલ્ડ ક્ષેત્રનું સ્ટોક માર્કેટનું રોકાણ વધતું જાય છે. ઉપરાંત ક્રૂડના ભાવો ટોચ પર પહોંચ્યા હોવાનો માર્કેટનો અંદાજ (જેથી જનરલ ભાવ વધારો હવે પછી અટકે કે ઓછો થાય) રિઝર્વ બેંકને વ્યાજના દર મર્યાદિત રીતે વધારવાની ક્ષમતા વધારે છે.

ભર શિયાળે ગેસ (એનર્જી)ની અછત અને તેને કારણે યુરો ઝોનની મંદી અમેરિકાની મંદી કરતા પણ લાંબી ચાલે તેવા સંયોગો અને વ્યાજના દર વધારવા મક્કમ બનેલ યુરોપિયન સેન્ટ્રલ બેંકને કારણે એક જ અઠવાડિયા (સપ્ટેમ્બર 7ના પૂરા થતા) મા યુરોપિયન સ્ટોક ફંડમાંથી 3.4 બિલ્યન ડોલરનો આઉટફલો થયો. આ સાથે છેલ્લા છ મહિનામાં 83 બિલ્યન ડોલરનો આઉટફલો થયો. તે સામે ભારતમાં પણ સતત વધતા વ્યાજના દર વચ્ચે પણ જુલાઇ મહિને ચાલુ થયેલ વિદેશી પોર્ટફોલિઓ મૂડી રોકાણનો ઇન્ફલો સપ્ટેમ્બર મહિને સતત ત્રીજે મહિને ચાલુ રહ્યો છે. (સપ્ટેમ્બર 9 સુધી 5600 કરોડ રૂપિયા કે 700 મિલ્યન ડોલર). આ ઇન્ફલો આવતા થોડા મહિના ચાલુ રહેવાની સંભાવના છે. આ સંજોગોમા અમેરિકન બોંડ પરના ચીલ્ડ સતત વધતા રહે અને ડોલર ઇન્ડેકસ 110ની સપાટી વટાવે તો આપણા વિદેશી મૂડીના ઇન્ફલોને અવળી અસર પહોંચે.

ફીચ વિશ્વના અને ભારતના આર્થિક વિકાસનાં દરનો અંદાજ ઘટાડે છે
સપ્લાય ચેઇનની મુશ્કેલીઓ અને ભાવ વધારાને કારણે ફીચ રેટીંગ એજન્સીએ 2022 મહિના વૈશ્વિક આર્થિક વિકાસના દરનો અંદાજ ઘટાડયો છે (અગાઉના 2.9 ટકાના અંદાજસામે 2.4 ટકા). ગ્લોબલ સ્લોડાઉન, ભાવ વધારાના ઉંચા દર અને વ્યાજના ઉંચા દરને પરિણામે એજન્સીએ ફીસ્કલ 23 માટે) ભારતના આર્થિક વિકાસના દરનો અંદાજ પણ ઘટાડયો છે. (અગાઉના 7.8 ટકાની સામે 7.0 ટકા). આઇએમએફ, વિશ્વ બેંક જેવી બીજી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને રિઝર્વ બેંકે પણ આપણા આર્થિક વિકાસના દરના અંદાજ અગાઉ ઘટાડયા છે. ક્રૂડના ભાવ ઘટતા ઓગસ્ટમાં છૂટક ભાવ વધારો ઓછો થયો છે પણ ચોમાસાના નબળા દેખાવને લીધે ખાદ્ય પદાર્થોના ભાવો સામેનું જોખમ હજી ઉભુ જ છે.

ઓગસ્ટ મહિને બેરોજગારીમાં વધારો: સીએમઆઇઇ
ઓગસ્ટ મહિને આપણા શ્રમબળ (લેબર ફોર્સ)માં 40 લાખનો ઉમેરો થયો. (કુલ કામબળ 43 કરોડ). અને આપણી રોજગારીમાં 26 લાખનો ઘટાડો થયો. પરિણામે આપણા બેકારોની સંખ્યા 3.56 કરોડ થઇ (જુલાઇમાં 2.9 કરોડ). આ સાથે 6 દેશમાં બેરોજગારીનું પ્રમાણ 8.3 ટકાનું થયું જે છેલ્લા બાર મહિનાનું સૌથી ઉંચુ છે. પગારદાર નોકરિયાતોની સંખ્યા તો ઓગસ્ટ મહિને 46 લાખ (5.6 ટકા) જેટલી ઘટી. આ સાથે આ વર્ગની સંખ્યા (7.62 કરોડ) છેલ્લા 15 મહિનાની સૌથી નીચી હતી. આમ આપણે બેરોજગારીની સમસ્યાનો કોઇ સંતોષકારક ઉકેલ આઝાદીના 75 વરસ પછી પણ લાવી શકયા નથી તે આપણી સૌથી મોટી કરૂણતા છે. સ્વાભાવિક રીતે જ ભાવ વધારાનો સૌથી મોટો ફટકો આ બેરોજગારોને પડે છે. આવક જ તદ્દન બંધ થઇ જાય તો પછી ખરીદશકિત (પરચેઝીંગ પાવર) બચે કયાંથી? અત્યાર સુધીમાં કોઇ પણ પક્ષની (કે પક્ષના જોડાણવાળી) સરકારે વિકાસના દર પર જેટલું ધ્યાન આપ્યું છે તેનાથી અડધું ધ્યાન પણ રાષ્ટ્રીય આવકની વહેંચણી બાબતે કે દેશમા રોજગારી કેમ વધે તે બાબતે આપ્યું નથી એ વિષે બેમત ન હોઇ શકે.

ભાવ વધારો રોકવા માટે વ્યાજના દરના વધારા સિવાય બીજા ઉપાયો કયા?
સામાન્ય રીતે ભાવ વધારો મર્યાદા બહાર જાય એટલે રિઝર્વ બેંક એકશન મોડમાં આવે. લિકિવડીટી ઘટાડવાની અને વ્યાજના દર વધારવાની શરૂઆત થાય. આ ઉપાયો ડિમાનડમાં વધઘટ કરી શકે. ભાવ વધારાના મૂળમાં સપ્લાય સાઇડના ઇસ્યુ હોય તો તે વધારવાના પણ પ્રયત્ન કરાય. આ માટે નાણા મંત્રાલય એકશન મોડમાં આવે. ઉત્પાદન માટે સબસીડી અપાય, ઉત્પાદકોને કરવેરામાં રાહત અપાય.

એ સિવાયના ઉપાયો એટલે ઉત્પાદનની કાર્યક્ષમતા વધારવી પડે. કૃષિ ક્ષેત્ર હોય તો હેકટરદીઠ ઉત્પાદન (ચીલ્ડ) વધારવો પડે જે માટે આપણે ત્યાં ખૂબ અવકાશ છે. મેન્યુફેકચરિંગ ક્ષેત્રે કેપેસીટી યુટીલાઇઝેશન વધારવું પડે. ઉત્પાદનની પ્રક્રિયાના નાના મોટા ફેરફાર દ્વારા એકમદીઠ મૂડી રોકાણ પણ ઘટાડી શકાય. ચીજવસ્તુઓના વિતરણ ક્ષેત્રે કાર્યક્ષેત્રતા વધારી કિંમતો ઘટાડી શકાય. સામાન્ય રીતે આ બાબતો પર ધ્યાન ઓછું અપાય છે. સરકાર નવી લોજીસ્ટીક પોલિસી જાહેર કરશે (સપ્ટેમ્બર 17). આ પોલિસી ભાવવધારાના કંટ્રોલ માટે કિંમતો ઘટાડીને ભાવો ઘટાડવામાં બહુ મહત્વનું સાબિત થઇ શકે તે વિગતવાર આવતા સોમવારની કોલમમાં જોઇશું.

Most Popular

To Top