Business

શેરબજારમાં બાબા રામદેવ કરવા જઈ રહ્યા છે મોટો ધમાકો, પતંજલિ ગ્રુપની 5 કંપનીઓનો IPO આવશે

નવી દિલ્હીઃ (New Delhi) IPOમાં નફો કમાતા લોકો માટે સારા સમાચાર છે. યોગ ગુરુ બાબા રામદેવ (Baba Ramdev) પ્રાઇમરી માર્કેટમાં ધમાકો કરવા જઈ રહ્યા છે. બાબા રામદેવ પતંજલિ ગ્રુપની 5 કંપનીઓનો આઈપીઓ (IPO) લાવવાની યોજના બનાવી રહ્યા છે. એક અહેવાલ અનુસાર રામદેવ શુક્રવારે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં પતંજલિ ગ્રુપની (Patanjali Group) 5 કંપનીઓના IPO વિશે માહિતી આપવામાં આવશે. રામદેવ આગામી પાંચ વર્ષમાં આ IPO લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ સાથે રામદેવ પોતાના કોર્પોરેટ પ્રદર્શનને નવી ઉંચાઈ પર લઈ જવા માંગે છે. અગાઉ એક ઈન્ટરવ્યુમાં રામદેવે કહ્યું હતું કે તેઓ પતંજલિ આયુર્વેદ, પતંજલિ લાઈફસ્ટાઈલ, પતંજલિ વેલનેસ અને પતંજલિ મેડિસિનનો આઈપીઓ લોન્ચ કરવાની યોજના ધરાવે છે.

  • યોગ ગુરુ બાબા રામદેવ પ્રાઇમરી માર્કેટમાં ધમાકો કરવા જઈ રહ્યા છે
  • રામદેવ આગામી પાંચ વર્ષમાં પાંચ કંપનીઓના IPO લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે
  • પતંજલિ આયુર્વેદ, પતંજલિ લાઈફસ્ટાઈલ, પતંજલિ વેલનેસ અને પતંજલિ મેડિસિનનો આઈપીઓ લોન્ચ કરવાની યોજના

5 વર્ષમાં 5 નવા IPO
જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં બાબા રામદેવ આગામી 5 વર્ષમાં પાંચ ગ્રુપ કંપનીઓના 5 નવા IPO વિશે માહિતી આપશે. પ્રેસ આમંત્રણમાં પતંજલિએ કહ્યું કે અમને એ જણાવતા આનંદ થાય છે કે સ્વામી રામદેવ 16 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરશે. આમંત્રણમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે મજબૂત અને સ્વસ્થ ભારતની દિશામાં પતંજલિ અને તેના સ્વદેશી ચળવળને બદનામ કરવાના ષડયંત્રનો પણ આ કોન્ફરન્સમાં પર્દાફાશ કરવામાં આવશે. આ સિવાય બાબા રામદેવ પતંજલિ જૂથના વિઝન અને મિશન 2027ની રૂપરેખા પણ આપશે. તેઓ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે 5 વર્ષ માટે જૂથની 5 મુખ્ય પ્રાથમિકતાઓ અને લક્ષ્યોની રૂપરેખા પણ આપશે.

પતંજલિની આવક વધી છે
જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2022માં પતંજલિની આવક વધીને 10,664.46 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેના પાછલા નાણાકીય વર્ષમાં તે રૂ. 9,810.74 કરોડ હતું. જોકે વર્ષ 2022માં કંપનીનો ચોખ્ખો નફો નજીવો ઓછો રૂ. 740.38 કરોડ હતો. અગાઉના નાણાકીય વર્ષમાં તે રૂ. 745.03 કરોડ હતો.

અત્યારે આ કંપની માર્કેટમાં લિસ્ટેડ છે
હાલમાં પતંજલિ ગ્રૂપની એકમાત્ર કંપની પતંજલિ ફૂડ્સ શેરબજારમાં લિસ્ટેડ છે. આ કંપની અગાઉ રુચિ સોયાના નામથી શેરબજારમાં લિસ્ટેડ હતી. પતંજલિ આયુર્વેદે આ કંપનીને વર્ષ 2019માં 4,350 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ગુરુવારે BSE પર પતંજલિ ફૂડ્સનો સ્ટોક 0.86 ટકા અથવા રૂ. 11.65 ઘટીને રૂ. 1342.90 પર બંધ થયો હતો.

Most Popular

To Top