સુરત ચિકિત્સા ક્ષેત્રે ઘણું આગળ વધ્યું છે પણ ઘણી વાર ડોક્ટરો માટે પણ પડકારજનક કેસો આવતા હોય છે. શ્વાસનળીની ગાંઠ કાપકૂપ કર્યા વગર દૂર કરવી તે અત્યાર સુધી સુરત કે દક્ષિણ ગુજરાતમાં થઈ શકતું નહોતું. જે સુરતની એક યુવા મહિલા ડોક્ટરે કરી બતાવ્યું. તે સુરત ચિકિત્સાક્ષેત્ર માટે ગર્વની વાત છે. અત્યાર સુધીના દક્ષિણ ગુજરાતના ચિકિત્સકીય જગતમાં સૌ પ્રથમ વાર એક 64 વર્ષના પુરુષ દર્દીની શ્વાસનળીની ગાંઠ સર્જરી કર્યા વગર બ્રોન્કોસ્કોપી તરીકે ઓળખાતી દૂરબીન દ્વારા થતી પ્રોસીજરથી કાઢવામાં 32 વર્ષીય ડૉ. ઇશિતાએ સફળતા મેળવી છે.
અત્યાર સુધી આવા દર્દીએ ટ્રીટમેન્ટ માટે અમદાવાદ કે મુંબઈ જવું પડતું પરંતુ હવે બ્રોન્કોસ્કોપી- દૂરબીનથી શ્વાસનળીની તકલીફોનું નિવારણ સુરતમાં પણ થઈ શકે છે એટલે દર્દીઓએ અમદાવાદ કે મુંબઈ સુધી દોડવું નહીં પડે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ પહેલો કિસ્સો છે જેમાં કોઈ પણ વાઢકાપ વિના દર્દીનું ટ્યુમર કાઢવામાં આવ્યું હોય. આ ઉપરાંત શ્વાસનળીમાં સ્ટેન્ટ નાખવો, સંકુચિત શ્વાસનળીને ખોલવી, શ્વાસનળીમાં, ફેફસાંમાં કાણું હોય તો તેને બંધ કરવું કે અન્ય કોઈ પણ કેન્સરનું સ્ટેજિંગ નક્કી કરવાની ટેક્નિક પણ હવે સુરતમાં શક્ય બનશે. આ મિનિમલ એડવાન્સ પ્રોસીજર શું છે એ વિશે ડૉ. ઇશિતા સાથે વાતચીત કરી. તો જાણીએ આ એડવાન્સ પ્રોસીજર વિશે…..
ડૉ. ઇશિતાએ ચેસ્ટ મેડીસીનમાં M.D. કર્યું છે
સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય ડૉ. ઇશિતા શાહે સ્મીમેર હોસ્પિટલમાં 2014ના વર્ષમાં M.B.B.S. પૂર્ણ કરી વડોદરાની S.B.K.S. & M.I.R.C. ઇન્સ્ટિટ્યૂટમાંથી 2018માં M.D. ચેસ્ટ મેડીસીનની ડિગ્રી પ્રાપ્ત કરી. U.S.માં સ્થિત કિવલેન્ડ ક્લિનિક અને કોઈમ્બતુર સ્થિત Royal Care હોસ્પિટલ તથા મુંબઈ સ્થિત Tata મેમોરિયલ હોસ્પિટલમાં ‘ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજી’ ની ટ્રેનિંગ લીધી. ત્યાર બાદ 2 વર્ષ દિલ્હીમાં ‘મેક્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ’માં પ્રેક્ટિસ કરી. એશિયાની ઉચ્ચતમ એવી ‘Rajiv Gandhi Cancer Institute’ના આ ફિલ્ડના પાયોનિયર એવા ડૉ. રાજીવ ગોયલના માર્ગદર્શન હેઠળ ‘ઈન્ટરવેન્શનલ પલ્મોનોલોજી અને થોરેસિક ઓન્કોલોજી’ માં ફેલોશીપ કરી. આ ફેલોશીપને ઇન્ડિયન એસોસીએશન ઓફ બ્રોન્કોલોજી સર્ટિફાઈ કરે છે. ડૉ. ઇશિતાએ સુરતને કર્મભૂમિ બનાવવાનું નક્કી કરી આ વર્ષના ફેબ્રુઆરીમાં સુરત આવી એપ્રિલથી પ્રેક્ટિસ શરૂ કરી. તેઓ મહાવીર હોસ્પિટલ અને નવસારીમાં નીરાલી હોસ્પિટલમાં સેવા આપે છે.
ડૉ. ઇશિતાએ સમગ્ર દક્ષિણ ગુજરાતના ચિકિત્સા ક્ષેત્રમાં અત્યાર સુધી જે શક્ય નહોતું બન્યું તે કરી બતાવ્યું. તેમણે વાત કરતા જણાવ્યું કે ત્રણ અઠવાડિયાં પહેલાં એક 64 વર્ષીય દર્દી તેમની પાસે આવ્યા હતા જેમની શ્વાસનળીમાં ચાર સેન્ટિમીટર જેટલું ટ્યુમર હતું. આ ટ્યુમરે તેમની શ્વાસનળીનો 90 % ભાગ અવરોધી લીધો હતો અને માત્ર 10% ભાગથી જ તેઓ શ્વાસ લઈ શકતા હતા એટલે જીવી શકે એવી શક્યતા બહુ ઓછી હતી. આમાં પહેલાં રેડિયો થેરાપી કામ લાગે એવું નહોતું કારણ કે એ પ્રોસિજરમાં ઘણો લાંબો સમય લાગે અને દર્દીની હાલત જોતાં એ સલાહભર્યું નહોતું એટલે બ્રોન્કોસ્કોપી નામના દૂરબીનથી શ્વાસનળીની તે ગાંઠને કાઢવામાં આવી. સાઉથ ગુજરાતમાં સર્વ પ્રથમ વખત આ પ્રોસીજર સુરતની મહાવીર હોસ્પિટલમાં ડૉ. ઇશિતા શાહ અને એનેસ્થેટીસ્ટ ડૉ. ભગીરથ નાયકના પ્રયાસ વડે કરવામાં આવી. હવે તે ક્લિયર થતાં ફરી ટ્યુમર નહીં થાય તે માટે રેડિયોથેરાપી કરી શકાશે.
નાનું બાળક સિસોટી ગળી ગયેલો જે પણ દૂરબીનથી કાઢી
ડૉ. ઇશિતા શાહે એક કિસ્સો વર્ણવતા કહ્યું હતું કે તેમને ત્યાં એક નાના બાળકને લાવવામાં આવ્યો હતો. આ બાળક સિસોટી ગળી ગયો હતો. બાળક રડતો ત્યારે પણ સિસોટીનો અવાજ આવતો. તે વ્હિસલને પણ દૂરબીનથી કાઢવામાં આવી હતી. આ વ્હિસલના ત્રણ ભાગ થઈ ગયા હતા. આ ત્રણે ભાગને દૂરબીનથી કાઢવામાં આવ્યા હતા.
ડૉ. ઇશિતા શાહ (ચેસ્ટ મેડીસીન M.D.) દ્વારા 64 વર્ષના દર્દીની શ્વાસનળીમાં કેન્સરની ગાંઠ દૂરબીન વડે કાઢવાનો પ્રથમ કિસ્સો
આવા ક્ષેત્રમાં સામાન્ય રીતે ઓછી મહિલાઓ જતી હોય છે ત્યારે ડૉ. ઈશિતા આ ક્ષેત્રમાં છે તે સુરત માટે ગર્વની વાત છે અને દક્ષિણ ગુજરાતના લોકોને આ નોન ઈન્વેઝિવ પ્રોસિજર્સનો લાભ મળશે.