ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) હવે આગામી ઓકટોબરમાં જાહેર થવાની છે તે પહેલા હાલમાં ગાંધીનગર (Gandhinagar) હવે આંદોલનગરી બની ચૂકી છે. જેના પગલે ગાંધીનગરમાં પોલીસ (Police) દ્વારા સતત સચિવાલયના ગેટ નંબર એક પાસે કિલ્લેબંધી કરાઈ છે. સંઘની ભગીની ભારતીય કિસાન સંઘ સાથે સંકળાયેલા ખેડૂતો આજે ટ્રેકટર રેલી લઈને ગાંધીનગર આવી પહોંચ્યા હતા. એટલું જ નહીં મુખ્યપ્રધાનના નિવાસ્થાન તરફ કૂચ કરી જતાં તેઓને પોલીસે તેમને રોક્યા હતાં. જો કે ખેડૂતોએ સભા પણ કરીને ભાજપની સરાકરને રાજકીય વનવાસ ના ભોગવવો પડે તો સારૂ તેવી ધમકી પણ ઉચ્ચારી હતી.
પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે તથા પગાર વધા સહિતની માંગણીઓ સાથે ગાંધીનગરમાં જુના સચિવાલયના પ્રવેશ દ્વાર પાસે ઉમટી પડયા હતા એટલું જ નહીં હલ્લાબોલ કાર્યક્રમ યોજી સરકાર સામે શક્તિ પ્રદર્શન કર્યુ હતું. બીજી તરફ રાજયના માજી સૈનિકોએ પોતાની ૧૭ જેટલી માંગણીઓના સદર્ભમાં નવા સચિવાલયના ગેટ નંબર એકની સામે આજે બપોરે સભા કરીને તાજેતરમાં એક માજી સૈનિકના મોત સામે સરકારને જ જવાબદાર ઠેરવી હતી. આ ઉપરાંત પૂર્વ ગૃહ રાજય મંત્રી તથા મહેસાણાની દૂધ સાગર ડેરીના માજી ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં હવે ગાંધીનગરમાં ચૌધરીએ સ્થાપેલી અર્બુદા સેનાએ પણ હલ્લાબોલ કર્યુ છે એટલું જ નહીં સમાજના નેતા વિપુલ ચૌધરીને મુક્ત કરવાની માંગ કરી હતી.
આજે ગાંધીનગરમાં કિસાન સંઘ સાથે સંકળાયેલા ખેડૂતોએ ગાંધીનગરમાં ટ્રેકટર રેલી યોજી હતી એટલું જ નહીં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાન તરફ કૂચ કરી હતી.પોલીસે તેમને સરકીટ હાઉસથી આગળ વધતા અટકાવ્યા હતા. ખેડૂતો દ્વારા હોર્સપાવર આધારિત વીજળીની બિલો સહિતના મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવી છે. પોલીસ ખેડૂતોની અટકાયત કરીને તેઓને પાછળથી મુક્ત કરી દીધા હતાં.
પંચાયત આરોગ્ય કર્મીઓએ આજે ગાંધીનગરમાં જુના સચિવાલયના પ્રવેશ દ્વાર પાસે હલ્લાબોલ કર્યુ હતું. આરોગ્ય કર્મીઓના મંડળના પ્રમુખ રણજીત મોરીએ કહ્યું હતું કે ગુજરાત સરકાર આરોગ્ય કર્મચારીઓને માત્ર લોલીપોપ આપી રહી છે. જો સરકાર વહેલામાં વહેલી તકે કોઈ પરીપત્ર કે ઠરાવ બાહર નહીં પાડે તો આગામી નજીકના દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. શિક્ષકોએ પણ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિને માસ સીએલ પર જવાની ચીકમી ઉચ્ચારી છે. એસટી નિગમના કર્મચારીઓએ પગારમાં વિસંગતતા મામલે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કર્મચારીઓ દ્વારા ગ્રેડ પેમાં વધારો, કોરોના વોરિયર્સ તરીકેનું ભથ્થું, આરોગ્ય કર્મચારીઓને ૮ કિમીની નીચે પ્રવાસ ભથ્થું આપવુ સહિતની માંગ કરાઈ છે.
માજી સૈનિકોની ૧૭ જેટલી માંગણીઓ છે , જેના પગલે તેઓ આજે ગાંધીનગરમાં નવા સચિવાલય ગેટ નંબર એક પાસે હવે મંડપ બાંધીને આંદોનલ તથા ધરણાં ઉપર બેસી ગયા છે. આજે માજી સૈનિકોએ તેમના એક આંદોલનકારી માજી સૈનિકના નિધન માટે સરકારને જવાબદાર ઠેરવી હતી.
દૂધ સાગર ડેરીમાં અંદાજિત ૮૦૦ કરોડ કરતાં વધુની આર્થક ગેરરિતી બહાર આવી છે, જેના પગલે ડેરીના માજી ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ કરી લેવામાં આવી છે.આજે ચૌધરીએ સ્થાપેલી અર્બુદા સેનાના અગ્રણીઓ ગાંધીનગરમા મોટી સંખ્યામાં એકત્ર થયા હતા એટલું જ નહીં વિપુલ ચૌધરીને મુકત્ત કરવાની માંગ કરી હતી.