યા અઠવાડિયે આપણા બધાની રૂટિન જિંદગીના સંઘર્ષો અને આનંદ ચાલતા હતા તેની સાથે ફોક્સકોન અને વેદાંતા ગ્રૂપના 1 લાખ 54 હજાર કરોડના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટની જાહેરાત થઇ. મહારાષ્ટ્રના પૂણેના તાલેગાંવમાં આવનારો આ પ્રોજેક્ટ આખરે ગુજરાતને મળ્યો અને એક લાખ યુવાનોને સીધો રોજગાર આપનારા આ પ્રોજેક્ટને કારણે મહારાષ્ટ્રના રાજકારણના નવા જુના ખેલાડીઓ વચ્ચે મ્હેણાંનો ખેલ પણ ખેલાઇ ગયો. તમને ચોક્કસ એમ થશે કે આપણે આ આખી ય ઘટના સાથે શું લેવા દેવા? રાજકારણ સાથે નહીં પણ સેમિકન્ડક્ટર માઇક્રોચિપ સાથે આપણને ચોક્કસ લેવા દેવા છે, અને આ નાનકડી ચિપને લેવા દેવા છે સુપર પાવર બનેલા અથવા તો સુપર પાવર બની શકવાની ક્ષમતા ધરાવતા દેશો સાથે.
શરૂઆતથી શરૂ કરીએ તો શું તમે જાણો છો કે આખા વિશ્વમાં ભલે બે-ચાર દેશો વચ્ચે પોતે મહાસત્તા છે ની ખેંચા-ખેંચી ચાલતી હોય પણ ખરેખર તો કોઇ એક દેશ નહીં પણ એક કંપની જ આખા વિશ્વ પર રાજ કરે છે. તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની (TSMC) નું નામ તમારે કાને નહીં પડ્યું હોય પણ તેમણે બનાવેલી ચિપ તમારા આઇ-ફોનથી માંડીને એર કંન્ડિશનિંગ યુનિટ્સ, સ્માર્ટ લૉક્સ, સ્માર્ટ ડૉરબેલ્સ, રમકડાં, ડિશવૉશર્સ, વૉશિંગ મશીન્સ, કૉમ્પ્યુટર્સ, આધુનિક શસ્ત્રો, F-3 ફાઇટર જેટ્સ અને હજી કંઇ બાકી રહી ગયું હોય તો નાસાએ મંગળ પર મોકલેલા પરસિવિયરન્સ રોવરમાં પણ હોય છે. ‘ડેટા ઇઝ ધી ન્યુ ઓઈલ’નું ધ્રુવ વાક્ય હવે બદલાયું છે કારણકે ‘સેમીકંન્ડક્ટર ચિપ્સ આર ધી ન્યુ ‘ઓઇલ’’-કારણકે આ ચિપ્સ પર આપણી આધિનતા.
આ વાતમાં TSMCના મહત્વ પર નજર કરીએ તો, તાઇવાનના નોર્થ-વેસ્ટ કિનારે આવેલી આ કંપની વિશ્વ આખામાં મળતી-વપરાતી 92 ટકા અત્યાધુનિક ચિપ્સનું ઉત્પાદન કરે છે. માઇક્રોચિપ જેટલી માઇક્રો હોય તેટલી તેની મહત્તા મોટી હોય – અને તાઇવાનની આ કંપની 10 નેનોમિટર્સથી ઓછા નેનોમિટર્સમાં ચિપ્સ બનાવતી વિશ્વની બે કંપનીઓમાંની એક છે, બીજી કંપની જે આવી ચિપ્સ બનાવે છે તે છે દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ. નેમોમિટર્સ એટલે શું? બહુ તકનિકી વિગતોમાં ન પડીએ પણ ટૂંકમાં સમજીએ તો નેનેમિટર્સ એટલે સૂક્ષ્મ સ્વિચીઝ, એટલી સુક્ષ્મ જે વાળ કરતાં ય 10000 ગણી પાતળી હોય અને તેમાંથી વિજ પ્રવાહ પસાર થાય. જેટલી વધુ સૂક્ષ્મ ચિપ એટલો વધુ પાવર, એટલી વધુ ક્ષમતા. ટૂંકમાં આ માઇક્રોચિપ્સ બધી જ મોડર્ન હાઇટેક સવલતોનું મગજ છે.
રાજકારણમાં આ ચિપનું મહત્વ સમજવું હોય તો યાદ કરી લેવું પડે કે વ્હાઇટ હાઉસના પ્રવક્તા નેન્સી પેલોસી જ્યારે ઑગસ્ટ 2022માં તાઇવાન ગયા ત્યારે TSMCના ચેરમેનને મળ્યા. બેઇજિંગ એટલે કે ચીનના રાજકીય માથાઓને આની સામે સખત વાંધો હતો પણ છતાં ય પેલોસીએ જે કરવાનું હતું તે કર્યું જ. વાંકુ પડ્યું એમાં બેઇજિંગે, તાઇવનમાંથી સાઇટ્રસ ફળો અને માછલીની આયાત પર પ્રતિબંધ મુકી દીધો. વળી કુદરતી રેતી જેનો માઇક્રોચિપના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે અને ચીનથી તેની તાઇવાનમાં નિકાસ થાય છે તેની પર પણ પ્રતિબંધ મુકાયો જેથી તાઇવાન હેરાન થાય. આમ તો આ દુઃખે પેટ અને કુટે માથું જેવી વાત હતી કારણકે સેમિકન્ડક્ટર્સ પર પ્રતિબંધ મુકવાનું તો બેઇજિંગને પણ પોસાય તેમ નહોતું કારણકે આખી દુનિયાની જેમ તેમની ટૅક્નોલૉજી પણ તેની પર જ નભેલી છે. ચીન અને યુએસએ વચ્ચેના ખટરાગમાં આ ટચુકડી ચિપ સૌથી મોટું કારણ બની ચૂકી છે.
આવામાં જો ચીન, તાઇવાન પર ચઢાઇ કરે તો આ સેમિકન્ડક્ટર્સનો પુરવઠો આખી દુનિયાને મળતો ખોટકાઇ જાય. એમાં ય જો બેઇજિંગ (ચીન) તાઇવાનને તાબામાં લઇ લે તો માત્ર સેમિકન્ડક્ટર્સના ઉત્પાદનકર્તા હોવાને નાતે જ આપોઆપ ચીન બીજા રાષ્ટ્રો કરતાં મજબુત બની જાય. અત્યારે તો તાઇવાનમાં બનતા સેમિકન્ડક્ટર્સમાંથી 50 ટકા જેટલા ચીનમાં નિકાસ થાય છે, અંદાજે 104 બિલિયન ડૉલર્સની માઇક્રોચિપ્સ ચીન તાઇવાનથી ચીન પહોંચે છે. વળી તાઇવાનમાં એક માત્ર TSMC નથી પણ ASE ટેક્નોલૉજી, AU ઑપ્ટ્રોનિક્સ, મીડિયા ટેક, લાઇટ-ઓન ટેક્નોલૉજી જેવી બીજે કંપનીઝ પણ છે જે સેમિકન્ડક્ટર્સ બનાવે છે.
ત્રણ નેનો મિટરની માઇક્રોચીપ સામે ટ્રિલિયન ડૉલર્સના અર્થતંત્ર ધરાવતી મહાસત્તાઓને મુજરો કરવો પડે છે. ગળે ન ઊતરે એવી આ વાત સો ટચના સોના જેવી સાચી છે. ચીને કરોડો ડૉલર્સ રોકીને માઇક્રોચિપ પ્રોડક્શન ફેસિલિટીનો વિકાસ કરવાનું 2014થી શરૂ તો કરી દીધું પણ હજી તેમને તેમાં ધારી સફળતા નથી મળી – વળી ભ્રષ્ટાચારના ગોટાળા તો થયા જ, જેને કારણે આ પ્રોજેક્ટ્સના ચાવીરૂપ માથાઓ પર તપાસ આદરાઇ છે. ચીન પાછો હખણો રહે એવો દેશ નથી એટલે તાઇવાનમાં સાઇબર અટેક્સના કિસ્સા પણ બન્યા છે – કારણકે ચીનને આ ટેક્નોલૉજી ચોરી કરવામાં રસ છે.
આ તરફ USA દ્વારા પણ ચિપ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી વિકસાવવાની તૈયારી થઇ ચૂકી છે જેથી તાઇવાન પરનો આધાર ઘટી શકે. પોટસ બિડેને ‘ચિપ્સ અને સાયન્સ એક્ટ’2022 પર કામગીરી કરી છે જેથી આગામી પાંચ વર્ષ માટે USAના ચિપ ઉત્પાદકોને 53 બિલિયન ડૉલર્સ જેટલી આર્થિક મદદ મળી શકે. વળી આ ધારા અનુસાર US ની ટેક કંપનીઝને ચિપ કરવા પડતા અધધધ ખર્ચામાં પણ રાહત મળશે. USA માટે આ ટેક્નોલૉજી વિકસાવવી અહમનો મુદ્દો બની ચૂક્યો છે કારણકે ભૂતકાળમાં જ્યારે ચિપનું શિપમેન્ટ અટકાવાયું હતું ત્યારે USAમાં ઑટોમોબાઇલ મેકર્સે કાર ઉત્પાદનના પ્લાન્ટ્સ બંધ કરવાનો વારો આવ્યો હતો. આ તો ચીન અને USAના પ્રયત્નોની વાત થઇ પણ જાપાન પણ લાંબા સમયથી TSMCને ટોક્યોમાં પોતાની કંપનીની શાખા સ્થાપવા માટે આકર્ષવાના પ્રયાસ કરે છે.
આ તો અન્ય રાષ્ટ્રોની વાત થઇ. ઘર તરફ નજર કરીએ મોટા પ્રોજેક્ટ માટે ગુજરાત સવલતો કરી આપવામાં પાવરધું રાજ્ય છે. વેદાન્તાના અનિલ અગ્રવાલે જ્યારે તાઇવાનની કંપની સાથે હાથ મેળવ્યા ત્યારે જરૂરી બધી જ મંજૂરી ગુજરાતમાંથી ફટાફટ મળી ગઇ અને મહારાષ્ટ્ર હાથ ઘસતું રહી ગયું. હૈદરાબાદની સિલિકોન લેબ્ઝનાં સોફ્ટવેર એન્જિનિયર રિષભ હરદાસનું કહેવું છે કે, ‘સેમિકન્ડક્ટર્સ વર્તમાન સમયમાં કોઇપણ ઉદ્યોગની કરોડરજ્જુ હોઇ શકે છે પછી તે થર્મોમિટર બનાવતી હોય કે ક્લાઉડ કમ્પ્યુટિંગનું કામ કરતી હોય. ટ્રાન્ઝિસ્ટર્સથી માંડીને માઇક્રોપ્રોસેસર સુધીનું કંઇપણ ઉત્પાદિત કરતી કંપની સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો હિસ્સો હોઇ શકે છે.
Internet of Things – IOTના યુગમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી કેન્દ્રમાં છે. IOTમાં દરેક ચીજ ઇન્ટરનેટ માટેનો ડેટા બને છે અને આવા અઢળક ઉપકરણો આપણે હાલમાં વાપરી રહ્યા છીએ અને વધુ વાપરીશું – આ તમામનું મગજ અને હ્રદય છે સેમિકન્ડક્ટર્સ. માપી કે નાપી ન શકાય તેટલો અને તેવો ડેટા આ તમામમાંથી જનરેટ થશે, આ તમામનું કોમ્પ્યુટિંગ ચિપ્સ દ્વારા થશે અને માટે જ સેમિકન્ડક્ટરનો પાવર જેની પાસે હશે તે જ સુપર પાવર સાબિત થશે.’
બાય ધ વેઃ
જો ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ થતું થશે તો આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું હબ બની શકીશું. ચીન, તાઇવાન અને યુએસએ હોય કે મહારાષ્ટ્ર અને ગુજરાત હોય – સેમિકન્ડક્ટરને મામલે ભૌગોલિક રાજકારણ બહુ મોટો ભાગ ભજવે છે. હાલમાં વૈશ્વિક સ્તરે તાઇવાનની ચિપ બિલ્ડિંગ સવલતો પર હુમલો કરી ચીની ડ્રેગનની આગ ભડકે ન બાળે તે સૌથી જરૂરી છે નહીંતર વૈશ્વિક સ્તરે સમસ્યાઓ ખડી થવાની પુરી શક્યતાઓ છે. વળી ચીન અને USA જેવા રાષ્ટ્રો એકબીજા પર આધાર રાખવાને બદલે આંતરિક ઉત્પાદન પર ભાર મૂકી રહ્યા છે ત્યારે વૈશ્વિકરણની પરિભાષા પણ ધીમી ગતિએ બદલાઇ રહી છે. ગ્લોબલાઇઝેશન તરફથી આપણે લોકલાઇઝેશન તરફ તો ગતિ નથી કરી રહ્યાને!