નડિયાદ: ખેડા જિલ્લા પંચાયત હસ્તકની શિક્ષણ સમિતીના પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સન ૨૦૦૯-૧૦ માં પોતાની ફરજ દરમિયાન ૧૪૧ વિદ્યાસહાયકોની ભરતી કરી હતી. જે દરમિયાન સત્તાનો દુરઉપયોગ કરી, ખોટા રેકોર્ડના આધારે ૧૩ વિદ્યાસહાયકોને ગેરકાયદેસર રીતે નિમણુંક આપી કૌભાંડ આચર્યું હોવા અંગેની ફરીયાદ નડિયાદ પશ્ચિમ પોલીસમથકે નોંધાઈ છે. જેના આધારે પોલીસે તત્કાલિન જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખેડા જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતી દ્વારા સન ૨૦૦૯ ની સાલમાં વિદ્યાસહાયકોની ૧૪૧ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં લાયકાત ધરાવતાં અનેક ઉમેદવારોએ અરજી કરી હતી. જે પૈકી ૧૪૧ વિદ્યાસહાયકોની નિમણુંક કરવામાં આવી હતી. જે તે વખતે આ ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરીયાદો ઉઠી હતી. પરંતુ, તે દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જોકે, પાંચ વર્ષ બાદ સન ૨૦૧૬ માં આ તમામ ૧૪૧ વિદ્યાસહાયકોને નિયમીત પગાર ધોરણમાં સમાવવા અંગેની કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન નિમણુંક હુકમો ધરાવતાં ૯ વિદ્યાસહાયકોના નામ મેરીટ યાદી તેમજ પ્રતિક્ષા યાદીમાં ક્યાંય જોવા મળ્યાં ન હતાં.
જેથી આ મામલે તપાસ સમિતીની રચના કરવામાં આવી હતી. આ સમિતી દ્વારા તા.૨૨-૧૧-૧૬ અને ૨૩-૧૧-૧૬ ના રોજ અરજદારોની રૂબરૂ સુનાવણી યોજવામાં આવી હતી. જે બાદ તા.૩૦-૧૧-૧૬ ના રોજ ખાતે ૯ વિદ્યાસહાયક તેમજ હિતિક્ષા નવીનચંદ્ર પટેલ સહિત કુલ ૧૦ ઉમેદવારોને રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યાં હતાં અને વધુ તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન ૧૦ વિદ્યાસહાયક સિવાયના વધુ ૩ ઉમેદવારોની નિમણુંકમાં પણ ગેરરીતી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જ્યારે આ સમગ્ર વિદ્યાસહાયક ભરતી કૌભાંડ તત્કાલિન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે એન બામણીયા (હાલ નિવૃત્ત) દ્વારા આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે ખેડા જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશભાઈ ઈશ્વરભાઈ માછીની ફરીયાદને આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે તત્કાલિન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે એન બામણીયા સામે આઈ.પી.સી કલમ ૧૬૭, ૧૯૭, ૧૯૯, ૪૦૬, ૪૦૯ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાસહાયકની નોકરીમાં પાંચ વર્ષ પુરા કરનારા ઉમેદવારોને નિયમીત પગાર ધોરણમાં સમાવવાની કાર્યવાહી વખતે સમગ્ર કૌભાંડનો ભાંડો ફુટ્યો હતો.
રૂપિયાના જોરે વિદ્યાસહાયકોએ ગેરકાયદેસર નોકરી મેળવી હોવાની ચર્ચા
સરકારી વિભાગમાં ઉચ્ચ હોદ્દા ધરાવતાં મોટાભાગન અધિકારીઓ ભ્રષ્ટાચાર અને કૌભાંડ કરવા માટે ટેવાયેલા હોય છે. આવા અધિકારીઓ પોતાના વિભાગમાં ભરતી બહાર પડે તો સૌપ્રથમ પોતાના મળતીયાઓને નોકરીમાં લગાવી દેતાં હોય છે. જે બાદ લાયકાત ન ધરાવતાં હોય તેવા લોકો પાસેથી લાખો રૂપિયા લઈને નિમણુંક આપી દે છે. જેને પગલે લાયકાત ધરાવતાં અને મહેનત કરી આગળ વધવા માંગતાં વ્યક્તિઓ નોકરીથી વંચિત રહી જાય છે. ત્યારે આ કિસ્સામાં વિદ્યાસહાયકોને ગેરકાયદેસર રીતે નિમણુંક પત્ર આપવાના બદલામાં તેમની પાસેથી કેટલા રૂપિયા લેવામાં આવ્યાં તે દિશામાં તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ ઘટનામાં જે તે શિક્ષકોના પણ નિવેદન લેવા માગ ઉઠી હતી.